Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

ફકત ૮ મિનિટ મેડિટેશન અને મેળવો મોટા ફાયદા

નવી દિલ્હી તા. ૧૯ : આપણે ઘણીવાર ધ્યાન અને મેડિટેશન વિષે સાંભળીએ છીએ, મેડિટેશનના અનેક ફાયદા છે તે જાણીએ છીએ. પરંતુ મેડિટેશન કરવું આજ સુધી ઘણાને તકલીફભર્યું કે પડકારજનક પણ લાગતું હશે. આજે અહી મેડિટેશનની સૌથી વધુ વપરાતી પદ્ઘતિઓ વર્ણવી છે. મેડિટેશનની સૌથી સરળ પદ્ઘતિઓનો એક જ પડકાર છે, તે છે તમારે ફકત આઠ મિનીટ, વિના બ્રેક, રોજ એક સ્થળે મેડિટેશનનો અભ્યાસ કરવાનો છે. જે તમને સાચી શાંતિની સાથે, મનની સ્થિરતા, એકાગ્રતા, ઉત્ત્।મ યાદશકિત, નોર્મલ બ્લડપ્રેશર અને જીવનનો સાચો અનુભવ પણ આપશે.તમે પોતાનામાં સ્થિર થશો, તમે જાણશો કે આનંદ એ અનુભવની વસ્તુ છે. મેડીટેશન પણ અનુભવની જ વસ્તુ છે. બીજા કાર્યોમાં આપણે પુસ્તકિયા જ્ઞાનનો ઉપયોગ કરીએ છે, મેડીટેશનમાં થોડી સમજણ સાથે અને અપાર આનંદ છે. હા, આ સાચી શાંતિ અને સુખ માટે તમારે આઠ મિનિટ વિના રુકાવટ રોજ નિશ્યિત સમયે બેસવું પડશે તે જ એક પાયાની શરત છે.

જીવનમાં આપણે અન્ય લોકોને ખૂબ મળ્યા, બીજા કાર્યોમાં તમે ખૂબ મન પરોવ્યું પણ શું તમે પોતાને મળ્યા છો? તમે પ્રતિ ક્ષણ જીવી રહ્યા છો, તમે ધારો તો દરેક ક્ષણમાં તમે જીવનના હોવાપણાનો આનંદ મેળવી શકો છો. નીચે મેડીટેશનની સૌથી સરળ અને અનુભવેલી પદ્ઘતિઓ વર્ણવી છે

૧. શરીરની ચેતનાનો અનુભવ

એક નિશ્ચિત સમયે એક જગ્યાએ પદ્માસનમાં બેસવું. શરીરને ધીરે ધીરે ઢીલું કરતા રહો પરંતુ પદ્માસનની અવસ્થામાં પણ મૌજુદ રહો. જ્ઞાનમુદ્રામાં હાથ પોતાના ઘૂંટણ પર ટેકવવા. આંખો વિના દબાણ, બંધ રાખો. શું તમે કયારેય વિચાર્યું છે કે તમારું શરીર પણ તમને સંદેશ આપે છે. મેડીટેશનએ કોઈ પણ કારણ વગરની સભાનતા છે. બે વિચારો વચ્ચેનો શાંતિનો સમય છે. મેડીટેશનમાં તમારે માત્ર અનુભવ કરવાનો છે, તમારે કંઈપણ મૂલવવાની કે ગણવાની કોશિષ નથી કરવાની. મેડીટેશનની શરૂઆત પોતાના મસ્તકના ભાગેથી કરો. મસ્તકના ભાગે કપાળ, આંખ, કાન, દાઢીનો ભાગ અનુભવો, થોડીવાર માટે ત્યાં સ્થિર થાઓ. આગળ ખભા, હાથ, છાતી અને પેટના ભાગે શરીરની અવસ્થાનો અનુભવ કરો. ત્યાં કોઈ ટેન્શન છે, તાણ છે, દુખાવો છે, કોઈ નસ દબાય છે? તેને ઢીલું કરવાની કોશિષ કરો. યાદ રાખો કે તમે વર્તમાનમાં છો અને માત્ર અનુભવ લઇ રહ્યા છો. તમે શરીરના એવા ભાગમાં છો જયાં તમે સંપૂર્ણ મૌજુદ છો. કમર અને પગના ભાગનો અનુભવ કરો, પગમાં ધીરે ધીરે આખા પગને અનુભવો. સહેજ પણ ઉતાવળ વિના શરીરનો અભ્યાસ કરો. મેડીટેશનનો આ પ્રકાર તમને શારીરિક શાંતિ અને શરીર સાથે ઉત્ત્।મ તાલમેલ આપશે. લગાતાર અભ્યાસથી તમે પોતાના શરીરમાં થતા બદલાવને આસાનીથી અનુભવી લેશો.

૨. શ્વાસનો અનુભવ

એક નિશ્ચિત સમયે એક જગ્યાએ પદ્માસનમાં બેસવું. જ્ઞાનમુદ્રામાં હાથ પોતાના ઘૂંટણ પર ટેકવવા. સૌથી પહેલા તમે એક સંપૂર્ણ સભાન અવસ્થામાં વર્તમાનમાં પ્રવેશી રહ્યા છો તેનો અનુભવ કરો. તમે થોડા સમય માટે ભૂતકાળને ભૂલી જાઓ. ભવિષ્યના વિચાર આવે તો તેને માત્ર દુરથી જોવાની કોશિશ કરો. વિચારોને આકાશના વાદળ સમજો. જેમ ડહોળું પાની ધીમે ધીમે શાંત થઇ જાય છે, ત્યારે કચરો તેના તળિયે હોય છે અને શુદ્ઘ પાણી ઉપર હોય છે. બરાબર તેમ જ મન શાંત થાય છે ત્યારે બધી તકલીફો અને વિમાસણ નીચે બેસી જાય છે. જો તમે વિચારોને મૂલવવા પ્રયત્ન કરશો, હા અને નામાં પરોવાશો તો મનરૂપી શાંત પાણી ડહોળું બની જશે, જેટલા વધારે વિચારો તેટલા જ પ્રમાણમાં મન અશાંત બનશે.

આ પદ્ઘતિમાં તમારે પોતાના શ્વાસ પ્રત્યે સભાન બનાવાનું છે. શ્વાસ લેતા સમયે અનુભવો કે તમે પ્રાણ શકિતનો શરીરમાં સંચાર કરી રહ્યા છો. તમારું શરીર વધુ સચેત બની રહ્યું છે. જયારે શ્વાસ બહાર કાઢો ત્યારે સુક્ષ્મ રીતે આરામને અનુભવો. તમે શ્વાસનો જ માત્ર અભ્યાસ કરો. બીજા વિચારો આવે તો તેમાંથી ધીરેથી દુર ચાલ્યા જાઓ અને શ્વાસ પર ધ્યાન કેળવો. તમારા શ્વાસ બિલકુલ ખેંચાણ વિનાના, કુદરતી, એક સમાન ગતિએ ચાલવા જોઈએ, ધ્યાનની આ પદ્ઘતિમાં તમે શ્વાસને ગણી પણ શકો. જેટલા સુરેખ અને શાંત શ્વાસોશ્વાસ હશે તેટલો જ આનંદ વધુ આવશે. તમે આ પદ્ઘતિમાં શ્વાસ સાથે એકરૂપ બનો છો, શ્વાસ એ જ ચેતન અવસ્થા છે, શ્વાસ એ જ પ્રાણ છે. મેડીટેશનની આ પદ્ઘતિથી મન શાંત બનશે.

૩. કરૂણા અને સ્વીકારનો અનુભવ

તમે સફળ હોવ કે અસફળ, થોડીક ક્ષણો માટે તેને ભૂલી જાઓ. તમે પોતાને સ્વીકારી લો, આખરે તમે એક મનુષ્ય છો, સફળતા અને અસફળતાને સ્વીકારી લો. જીવનને તેના સ્વરૂપમાં સ્વીકારી લો. આપણું મન નબળું હોય છે ત્યારે તે વારંવાર ભૂતકાળની ભૂલોને આપણી ઉપર સ્થાપિત કરવાની કોશિષ કરે છે. તમે નાના બાળકને શું હમેશા તેની ભૂલો જ યાદ કરાવો છો? ના, પણ તમારું મન તો તમારી પાસે આ જ કરે છે. મેડીટેશનની આ પદ્ઘતિમાં આપણે સ્વીકારનો અનુભવ કરીશું. એક નિશ્ચિત સમયે એક જગ્યાએ પદ્માસનમાં બેસવું. જ્ઞાનમુદ્રામાં હાથ પોતાના ઘૂંટણ પર ટેકવવા. સૌથી પહેલા તમે એક સંપૂર્ણ સભાન અવસ્થામાં વર્તમાનમાં પ્રવેશી રહ્યા છો તેનો અનુભવ કરો. તમે આજે જેવા છો તેવા શ્રેષ્ઠ છો તેનો અનુભવ કરશો. જીવનનો ઉદ્દેશ આખરે આનંદ અને શાંતિની પ્રાપ્તિ જ છે. જીવનએ નિશ્ચિત રીતે પૂર્ણ પણ થવાનું છે. સુખ અને દુઃખ વિના જીવન શકય નથી. સુખ અને દુઃખની વચ્ચે જીવો. આજે તમે જગતના બધા પ્રાણીઓને અને વ્યકિતઓને તેમની ભૂલો બદલ માફ કરશો. તમે પોતાને પણ માફ કરશો. સમજો કે, તમે હશો તો જ જીવનનો મતલબ રહેશે. એટલે આજે માત્ર તમારા અસ્તિત્વનો આનંદ અનુભવો. સાચા હ્રદયે પોતાના જીવનનો સ્વીકાર કરો, તમે જે શકય હતું તે સારું કર્યું જ છે. તમે પોતાની પ્રત્યે ઈમાનદાર રહ્યા જ છો. હું આજે મારી જાતને માફ કરું છું, તેનો સંપૂર્ણ સ્વીકાર કરું છું. હું તેને હવે મૂલવવાનો અને ખાસ તો ખોટી રીતે સરખામણી કરવાનો અંત લાવું છું તેવી ભાવના કેળવો. મેડીટેશન દ્વારા શરીરના રોમરોમમાં સ્વીકાર, પ્રેમ અને કરુણાની ભાવના અનુભવો. તમે શરીરમાં ચેતન અને દિવ્યતાનો અનુભવ કરશો. જીવન એ વર્તમાન છે તેને સમજો.

મેડીટેશનએ અનુભવ છે. તમે જેટલા નિયમિત રહેશો તેટલા જ વધુ ઝડપથી મેડીટેશનને શીખી લેશો. તમારે નિર્વિચાર અવસ્થામાં અને વર્તમાનમાં રહેવાનું છે. મેડીટેશન દરમ્યાન વિચારો આવે તે સામાન્ય છે. વિચારોથી બચો, તેમને માત્ર જુઓ તેની સાથે જોડાઓ નહિ. વર્તમાનમાં પોતાની ચેતન અવસ્થાને બનાવી રાખો. પોતાની જાતને પ્રેમ કરતા શીખો. તમારી માટે દુનિયાની સૌથી મહત્વની વ્યકિત તમે પોતે જ છો, તેને પ્રેમ કરો અને તેને રોજ મળો. દરરોજ માત્ર આઠ મિનીટ ઉપર દર્શાવેલ મેડીટેશનના અભ્યાસ દ્વારા તમે જરૂર એક ઉત્ત્।મ ધ્યાનનો અનુભવ કરશો જ અને યાદ રાખજો કે નિયમિતતા જ મેડીટેશનની સફળતાની ચાવી છે. તમે પોતાને સાચો પ્રેમ કરશો તો તેટલો જ પ્રેમ બીજાને પણ આપી શકશો કારણ કે પ્રેમએ આખરે સાચી સમજણ છે.(૨૧.૧૨)

(10:58 am IST)