Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

બજેટમાં જાહેરાતઃ ખેડૂતો માટે ૫૦૦ કરોડનું રિવોલ્વીંગ ફંડઃ માં યોજનામાં આવક મર્યાદા વધારીને પ લાખઃ રાજકોટમાં નવા ૮ ફલાય ઓવર બંધાશે

વચગાળાનું બજેટ રજુ કરતા નીતિન પટેલઃ ૧૨૨૪૧.૪૦ કરોડની પુરાંતઃ ચૂંટણી ટાણે ખેડૂતો, ગરીબોને ખુશ કરવાનો પ્રયાસ : ચડત વીજ બીલ, દંડમાં વન ટાઇમ માફીઃ ૧૦ કલાક ખેતીની વીજળી આપવાનું વચનઃ રાજકોટમાં ગ્રીનફીલ્ડ એરપોર્ટ માટે જમીન ફાળવણી

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર, તા. ૧૯ :. ગુજરાતમાં નાણાખાતાનો હવાલો સંભાળતા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલે આજે લેખાનુદાન તરીકે ઓળખાતુ ચાર માસનું વચગાળાનું બજેટ રજુ કર્યુ છે. લેખાનુદાન હોવાથી કર રાહત કે નવા કરવેરાની દરખાસ્ત નથી પરંતુ સરકારે લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને ખેડૂતો, મહિલાઓ વગેરે સહિત સમાજના વિવિધ વર્ગને ખુશ કરવા પ્રયાસ કર્યો છે. લેખાનુદાનમાં ૨૦૧૯-૨૦ના વર્ષ માટે ૧૨૨૪૧.૪૦ કરોડની પુરાંત દર્શાવી છે. રાજ્યનુ પૂર્ણ બજેટ લોકસભાની ચૂંટણી પછી સંભવત જૂનમા રજુ થશે. આજે રજુ થયેલ બજેટમાં કેટલીક ઉડીને આંખે વળગે તેવી જાહેરાતો કરવામાં આવી છે.

તાજેતરમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, જે દુનિયાની સૌથી મોટી આરોગ્ય સુરક્ષા યોજના છે, તે અમલમાં મૂકીને ગરીબો અને મધ્યમ વર્ગના નાગરિકો માટે આરોગ્ય ક્રાંતિ સર્જી છે. આ યોજનામાં પ લાખ રૂપિયા સુધીની આરોગ્ય સુરક્ષા પૂરી પાડવામાં આવી રહી છે. આપણે ગુજરાતમાં ''માં'' અને ''માં વાત્સલ્ય'' યોના દ્વારા ૬૮ લાખથી વધુ કુટુંબોને ૩ લાખ રૂપિયા સુધીનું આરોગ્ય રક્ષણ પુરૂ પાડીએ છીએ. અમારી સરકારે નિર્ણય કર્યો છે કે હવે ''માં'' અને ''માં વાત્સલ્ય'' યોજનાના ગુજરાતના ૬૮ લાખ લાભાર્થી પરિવારોને ૩ લાખ રૂપિયાના બદલે આયુષ્યમાન ભારતની જેમ પ લાખ રૂપિયા સુધીનું સુરક્ષા કવચ પૂરૃં પાડવામાં આવશે.

વધુમાં, ગુજરાતની લોકપ્રિય એન પ્રજા -દર્દીલક્ષી ''માં વાત્સલ્ય'' યોજનાનો અત્યાર સુધીમા વાર્ષિક ૩ લાખ રૂપિયા સુધીની આવક ધરાવતા પરિવારોને લાભ આપવામાં આવી રહ્યો છે. ધારાસભ્યશ્રીઓ અને અનેક અગ્રણીઓએ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી સમક્ષ અને મારી સમક્ષ આ આવકમર્યાદા વધારવા અને વધુ પરિવારને માં વાત્સલ્ય યોજના હેઠળ આવરી લેવા રજૂઆતો કરેલ હતી. લોકલાગણીને ધ્યાનમાં લઇ અમે આ આવકમર્યાદા રૂપિયા ૩ લાખથી વધારીને રૂપિયા ૪ લાખ કરવાનો નિર્ણય કરેલ છે. જેનો લાભ અંદાજે વધુ ૧૫ લાખ પરિવારોને થશે. આમ માં વાત્સલ્ય યોજનાના લાભાર્થી પરિવારોની સંખ્યા ૮૦ લાખથી વધુ થશે.

જસદણની પેટાચૂંટણી વખતે સરકારે જે જાહેરાત કરેલ તે ચડત વિજબીલ અને દંડ સહિતની રકમની માફી માટે આજે ફરી વિગતવાર જાહેરાત કરી છે. ખેડૂતોને ખેતી માટે સળંગ ૧૦ કલાક વિજળી પુરી પાડવાનું વચન આપવામાં આવ્યુ છે. ખેડૂતોને વ્યાજ સહાય એક સાથે અને સમયસર મળી રહે તે માટે ૫૦૦ કરોડનું રિવોલ્વીંગ ફંડ ઉભુ કરવાનું જાહેર કરવામાં આવ્યુ છે. ગરીબ મધ્યમ વર્ગને ગંભીર રોગમાં ખાનગી હોસ્પીટલમાં સારવાર લેવા માટેની 'માં' યોજનાની આવક મર્યાદા ૩ લાખમાંથી વધારીને ૫ લાખ કરવામાં આવી છે. રાજકોટમાં ૮ સહિત જામનગર ૩, જૂનાગઢમાં ૨ સહિત કુલ ૭૫ ફલાયઓવર બનાવવાનું સરકારે નક્કી કર્યુ છે. રાજકોટમાં ગ્રીન ફીલ્ડ એરપોર્ટમાં સરકારે જમીન ફાળવી દીધી છે. એસ.ટી.ની સુવિધાનો વ્યાપ વધારવા ૧૦૦૦થી વધુ નવી બસ વસાવવાનું નક્કી કર્યુ છે.

શ્રી નીતિન પટેલે જણાવેલ કે, ક્રીસીલ સ્ટેથ ઓફ ગ્રોથ રીપોર્ટ મુજબ વિકાસ દર અને નાણાકીય શિસ્તમાં તેમજ મોંઘવારી કાબુમાં રાખવામાં માપદંડમાં ગુજરાત મોખરે છે. ગુજરાતનો સરેરાશ વાર્ષિક આર્થિક વૃદ્ધિ દર ૯.૯ ટકા લેખે રહ્યો છે. ગુજરાત દેશના જીડીપીમાં ૭.૮ ટકાનો હિસ્સો ધરાવે છે. રાજ્યની માથાદીઠ આવક દેશની માથાદીઠ કરતા ૫૪.૮ ટકા વધારે છે. વચગાળાનું બજેટ વિકાસને વેગ આપનારૂ છે.(૨-૨૫)

(3:21 pm IST)