Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

પાકિસ્તાન અવળચંડાઇ નહિ છોડે : કર્યો સાઇબર એટેક : ગુજરાત સરકાર સહિત ૧૦૦ વેબસાઇટ હેક

આઇ.કે. જાડેજાનું બ્લોટ પણ હેકઃ નાગપુર ભાજપ કાર્યાલયની વેબસાઇટ પણ હેક થઇ

નવી દિલ્હી તા. ૧૯ : જમ્મુ-કાશ્મીરના પુલવામામાં પાક. સમર્થિત જૈશ-એ-મહંમદના ત્રાસવાદી હુમલા બાદ હવે પાકિસ્તાની હેકર્સે ભારત પર સાઇબર હુમલો કર્યો છે. ભારતની ૧૦૦થી વધુ વેબસાઇટ હેક કરાઇ છે. જેમાં ભાજપના નાગપુર કાર્યાલય અને ગુજરાતની સરકારી વેબસાઇટ પણ સામેલ છે. ભાજપના નેતા આઇ.કે.જાડેજાનો બ્લોગ પણ હેક થઇ ગયો છે.

દુનિયા ભલે ગમે તે કરે પાકિસ્તાન પોતાની અવળચંડાઈ નહીં છોડે. પુલવામા આતંકવાદી હુમલા બાદ પોતાના પરના ભારતના આક્ષેપો ફગાવતા આવેલા પાકિસ્તાનની વધુ એક નાપાક હરકત સામે આવી છે.  પાકિસ્તાને હવે ભારત સાથે સાયબર વોર શરૂ કર્યું છે. ભારતની ૧૦૦થી વધુ વેબસાઈટ હેક થઈ હોવાની શકયતા દર્શાવવામાં આવી છે.

જેમાં ગુજરાતની પણ ૨૦થી વધુ વેબસાઈટ હેક થયાની સંભાવના છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આ વેબસાઈટ પાકિસ્તાની હેકરે હેક કરી છે. હેક કરાયેલી વેબસાઈટમાં હથિયારો સાથે આતંકીનો ફોટો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ધમકી આપતા અભદ્ર શબ્દોનો પણ પ્રયોગ કરવામાં આવ્યો છે. ગુજરાત ભાજપના કેટલાક નેતા સહિત સ્વૈચ્છિક સંસ્થાઓ અને મેડિકલ ક્ષેત્રની વિવિધ વેબસાઈટ પણ હેક થઈ છે.

ગઇકાલે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયની વેબસાઇટ હેક કરાઇ હતી. પાક. વિદેશ મંત્રાલયના પ્રવકતા મોહમ્મદ ફૈસલે જણાવ્યું હતું કે ઘણા દેશોના યુઝર્સે સાઇટ ન ખુલવાની ફરિયાદ કરી છે. પાકિસ્તાનના ન્યૂઝ પેપર ડોનના સમાચાર મુજબ આ સાઇબર એટેક ભારતથી કરવામાં આવ્યો હતો, અહીંયાથી જ કોઇએ વેબસાઇટ હેક કરી છે. પાકના વિદેશ મંત્રાલયના જણાવ્યાં મુજબ હાલ તેમની આઇટી ટીમે વેબસાઇટ ફરીથી ચાલુ કરી દીધી છે.

અમદાવાદમાં ફાર્માસિસ્ટ વિજય લેવાએ આતંકી હુમલા પર વાંધાજનક પોસ્ટ ફેસબુક પર કરતાં તેની ધરપકડ કરાઈ છે. તેને પકડાવવામાં રાજકોટના યુવાને ભૂમિકા ભજવી હતી. અમદાવાદ પોલીસને ટ્વિટ કરીને ધ્યાન દોર્યુ હતું. તેણે જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકી હુમલામાં ૪૦ જવાનો શહીદ થયા બાદ ફેસબુક ઉપર હિન્દીમાં 'કાશ્મીરીયોં કો ગુલામ બનાયેં રખને કી કુછ તો કિંમત ચુકાની હી પડેગી ન' જેવા વાંધાજનક લખાણની પોસ્ટ ફાર્માસિસ્ટ વિજય લેવા નામના વ્યકિતએ કરી હતી.(૨૧.૧૭)

(11:21 am IST)