Gujarati News

Gujarati News

News of Wednesday, 19th February 2020

નફો ઘટવાથી યુરોપની મોટી બેન્ક HSBC ૩૫,૦૦૦ની છટણી કરશે

બેન્ક અનિશ્ચિતતાનો સામનો કરી રહી છે

લંડન, તા.૧૯: હોંગકોંગ શાંદ્યાઈ બેન્કિંગ કોર્પોરેશને (HSBC) પોતાના કારોબારનું તર્કસંગત પુનઃગઠન કરવાની જાહેરાત કરી છે. આ માટે કંપની લગભગ ૩૫,૦૦૦ લોકોને નોકરીમાંથી છૂટા કરશે. છેલ્લા ત્રણ વર્ષથી HSBCના નફો દ્યટી રહ્યો છે અને સામે પક્ષે ખોટમાં સતત વધારો થઈ રહ્યો હોવાથી કંપનીને તર્કસંગત પુનઃગઠન કરવાની નોબત આવી છે. HSBCએ એક નિવેદન બહાર પાડતાં એવું જણાવ્યું કે HSBCની યુરોપ અને અમેરિકાની શાખાઓમાં કારોબારનો વ્યાપ ઘટાડવામાં આવશે. અમેરિકા અને ચીન વચ્ચેના વેપારયુદ્ઘ તથા બ્રિટનના યુરોપીય સંદ્યમાં બહાર જવાના નિર્ણય અને ચીનમાં ફેલાયેલા ખતરનાક કોરોના વાઇરસને કારણે બેન્ક અનિશ્ચિતતાનો સામનો કરી રહી છે. તેને કારણે એચએસબીસીને પોતાના સંચાલન ખર્ચમાં ઘટાડો કરવાની ફરજ પડી છે. બેન્કના મુખ્ય કાર્યવાહક અધિકારી નોએલ કયુઈને કહ્યું કે અમારા કારાબોરના કેટલાક હિસ્સાઓ અપેક્ષા પ્રમાણે ફળ આપી રહ્યાં નથી તેથી રોકાણકારોને સારું પરિણામ આપવા માટે અમે અમારી યોજના પર પુનઃવિચાર કરી રહ્યા છીએ.

૨૦૧૬ બાદ પોતાના ૬ બિલિયન શેર પરત આવેલી એચએસબીસી બેન્કે એવું જણાવ્યું કે પુનઃગઠનનો ખર્ચ કાઢવાના હેતુસર તે ૨ વર્ષ સુધી બાયબેકને અટકાવી દેશે અને તેનું ડિવિડંડ જાળવી રાખશે. વધારે સારું વળતર આપી શકે તેવા સેકટરોમાં ૧૦૦ બિલિયન ડોલરનું રોકાણ કરવાની બેન્કની યોજના છે. ૨૦૦૮ પછી કરાયેલ લેટેસ્ટ પુનઃગઠનમાં એચએસબીસીએ એવું જણાવ્યું કે તે તેની પ્રાઇવેટ બેન્ક અને વેલ્થ બિઝનેસનો વિલય કરી નાખશે તથા યુરોપિયન સ્ટોક ટ્રેડિંગને નાબૂદ કરી યુએસ રિટેલ બ્રાન્ચમાં કાપ મૂકશે.

(10:02 am IST)