Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

પાકિસ્તાની નાગરિકોને ૪૮ કલાકમાં બિકાનેર છોડવાનો જિલ્લા કલેકટરનો આદેશ

સમગ્ર જિલ્લામાં કલમ ૧૪૪ લાગુ : સ્વયં જ જિલ્લાની બહાર જવું પડશે

નવી દિલ્હી તા. ૧૯ : જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લાના પિંગલિના ક્ષેત્રમાં સુરક્ષાબળો અને આતંકીઓની વચ્ચે સોમવારના રોજ થયેલી અથડામણમાં મેજર સહિત કુલ પાંચ જવાન શહીદ થઇ ગયા. શહીદોમાં રાજસ્થાનના રહેવાસી એસ.રામનું નામ પણ સામેલ છે. બીજીબાજુ પુલવામા હુમલા બાદ રાજસ્થાનમાં બિકાનેરના જિલ્લાધિકારી કુમાર પાળ ગૌતમે આદેશોની એક યાદી રજૂ કરી છે, જેમાં આઇપીસીની કલમ ૧૪૪ની અંતર્ગત તરત લાગૂ કરાઇ છે. તેમણે આદેશ આપ્યો છે કે પાકિસ્તાની નાગરિક ૪૮ કલાકની અંદર જિલ્લો છોડી દે. તેની સાથે જ ડીએમ એ બિકાનેરના સરહદ વિસ્તારમાં બનેલી હોટલોમાં પાકિસ્તાની નાગરિકોને આશરો આપવા પર પણ પ્રતિબંધ મૂકી દીધો છે. આ આદેશ બે મહિના માટે લાગૂ કરાયો છે.

પુલવામા આંતકવાદી ઘટનાને જોતાં બિકાનેર જિલ્લા કલેકટર કુમારપાલ ગૌતમે બિકાનેર જિલ્લામાં રહેનાર બધા જ પાકિસ્તાની નાગરિકોને ૪૮ કલાકમાં જિલ્લો છોડીને બહાર જવા માટે કહ્યું છે. જિલ્લા મેજિસ્ટ્રેટે સમગ્ર જિલ્લામાં કલમ ૧૪૪ લાગૂ કરી છે જેના આદેશ અનુસાર જિલ્લાની સીમામાં કોઇ પાકિસ્તાની નાગરિક હાજર છે તો તેને સ્વયં જ જિલ્લાની બહાર જવું પડશે. ત્યારબાદ તેના પર સખત કાર્યવાહી કરી તેને જિલ્લાની બહાર ખદેડવામાં આવશે.

પુલવામા એટેક બાદ જિલ્લાના જ પિંગલિના ક્ષેત્રમાં થયેલ અથડામણમાં સોમવારના રોજ શહીદ થયેલા એમ.રામનો નશ્વર દેહ મોડી રાત્રે રાજસ્થાન પહોંચ્યો. ૧૮ કલાક સુધી ચાલેલ અથડામણમાં સેનાની રાષ્ટ્રીય રાઇફલ્સ અને પેરા ફોર્સીસની ટીમે ત્રણ આતંકીઓને ઠાર કર્યા છે, જેમાં જૈશ-એ-મોહમ્મદના બે ટોપ કમાન્ડર પણ સામેલ છે.

(3:55 pm IST)