Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

ચૂંટણી આવતા જ ભાડુતી માણસોની બોલબાલા

૩ કલાકની રેલી માટે મળે છે રૂ. ૫૦૦

નવી દિલ્હી તા. ૧૯ : આગામી ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં મોડલ કોડ ઓફ કન્ડકટ લાગૂ થવાને હવે થોડા જ અઠવાડિયાનો સમય બાકી છે, રાજકીય પાર્ટીઓને પોતાના કેમ્પેઈન માટે ભીડ એકઠી કરવામાં લાગી છે જેના કારણે શહેરમાં દૈનિક મજૂરો શોધવા મુશ્કેલ બન્યું છે. રાજકીય પાર્ટીઓ દ્વારા રેલીઓ અને પદયાત્રાના આયોજનમાં અંદાજિત ૩૦૦૦ મજૂરો ભાગ લઈ રહ્યા છે.

શહેરમાં આવેલા જવાહર ઓટોનગરના નાના અને મધ્યમ ઉદ્યોગો મજૂરોને રોજના ૫૦૦થી ૭૦૦ રૂપિયા ચૂકવી રહ્યા છે. મોટાભાગના મજૂરો પૈસા લઈને રાજકીય પાર્ટીઓમાં જતા હોવાના કારણે તેમના કામના કલાકો પ્રતિ દિવસે આઠથી વધારીને ૧૨ કરવામાં આવ્યા છે.

રબર મેન્યુફેકચરિંગ યુનિટ ચલાવતા કે.એમ નારાયણ રાવએ જણાવ્યું કે, મજૂરો ન મળવાના કારણે અમે સમયપર ઓર્ડર આપી નહીં શકીએ. દરેક ચૂંટણી વખતે આ સમસ્યા સામાન્ય બની જાય છે કારણ કે રાજકીય પાર્ટીઓ આ લોકોને વધારે પૈસા આપે છે. અમે સતત ઓર્ડર્સ ગુમાવી રહ્યા છીએ. રાજકીય પાર્ટીઓ શહેરભરમાંથી તેમની રેલીમાં લોકો ભેગા કરવા માટે મજૂરો શોધી રહ્યા છે આ માટે તેઓ ગરીબ વિસ્તારોમાં એજન્ટને રાખે છે.

કોર્ડિનેટર એમ. અર્જુન નાયડુએ જણાવ્યું કે, આશરે ૨૦૦૦ જેટલા મજૂરો રાજકીય પાર્ટીઓમાં ભાગ લઈ રહ્યા છે અને રાજનેતાઓ તેમને એકઠા કરવા મોટી રકમ ચૂકવી રહ્યા છે. હાલમાં ૩ કલાકની રેલી માટે મજૂરો ૫૦૦ રૂપિયાની માગણી કરી રહ્યા છે, જેથી લોકોને એકઠા કરવા અમારા માટે એક અઘરૃં કામ બની ગયું છે.(૨૧.૭)

 

(9:49 am IST)