Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

સેન્સેક્સમાં ૮૩૪, નિફ્ટીમાં ૨૪૦ પોઈન્ટનો જંગી ઊછાળો

શેર બજારોમાં ફૂલગુલાબી તેજીનો માહોલ : બજાજ ફિનસર્વમાં સૌથી વધુ વધારો થયો, રોકાણકારોએ એક જ દિવસમાં ૩.૪૨ લાખ કરોડની જંગી કમાણી કરી

નવી દિલ્હી, તા. ૧૯ : મંગળવારે શેર બજાર ભારે ઉછાળા સાથે બંધ થયા છે. સેન્સેક્સ મંગળવારે ૧.૭૨ ટકા અથવા ૮૩૪.૦૨ પોઇન્ટ વધીને ૪૯,૩૯૮.૨૯ પર બંધ રહ્યો છે. સેન્સેક્સ મંગળવારે ૪૮,૯૦૦.૩૧ પર ખુલ્યો હતો. ટ્રેડિંગ દરમિયાન તે મહત્તમ ૪૯,૪૯૯.૮૬ પોઇન્ટ સુધી પહોંચી ગયો. માર્કેટ બંધ થતા સુધીમાં ૨૭ સેન્સેક્સ શેરો લીલા નિશાન પર હતા અને ફક્ત ત્રણ જ લાલ નિશાન પર હતા. સેન્સેક્સ શેરોમાં બજાજ ફિનસર્વમાં મહત્તમ લાભ ૬.૭૭ ટકા, બજાજ ફાઇનાન્સમાં ૫.૨૫ ટકા અને એચડીએફસીમાં ૩.૨૫ ટકા હતો. બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેંજનો ઈન્ડેક્સ નિફ્ટી પણ મંગળવારે ભારે ઉછાળા સાથે બંધ રહ્યો હતો. નિફ્ટી ૧.૬૮ ટકા અથવા ૨૩૯.૮૫ અંક વધીને ૧૪,૫૨૧.૧૫ ના સ્તરે બંધ રહ્યો હતો. નિફ્ટી મંગળવારે ૧૪,૩૭૧.૬૫ પર ખુલ્યો હતો. બજાર બંધ થતા સમયે નિફ્ટીના ૫૦ શેરોમાંથી ૪૬ શેરો લીલા નિશાન પર હતા અને ૪ શેરો લાલ નિશાન પર હતા.

નિફ્ટી -૫૦ મંગળવારે બજાજ ફિનસર્વમાં ૬.૭૬  ટકા, બજાજ ફાઇનાન્સમાં ૫.૨૬ ટકા અને ટાટા મોટર્સમાં ૫.૨૦  ટકા સાથે સૌથી વધુ કમાણી કરી હતી. ક્ષેત્રીય સૂચકાંકોની વાત કરીએ તો મંગળવારે તમામ સૂચકાંકો લાલ નિશાન પર બંધ થયા છે. મંગળવારે નિફ્ટી ફાઇનાન્સિયલ સર્વિસીસમાં ૨.૪૧ ટકા, નિફ્ટી ફાઇનાન્શિયલ સર્વિસીસમાં ૨૫/૫૦માં ૨.૪૪ ટકા, નિફ્ટી ફાર્મામાં ૧.૬૮ ટકા, નિફ્ટી રિયલ્ટીમાં ૪. ૧૯ ટકા, નિફ્ટી પ્રાઈવેટ બેંકમાં ૨.૦૨ ટકા, નિફ્ટી પીએસયુ બેક્નમાં ૨.૬૯ ટકા, નિફ્ટી મેટલમાં ૨.૯ ૨ ટકા , નિફ્ટી મીડિયામાં ૨.૪૯ ટકા, નિફ્ટી આઈટીમાં ૦.૪૯ ટકા, નિફ્ટી એફએમસીજીમાં ૦.૪૬ ટકા અને નિફ્ટી બેંકમાં ૧.૯૩ ટકાની વૃધ્ધિ નોંધાઈ છે. બજાજ ફિનસર્વ, બજાજ ફાઇનાન્સ, એચડીએફસી, આઈસીઆઈસીઆઈ બેંક અને એલએન્ડટીના શેરમાં ૩ થી ૭ ટકાની વૃદ્ધિ જોવા મળી છે. એચડીએફસી બેંક, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને ટીસીએસ ૧.૫ થી ૨.૫ ટકા વધ્યા છે.

શેરબજારમાં તેજીને પગલે બીએસઈની લિસ્ટેડ કંપનીઓ રૂ. ૧૯૬.૨૦ લાખ કરોડની કુલ માર્કેટ કેપ પર પહોંચી ગઈ. રોકાણકારોએ એક જ દિવસમાં ૩.૪૨ લાખ કરોડ રૂપિયાની કમાણી કરી છે. તેનાથી વિપરીત, ટેક મહિન્દ્રા, આઇટીસી અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રામાં ઘટાડો જોવાયો હતો. રિલાયન્સ સિક્યોરિટીઝના સ્ટ્રેટેજી હેડ વિનોદ મોદીના જણાવ્યા મુજબ છેલ્લા બે ટ્રેડિંગ સેશનમાં તીવ્ર ઘટાડા બાદ સ્થાનિક શેરબજારોમાં મુખ્યત્વે વૈશ્વિક બજારોમાંથી વધુ સારા સંકેત મળ્યા હતા.

(9:43 pm IST)