Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

સ્કોલરશિપ ન મળતાં નર્સિંગની ૭૦થી ૮૦ છાત્રોની હડતાળ

દાદરા નગર હવેલીમાં ઝારખંડ જેવું સ્કોલરશિપ કાંડ : અધિકારીઓની બેદરકારીને કારણે સ્કોલરશિપ ન મળતાં તેઓનું શિક્ષણ અટવાઈ હોવાનો વિદ્યાર્થિનીઓનો આક્ષેપ

દાદરા નગરહવેલી, તા. ૧૯ : સંઘપ્રદેશ દાદરા નગરહવેલીમાં નર્સિંગ કોલેજની ૭૦થી ૮૦ વિદ્યાર્થિનીઓને સ્કોલરશિપ નહીં મળતાં સોમવારે હડતાળ પર ઉતરી હતી. ત્યાં બીજી તરફ દાનહના ડાયરેકટર ઓફ એજ્યુકેશન નીલેશ ગૌરવે સ્કોલરશિપને નામે સંઘપ્રદેશ દાનહમાં પણ ઝારખંડ જેવું કૌભાંડ ચાલતું હોવાની કેફિયત રજૂ કરતા સમગ્ર પ્રદેશમાં ખળભળાટ મચી ગયો હતો.

દાનહમાં નર્સિંગ કોલેજની વિદ્યાર્થિનીઓની સ્કોલરશિપ અટકાવી દેવાતાં સોમવારે અનેક વિદ્યાર્થિનીઓએ શિક્ષણ શાખાની કચેરી સામે હડતાળ ઉપર બેસી જઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ વિદ્યાર્થિનીઓએ અધિકારીઓની બેદરકારીને કારણે સ્કોલરશિપ ન મળતાં તેઓનું શિક્ષણ અટવાઈ રહ્યાનું જણાવ્યું હતું. બીજી તરફ વિદ્યાર્થિનીઓના વિરોધ પ્રદર્શનને પગલે દાનહના ડાયરેકટર ઓફ એજ્યુકેશન નીલેશ ગૌરવે મીડિયા સમક્ષ ફોડ પાડતા સ્કોલરશિપને નામે ચાલી રહેલા મસમોટા કૌભાંડની કેફિયત વર્ણવી હતી. નીલેશ ગૌરવે મીડિયા સમક્ષ કહ્યું હતું કે, દાનહમાં શિક્ષણ વિભાગ દ્વારા પ્રતિવર્ષ ૯ કરોડ જેવી રકમ સ્કોલરશિપ પેટે અપાતી હોય છે. જેમાંથી ૬ કરોડ તો એકમાત્ર નર્સિંગના અભ્યાસ માટે જતા હતા. આ આંકડો મોટો હોય, શંકા જતાં તપાસ થઈ તો કૌભાંડ જણાયું હતું. નર્સિંગના અભ્યાસને નામે દાનહમાં જ કેટલાક એજન્ટો સક્રિય છે જે વિદ્યાર્થિનીઓને તથા વાલીઓને ગુમરાહ કરી રહ્યા છે. સ્થાનિક વિસ્તારમાં વાલીઓમાં પૂરતા શિક્ષણનો અભાવ છે તેથી એજન્ટો તકનો લાભ ઉઠાવી રહ્યા છે.

દાનહમાં વ્યવસ્થિત ઢબે ચાલી રહેલા આ કૌભાંડમાં કોઈ એવા એજન્ટો છે જે નર્સિંગ કોલેજના વ્યવસાય સાથે સંકળાયેલા છે. આવા લોકો વિદ્યાર્થિનીઓને ફી ન ભરવા કહે છે. સાથે જ સ્કોલરશિપ આવ્યા બાદ વિદ્યાર્થિનીની ફી આપોઆપ કોલેજમાં આવી જતી હોવાનું કહે છે. એજન્ટોની આ વાતમાં આવી જઈને પ્રદેશના મોટી સંખ્યામાં વિદ્યાર્થિનીઓ નર્સિંગમાં પ્રવેશ લઈ લે છે. જે બાદ તે તમામ સ્કોલરશિપ માટે ફોર્મ ભરે છે. ખરેખર તો આટલી મોટી સંખ્યામાં નર્સિંગમાં પ્રવેશ મળતો નથી. અને સ્કોલરશિપને નામે વિદ્યાર્થિનીઓ સાથે ઠગાઈ થાય છે. ડિપાર્ટમેન્ટે પણ આ વિશે સતર્કતા રાખવાની આવશ્યકતા છે. સ્કોલરશિપની પ્રક્રિયામાં જો કોઈ શંકા જાય તો તરત જ તપાસ કરવી જોઈએ. હાલમાં દાનહમાં સરકારે ચોપડે બધું જ બરાબર છે, પરંતુ ખોટી કોલેજમાં પ્રવેશ આપવાને નામે આ ખેલ ચાલી રહ્યો છે. આ મામલે એસપી સાથે સંપર્ક કરી વધુ કાર્યવાહી કરાવવા તાકીદ કરાઈ છે. હાલ દાનહમાં શંકાને આધારે માત્ર ૫૫ વિદ્યાર્થિનીઓની સ્કોલરશિપ અટકાવી દેવાઈ છે. હવે પછી ડિપાર્ટમેન્ટ તરફથી જે સંસ્થાની વિદ્યાર્થિનીઓએ સ્કોલરશિપની માંગ કરી છે ત્યાં ફિઝિકલ વેરિફિકેશન કરવામાં આવનાર છે. નીલેશ ગૌરવના જણાવ્યા મુજબ વિભાગની તપાસમાં ૩ કોલેજ કેઈએમ, સીબા તથા એમસીબશંતા નામની સંસ્થા પર શંકા જતા તપાસ થઈ તો સ્થાનિક સ્તરે આ કોલેજનું કોઈ બિલ્ડિંગ, હોસ્ટેલ કે લેબ સુધ્ધાં ન હતી છતાં ટોકરપાડા ખાતે આ કોલેજ ચાલતી હોવાનું તરકટ ચલાવાયું હતું. વાસ્તવમાં આ ત્રણેય સંસ્થા કર્ણાટકમાં આવેલી છે. જ્યાં કોઈ નેતા દ્વારા તેનું સંચાલન થઈ રહ્યું છે. તેથી શિક્ષણ સેક્રેટરી પૂજા જૈને કર્ણાટક સરકાર સાથે સંપર્ક કરી સમગ્ર વિગતો અને પુરાવા પહોંચાડયા છે.

અધિકારી ગૌરવે મીડિયા સમક્ષ એમ પણ જણાવ્યું હતું કે, આ કૌભાંડમાં સ્થાનિક સરપંચો અને કેટલાક જિલ્લા પંચાયતના સદસ્યો પણ સામેલ હોવાની શકયતા છે. ભૂતકાળમાં સિદોની વિસ્તારમાં બનેલી ઘટનામાં અમોએ એક એજન્ટને વિદ્યાર્થિનીઓને ગુમરાહ કરતા રોક્યો હતો. દાનહમાં ચાલી રહેલા આ રેકેટમાં ચોક્કસ જ પોલિટિકલ કનેકશન છે. જેમાં આદિવાસી બાળકો સાથે ઠગાઈ થઈ રહી છે.

(9:42 pm IST)
  • દિલ્હીના 72 ટકાથી વધુ લોકો ખાનગીને બદલે સરકારી ડિસ્પેન્સરીમાં કરાવે છે સારવાર : રાજધાની દિલ્હીની કુલ વસ્તીના 72.87 ટકા લોકો સરકારી હોસ્પિટલો અને ડિસ્પેંસરીઓમાં પોતાની સારવાર કરાવતા હોવાની જાણકારી દિલ્હી સરકારના સામાજિક આર્થિક સર્વેના બીજા ભાગના અહેવાલમાં સામે આવી: સરકાર તરફથી નવેમ્બર 2018થી નવેમ્બર 2019 વચ્ચે આ સર્વે કરાવવામાં આવ્યો હતો. access_time 12:54 am IST

  • અમે કોઈપણ ધર્મ કે જાતિનું અપમાન કરવા માંગતા નથી : અમારી સિરીઝથી કોઈની લાગણી દુભાઈ હોય તો માફી માંગીએ છીએ : તાંડવ વેબસીરીઝ મામલે દેશભરમાં ઉઠેલા વિરોધને ધ્યાને લઇ ડાયરેક્ટર ,પ્રોડ્યુસરે માફી માંગી : સિરીઝમાંથી વિવાદાસ્પદ ભાગ કાઢી નાખવાની ખાત્રી આપી access_time 8:44 pm IST

  • સુભાષબાબુનો જન્મદિવસ પરાક્રમ દિવસ તરીકે દર વર્ષે દેશ આખો ઉજવશે : મોદી સરકારની જાહેરાત ૨૩ જાન્યુઆરીએ નેતાજી સુભાષચંદ્ર બોઝનો જન્મ દિવસ 'પરાક્રમ દિવસ' તરીકે ઉજવવાની મોદી સરકારે જાહેરાત કરી છે. દર વર્ષે 'પરાક્રમ દિવસ' તરીકે સુભાષબાબુનો જન્મ દિવસ ઉજવવામાં આવશે તેમ સાંસ્કૃતિક બાબતોના કેન્દ્રીય મંત્રાલય આજે જાહેર કરેલ છે. access_time 11:35 am IST