Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે ભારત ભક્તિ અખાડો બનાવ્યો

કુંભ મેળામાં પ્રજ્ઞા ઠાકુરે જાહેરાત કરી ચોંકાવ્યા : અયોધ્યા ખાતે માળખાને તોડી પાડવા માટે પહોંચ્યા હતા ભવ્ય મંદિર નિર્માણ માટે પણ પહોંચીશું : પ્રજ્ઞાની ખાતરી

પ્રયાગરાજ, તા. ૧૯ : મહારાષ્ટ્રના માલેગાંવ બોંબ બ્લાસ્ટ કેસમાં આરોપી બનાવવામાં આવ્યા બાદ ચર્ચામાં રહેલી સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે પ્રયાગરાજ કુંભ મેળામાં એક નવા અખાડાની સ્થાપના કરી દીધી છે. આજે પ્રયાગરાજ પહોંચેલી સાધ્વી પ્રજ્ઞાએ આ અંગેની જાહેરાત કરીને તમામને ચોંકાવી દીધા હતા. સાધ્વી પ્રજ્ઞા ગઇકાલે કુંભમેળાના સેક્ટર ૧૫ સ્થિત દિવ્યપ્રેમ સેવા મિશનની છાવણીમાં ભારત ભક્તિ અખાડાના મહામંડલેશ્વરની રચના કરી હતી. અલબત્ત હજુ સુધી અખિલ ભારતીય અખાડા પરિષદ એટલે કે, સંત સમાજના કોઇ પ્રતિનિધિ તરફથી આ અંગેની પ્રતિક્રિયા આપવામાં આવી નથી. મંગળવારના દિવસે પ્રયાગરાજ પહોંચેલા સાધ્વી પ્રજ્ઞાએ આ પહેલા કુંભ મેળામાં સૌથી પ્રમુખ સ્નાન પર્વ માઘ પૂર્ણિમા પર વારાણસીમાં દર્શન કર્યા હતા. પ્રજ્ઞા ઠાકુરે કહ્યું હતું કે, રામ મંદિરનો મુદ્દો રાજકીય નહીં બલ્કે આસ્થા સાથે જોડાયેલો છે. પ્રજ્ઞાએ એમ પણ કહ્યું હતું કે, જે દિવસે ભગવાન રામના નિર્દેશ મળશે તે જ દિવસે તમામ ભક્તો મળીને રામ મંદિરનું નિર્માણ કામ શરૂ કરી દેશે. અમે અયોધ્યામાં માળખાને તોડી પાડવા માટે પણ પહોંચ્યા હતા અને આજે ભવ્ય મંદિરના નિર્માણ માટે પણ જઈશું. સાધ્વી પ્રજ્ઞાને તાજેતરમાં જ માલેગાંવ બ્લાસ્ટ કેસમાં આરોપોમાંથી છોડી મુકવામાં આવ્યા હતા. ઉત્તર મહારાષ્ટ્રના માલેગાંવમાં ૨૯મી સપ્ટેમ્બર ૨૦૦૮ના દિવસે એક મસ્જિદની પાસે મોટર સાઇકલ પર બાંધવામાં આવેલી વિસ્ફોટક સામગ્રીમાં બ્લાસ્ટ થતાં સાત લોકોના મોત થયા હતા. આ બ્લાસ્ટમાં ૧૦૦થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ મામલામાં આરોપીઓમાં કર્નલ પુરોહિત, પ્રજ્ઞાસિંહ ઠાકુર, મેજર (સેવા નિવૃત્ત) રમેશ ઉપાધ્યાય, સમીર કુલકર્ણી, સુધારક દ્વિવેદીને સામેલ કરવામાં આવ્યા હતા. સાધ્વી પ્રજ્ઞા કટ્ટર હિન્દુ તરીકેનીછાપ સામાન્ય લોકોમાં ધરાવે છે.

(7:51 pm IST)