Gujarati News

Gujarati News

News of Wednesday, 19th February 2020

ચૂંટણી સુધારાની દિશામાં નવી પહેલ

મતદાર યાદીને આધાર કાર્ડ સાથે જોડવા કવાયત

પેઇડ ન્યુઝ તથા ખોટા સોગંદ નામાના મામલે ચૂટાયેલા પ્રતિનિધિઓનું સભ્યપદ રદ કરવા સુધીના પગલા

નવી દિલ્હી,તા.૧૯: ચુંટણી પંચે ગઇ કાલે ચુંટણી સુધારાઓની દિશામાં સરકાર સાથે નવેસથી પહેલ કરી છે. તેમાં મતદાર યાદીને આધાર સાથે જોડવા પેઇડ ન્યુઝ અને બોગસ સોગંદનામાના કેસમાં ચૂટાયેલા પ્રતિનિધીઓનું સભ્યપદ રદ કરવા જેવા મુદ્દાઓ સામેલ છે. ચુંટણી પંચ તરફથી  આવેલ બયાન અનુસાર વિધી સચિવ જીનારાયણ રાજુ સાથે મિટીંગ દરમ્યાન મુખ્ય ચુંટણી કમિશ્નર સુમીલ અરોરા અને કમિશ્નર અશોક લવાસા તથા સુનિલ ચંદ્રએ મતદાર યાદીને આધાર નંબર સાથે લીંક કરવા બાબતે ચર્ચા કરી હતી.

સુત્રોએ જણાવ્યું હતું કે, હાલમાં જ વિધિ મંત્રાલયને લખાયેલા પત્રમાં ચુંટણી પંચે લોક પ્રતિનિધીત્વ કાયદાની જોગવાઇઓમાં સુધારાનો પ્રસ્તાવ મુકયો છે. તેમાં મતદાર યાદીમાં સામેલ કરવા માટેની અરજી દરમ્યાન તથા યાદીમાં પહેલાથી રહેલા લોકો માટે આધાર નંબર ફરજીયાત કરવાનો પ્રસ્તાવ સામેલ છે. પ્રસ્તાવનો સ્વીકાર કરતા વિધિ મંત્રાલયે ચુંટણી પંચને આધાર ડેટાને સુરક્ષિત રાખવાના ઉપાયો કરવાનો આદેશ આપ્યો છે. પંચે ખોટા સોગંદનામા આપીને ચંુટણી જીતનાર ઉમેદવારનું સભ્યપદ રદ કરવાનો પ્રસ્તાવ પણ મુકયો છે.

ચુંટણી પંચના અધિકારીઓ અને ૨૦ મુખ્ય ચુંટણી પદાધિકારીઓની નવ સમિતિઓએ મંગળવારે વિભિન્ન મુદ્દાઓ પર પોતાની ભલામણો સોંપી દીધી છે. તેમાં ચુંટણી આચાર સંહિતા અને ચુંટણી ખર્ચનું મેનેજમેન્ટ પણ સામેલ છે. સમિતિઓની ભલામણો ગત લોકસભા ચુંટણી અને હાલની અન્ય ચુંટણીઓ પર આધારિત છે. મુખ્ય ચુંટણી કમિશ્નર સુનીલ અરોરાએ કહ્યું કે, સમિતિઓની ભલામણો પર ધ્યાન અપાશે. લોકોની પ્રતિક્રિયાઓ જાણવા માટે આ ભલામણોને જાહેર પણ કરવામાં આવશે.

(10:43 am IST)