Gujarati News

Gujarati News

News of Wednesday, 19th February 2020

સુંદરકાંડ માટે ડિસેમ્બર સુધી એડવાન્સ બુકિંગ : સૌરભ ભારદ્વાજ

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય દ્વારા શરૂઆત : સરકાર મદદ કરશે તો વધુ યોગ્ય રહેશે : સૌરભ ભારદ્વાજ

નવી દિલ્હી, તા.૧૯  : ગ્રેટર કૈલાશથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સૌરભ ભારદ્વાજે પોતાના ક્ષેત્રમાં દર મહિનાના પહેલા મંગળવારના દિવસે હનુમાનજીના આશિર્વાદ મેળવવા માટે સુંદરકાંડના પાઠનું આયોજન કરવાની શરૂઆત કરી છે. મંગળવારના દિવસે ચિરાગ દિલ્હીના પ્રાચિન શિવ મંદિરમાં સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. સૌરભ ભારદ્વાજે કહ્યું હતું કે પ્રજા પાસેથી ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. પાર્ટીએ તેમને આના માટે નિર્દેશો આપ્યા નથી અલબત્ત તેઓએ કેજરીવાલ સરકાર પાસેથી મદદની અપેક્ષા રાખી છે. આવી સ્થિતિમાં એવા સવાલ ઉઠી રહ્યા છે કે અરવિંદ કેજરીવાલ સરકાર સમગ્ર દિલ્હીમાં સુંદરકાંડ યોજના લાગુ કરશે કેમ કેમ. સૌરભે કહ્યું હતું કે હનુમાનજીના આશિર્વાદથી અને ક્ષેત્રની જનતાના પ્રેમથી તેમને દિલ્હીમાં પ્રચંડ જીત મળી છે. પોતાના ક્ષેત્રના જુદા જુદા વિસ્તારોમાં હવે સુંદરકાંડના પાઠ કરાવવામાં આવશે.

        સુંદરકાંડના પાઠ માટે ડિસેમ્બર સુધી એડવાન્સ બુકિંગ પણ કરવામાં આવ્યું છે. અનેક સંસ્થાઓએ પોતાને ત્યાં પાઠ કરાવવાની ઈચ્છા વ્યક્ત કરી છે. ભારદ્વાજે કહ્યું હતું કે તેમની જેમ જ કેટલાક અન્ય ધારાસભ્યોની ઈચ્છા પણ છે કે તેમના વિસ્તારમાં સુંદરકાંડના પાઠનું આયોજન કરાય. એએપીની આયોજનાથી રાજકીય પક્ષોમાં આની ચર્ચા જોવા મળી રહી છે. સૌરભ ભારદ્વાજ આમ આદમી પાર્ટીના પ્રવક્તા પણ છે. પાર્ટી તરફથી આ સંદર્ભમાં કોઈ સૂચના મળી છે કે કેમ તે સંદર્ભમાં પૂછવામાં આવતા તેમણે કહ્યું હતું કે આ અંગત આસ્થાનો પ્રશ્ન છે. આવી એવી ચીજ છે જેમાં પાર્ટી એમ કહી શકે નહીં કે પાઠ કરવા જોઈએ કે કેમ. પાર્ટી ક્યારેય પણ પોતાના કોઈ નિયમ બનાવશે નહીં. આસ્થા અને શ્રદ્ધાની બાબત આની સાથે જોડાયેલી છે. ભારદ્વાજે કહ્યું છે કે ભગવાનના આશિર્વાદ લેવાના પ્રયાસ થઈ રહ્યા છે.

(7:55 pm IST)