Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

ભારતને રોકો... યુનોને હાથે - પગે લાગતું પાકિસ્તાન

પુલવામાનો બદલો લેવા ભારતે ખોંખારો ખાતા જ ફફડી ઉઠ્યું પાકિસ્તાનઃ પાકિસ્તાનના વિદેશમંત્રીએ યુનોના મહામંત્રીને પત્ર લખી ભારતને કડક પગલુ લેવા અટકાવવાનું કહેવા માંગણી કરી

નવી દિલ્હી તા. ૧૯ : જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદથી જ ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં ફરી એકવખત તિરાડ પડી ગઇ છે. પુલવામા હુમલા બાદથી જ ભારતે પાકિસ્તાન પર આંતરરાષ્ટ્રીય દબાણ બનાવાનું શરૂ કરી દીધું છે. તેના લીધે તે બરાબરનું ગભરાય ગયું છે. ભારતના એકશનથી ગભરાયેલા પાકિસ્તાને ફરી એકવખત સંયુકત રાષ્ટ્ર (UN)ના ચરણમાં પહોંચી ગયું છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશી એ UN મહાસચિવ અંતોનિયો ગુતેરેસને ચિઠ્ઠી લખી ભારતની ફરિયાદ કરી છે.

મહેમૂદ કુરૈશી એ ચિઠ્ઠી લખી કહ્યું છે કે પુલવામા હુમલા બાદથી જ ભારત સરકારે તણાવ વધારવાનું શરૂ કરી દીધું છે. પાકિસ્તાનની જ એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતાં તેમણે કહ્યું કે હિન્દુસ્તાનના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભારતમાં ટૂંક સમયમાં થનાર લોકસભા ચૂંટણી પહેલાં આ પ્રકારના મુદ્દાને ઉઠાવી રહ્યા છે.

પાક. વિદેશ મંત્રી એ કહ્યું કે ભારત વિસ્તારોમાં તણાવ વધારવા માંગે છે અને તેનાથી ઘણું નુકસાન થઇ શકે છે. તેમણે કહ્યું કે પુલવામામાં થયેલ આતંકી હુમલાના કેટલાંય દિવસ પહેલાં જ તેમના કાર્યાલયે કહ્યું હતું કે ચૂંટણી પહેલાં હિન્દુ વોટને હથિયાર બનાવા માટે આ પ્રકારનો રસ્તો અપનાવી શકે છે. જેમાં પાકિસ્તાન વિરૂદ્ઘ ભડકાવી શકાય.

તેમણે કહ્યું કે જો પુલવામા હુમલામાં પાકિસ્તાનનો કોઇ સંબંધ છે, તો ભારતે તેના પુરાવા આપવા જોઇએ. અમે અમારી નિષ્પક્ષ તપાસ કરાવીશું. તેમણે લખ્યું કે UNને એકશન લેતા ભારતને કહેવું જોઇએ કે આવા તણાવને રોકવા જોઇએ.

ઉલ્લેખનીય છે કે ૧૪ ફેબ્રુઆરીના રોજ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલ આતંકી હુમલામાં સુરક્ષાબળોના ૪૦ જવાન શહીદ થઇ ગયા હતા. આ હુમલો જૈશ-એ-મોહમ્મદે કર્યો હતો. જે પાકિસ્તાનમાં બેસીને આતંક ફેલાવે છે. આ હુમલા બાદથી જ ભારતે પાકિસ્તાન પર કાર્યવાહી શરૂ કરી દીધી છે.

સૌથી પહેલાં ભારતે પાકિસ્તાનને આપેલ 'મોસ્ટ ફેવર્ડ નેશન'નો દરજ્જો પાછો લઇ લીધો, ત્યારબાદ આંતરરાષ્ટ્રીય સ્તર પર પાકિસ્તાનને એકલું પાડવા માટે અન્ય દેશો સાથે વાત કરવાનું શરૂ કરી દીધું. સાથો સાથ કાશ્મીરમાં બેઠેલા પાકિસ્તાન પરસ્ત આતંકીઓની વિરૂદ્ઘ ભારતીય સુરક્ષાબળો એ એકશન લેવાનું શરૂ કરી દીધું છે.(૨૧.૯)

(9:53 am IST)