Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

ગુજરાત - દિલ્હી ઉપર જૈશની કાળમુખી નજર

મસુદ અઝહરની ઓડિયો કિલપ જાહેરઃ પોલીસ હાઇ એલર્ટ પર

અમદાવાદ તા. ૧૯ : આતંકી સંગઠન જૈશ-એ-મહોમ્મદના પ્રમુખ મસૂદ અઝહરની એક ઓડિયો કિલપ વાયરલ થઇ છે, જેમાં તે દિલ્હી અને ગુજરાત પર આતંકી હુમલો કરવાની વાત કરતો સાંભળવા મળ્યો. મસૂદ અઝહરની ઓડિયો કિલપ સામે આવતા જ સુરક્ષા એજન્સીઓની ચિંતામાં વધારો થયો છે.

સીનિયર પોલીસ અધિકારીએ જણાવ્યું કે અઝહર કિલપમાં કહી રહ્યો હતો કે, 'ઇન્સાઅલ્લાહ અમે કાશ્મીરથી કરાંચી સુધી સ્પષ્ટ મેસેજ આપ્યો હતો કે અમે કાશ્મીરની બહેનો, માતાઓ અને વૃદ્ઘો માટે આવી રહ્યા છીએ. ૨૦૦૨માં ગુજરાતમાં થયેલા હુલ્લડ દરમિયાન થયેલી મુસ્લિમોની હત્યાનો બદલો લેવા માટે જૈશ-એ-મહોમ્મદ હવે જમ્મુ કાશ્મીરથી દિલ્હી અને ગુજરાત સુધી ઓપરેશન હાથ ધરશે.' મસૂદ અઝહરની આ ઓડિયો કિલપ વાયરલ થયા બાદ રાજય અને કેન્દ્રીની સુરક્ષા એજન્સીઓ કિલપ અંગે તપાસ કરી રહ્યા છે.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, 'અમે કોઇ રિસ્ક લેવા માગતા નથી અને એટલે જ એલર્ટ પર છીએ. અમે કોઇ પણ સ્થિતિનો સામનો કરવા તૈયાર છીએ, અમે રાજયમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વણસવા નહીં દઇએ.'

 જૈશ-એ-મહોમ્મદ એ પાકિસ્તાનનું આતંકી સંગઠન છે, જેણે પુલવામા અટેકની જવાબદારી પણ સ્વીકારી છે. ૧૪ ફેબ્રુઆરીના દિવસે જમ્મુ કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલામાં CRPFના ૪૦ જવાનો શહીદ થયા હતા. આ ઘટના બાદ દેશવાસીઓમાં રોષ અને શોકની લાગણી છે. આ ઘટના બાદ દેશભરમાંથી લોકો કેન્ડલ માર્ચ યોજી શહીદોને શ્રદ્ઘાંજલી પાઠવી રહ્યા છે સાથે જ પાકિસ્તાન સામે તેનો બદલો લેવા માગ પણ કરી રહ્યા છે.(૨૧.૮)

(9:55 am IST)