Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

એરટેલ-વોડાફોન આઇડીયાએ ઇન્ટરનેશનલ રોમિંગ ચાર્જમાં ૨૦-૨૫%નો ધરખમ વધારો કર્યો

હવે ડોમેસ્ટિક-ઇન્ટરનેશનલ ટેરિફમાં ફેરફાર કરી આવક વધારશે

નવી દિલ્હી તા.૧૯: ભારતી એરટેલ અને વોડાફોન આઇડિયાના વિદેશમાં પ્રવાસ કરી રહેલા ગ્રાહકોએ હવે વધારે ર્ચાજ ચુકવવો પડશે, કારણ કે બંને કંપનીએ ઇન્ટરનેશનલ રોમિંગ ચાર્જિસમાં ૨૦ ટકા જેટલો ધરખમ વધારો કર્યો છે. આ બંને કંપનીએ આવક અને માર્જિન વધારવા માટે આ પગલું ભયુંર્ છે. બંને કંપનીએ તાજેતરમાં મિનિમમ રિચાર્જ પ્લાન રજૂ કર્યા હતા તેમજ કેટલાક ટેરિફ પ્લાનના રેટ પણ વધાર્યા હતા અને હવે રોમિંગ ચાર્જમાં વધારો કર્યો છે.

નિષ્ણાંતો જણાવે છે કે, જૂની કંપનીઓ ફરીવાર માર્કેટમાં સ્થાન જમાવવા માટે કમસ કસી રહી હોવાથી ભવિષ્યમાં રોમિંગ તથા લોકલ ટેરિફ પ્લાનમાં આવા ફેરફારો જોવા મળશે. સીમ કાર્ડ પૂરા પાડતી કંપની મેટ્રિકસ માને છેકે, ટેલિકોમ કંપનીઓ દ્વારા વિદેશમાં પ્રવાસ કરનારા ગ્રાહકો પાસેથી જે ચાર્જ વસૂલવામાં આવે છે તેનાં કરતાં તે નીચા ભાવે ઓફર કરીને આવા ૨૦ ટકા ગ્રાહકોને પોતાની તરફ ખેંચી શકશે.

ભારતની સૌથી મોટી ટેલિકોમ કંપની વોડાફોન આઇડિયા રૂ. ૫૯૯, રૂ. ૨,૯૯૯, રૂ. ૩,૯૯૯ અને રૂ.ા. ૫,૯૯૯ના ઇન્ટરનેશનલ રોમિંગ પ્લાન ઓફર કરે છે. આની પહેલાં તેના ભાવ રૂ. ૫૦૦, રૂ. ૨,૫૦૦, રૂ. ૩,૫૦૦ અને રૂ. ૫,૦૦ હતાં.

આવી જ રીતે, ભારતની બીજા ક્રમની ટેલિકોમ કંપની ભારતી એરટેલે સિંગાપોર, મલેશિયા, થાઇલેન્ડ અને ઓસ્ટ્રેલિયા જેવાં પ્રખ્યાત સ્થળો માટેનો તેનો ૧૦ દિવસનો પ્લાન રપ ટકા મોંઘો કર્યો હોવાથી તે હવે રૂ. ૧,૪૯૯માં પડે છે. અમેરિકા, બ્રિટન, યુરોપ, ઇન્ડોનેશિયા અને યુએઇ માટેનો એરટેલનો ૧૦ દિવસનો પ્લાન ૨૦ ટકા મોંઘો થઇને રૂ. ૩,૫૯૯નો થયો છે. ભારતી એરટેલ (ઇન્ડિયા)ના ભુતપૂર્વ સીઇઓ સંજય કપુરે કહ્યું હતું કે, ''બંને કંપનીઓ બે બાબતનો ફાયદો લેવા માંગ છેઃ એક તો હાઇ-એન્ડ પોસ્ટ-પેઇડ ગ્રાહક સામાન્ય રીતે આવા નજીવા ભાવવધારાને ગણકારતા નથી અને બીજું રિલાયન્સ જિયો હજુ જયાં નથી પહોંચી ત્યાં ભાવ વધારવામાં વાંધો નથી.''

એરટેલ અને વોડાફોન આઇડિયાની કટ્ટર હરીફ રિલાયન્સ જિયો ઇન્ફોકોમ માત્ર 4G VoLTE નેટવર્ક ઓફર કરતી હોવાથી તે આંતરરાષ્ટ્રીય રોમિંગ માર્કેટમાં મર્યાદિત હાજરી ધરાવે છે. આથી, હરીફ કંપનીઓ આ પરિસ્થિતિનો લાભ લેવાના પ્રયાસ કરી રહી છે એમ ટેલિકોમ ઉદ્યોગનાં નિષ્ણાંતો જણાવે છે.

આમ તો, ટેલિકોમ કંપનીઓના કુલ ગ્રાહકોમાં આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓનો હિસ્સો ઘણો નજીવો છે પરંતુ આવા ગ્રાહકો જ કંપનીઓને સૌથી વધુ આવક રળી આપતા હોવાથી તેમને જાળવી રાખવા માટે કંપનીઓ મરણિયા પ્રયાસ કરે છે. આવા ગ્રાહકોને કારણે જ રોકાણ પર મહત્તમ વળતર મળતું હોવાથી તેમને જાળવવા અથવા નવા ગ્રાહકો મેળવવા કંપનીઓ માટે ખૂબ મહત્ત્વની બાબત છે.(૧.૩)

(9:55 am IST)