Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

ટીમ ઈન્‍ડિયાની ઐતિહાસિક જીતઃ કાંગારૂઓને ધોબી પછડાટ

૩૨ વર્ષ બાદ ગાબાના મેદાનમાં ટીમ ઈન્‍ડિયાના યુવા ખેલાડીઓએ ભારતનો ઝંડો લહેરાવ્‍યો : ભારત પોઈન્‍ટ ટેબલમાં પણ પ્રથમ સ્‍થાને પહોંચ્‍યુ : ૩૨૮ રનનો ટાર્ગેટ ભારતે ૭ વિકેટના ભોગે ચેઝ કર્યો : શુભમન (૯૧), પૂજારા (૫૬) બાદ પંત (૮૯ નોટઆઉટ) વિજય માર્ગે લઈ ગયોઃ બોર્ડર ગાવસ્‍કર ટ્રોફીની હેટ્રીક : બીસીસીઆઈ દ્વારા ટીમને ૫ કરોડનું ઈનામ : નરેન્‍દ્રભાઈ મોદીએ પણ ટીમને શુભેચ્‍છા પાઠવી

બ્રિસ્‍બેન, તા. ૧૯ : બ્રિસ્‍બેનના ગાબાના મેદાનમાં ટીમ ઈન્‍ડિયાએ ૩૨ વર્ષ બાદ ટેસ્‍ટ મેચમાં જીત મેળવી છે. સાથોસાથ ૪ મેચોની ટેસ્‍ટ સીરીઝ પણ ૨-૧થી કબ્‍જે કરી છે. ઓસ્‍ટ્રેલિયાએ આપેલા ૩૨૮ રનના ટાર્ગેટ સામે ભારતે આજે ૫મા અને અંતિમ દિવસે ૭ વિકેટના ભોગે ટાર્ગેટ ચેઝ કરી વિજય હાંસલ કર્યો છે. શુભમન ગીલ ૯૧, પૂજારા ૫૬ રન બાદ રિષભ પંતે નોટઆઉટ ૮૯ રન ફટકારી ભારતને વિજય તરફ લઈ ગયો હતો. ભારતે સતત ત્રીજી વખત બોર્ડર ગાવસ્‍કર ટ્રોફી કબ્‍જે કરી છે. આ પહેલા ૨૦૧૬-૧૭માં ઘરઆંગણે ઓસ્‍ટ્રેલિયાને ૨-૧થી હરાવ્‍યુ, જયારે ૨૦૧૮-૧૯માં ઓસ્‍ટ્રેલિયાના તેના જ ઘરઆંગણે ૨-૧થી મ્‍હાત આપી હતી. ટેસ્‍ટ સીરીઝની સાથોસાથ ભારતીય ટીમ પહેલા સ્‍થાને પહોંચી ગઈ છે.  ગઈકાલે ઓસ્‍ટ્રેલિયા બીજા દાવમાં ૨૯૪ રનમાં ઓલઆઉટ થયા બાદ લીડ સાથે ભારતને ૩૨૮ રનનો ટાર્ગેટ મળ્‍યો હતો. ગઈકાલે દિવસ પૂર્ણ થયો ત્‍યારે ભારતે વિના વિકેટે ૪ રન બનાવ્‍યા હતા. આજે પાંચમાં દિવસે રોહિત અને ગીલ દાવમાં ઉતર્યા હતા, પણ રોહિત ૭ રને આઉટ થઈ ગયો હતો. ત્‍યારબાદ શુભમન ગીલ અને પૂજારાએ બાજી સંભાળી હતી. ગીલે ચોતરફ શોટ્‍સ ફટકાર્યા હતા. તે સદી ફટકારવામાં ચૂકી ગયો હતો. ૯૧ રનના જુમલે લીયનની બોલીંગમાં આઉટ થયો હતો. ત્‍યારબાદ પૂજારા અને રહાણેએ થોડી સાજેદારી કરી હતી. જો કે રહાણે ૨૪ રને કમીન્‍સની બોલમાં ટીમ પેઇનને કેચ આપી બેઠો હતો. બાદ ચેતેશ્વર પૂજારા ૫૬ રને આઉટ થઈ ગયો હતો.

 આજના મેચનો હિરો રિષભ પંત રહ્યો હતો. તે ભારતીય ટીમને વિજય માર્ગ સુધી લઈ ગયો હતો. તેણે ૧૩૮ બોલમાં ૯ ચોગ્‍ગા અને ૧ છગ્‍ગાની મદદથી ૮૯ રને નોટઆઉટ રહ્યો હતો. જયારે મયંક ફરી એક વખત બેટીંગમાં ફેઈલ ગયો હતો. સુંદરે પંતનો સારો એવો સાથ આપ્‍યો હતો. સુંદર ૨૨ અને શાર્દુલ ૨ રને આઉટ થયા હતા.

બીજી તરફ રીષભ પંતે શાનદાર ઈનિંગ રમી અંત સુધી નોટઆઉટ રહી ભારતીય ટીમને વિજય અપાવ્‍યો હતો. ભારતે ૯૭ ઓવરમાં ૭ વિકેટે ૩૨૯ બનાવી જીત મેળવી હતી.

ભારતને જીત અપાવનાર રીષભ પંત મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્‍યો હતો. જયારે બોર્ડર ગાવસ્‍કર ટ્રોફીની જીત મેળવવા બદલ બીસીસીઆઈએ ખેલાડીઓને ૫ કરોડનું ઈનામ જાહેર કર્યુ હતું. જયારે વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીએ પણ ટ્‍વીટ કરી ભારતીય ટીમને શુભેચ્‍છા પાઠવતા કહ્યું હતું કે ભારતની જીત પર બધા ભારતીયો ખુશ છે, ટીમ ઈન્‍ડિયાની ઉર્જા - જૂનુન દેખાય રહ્યુ છે.

ICCના પોઈન્‍ટ ટેબલમાં ટીમ ઈન્‍ડિયા ટોચના સ્‍થાને

(3:11 pm IST)
  • બાંગ્લાદેશને વેક્સિનના ૨૦ લાખ ડોઝ ભારત આપશે : ૨૦ જાન્યુઆરીએ ભારત કોવિશિલ્ડ કોરોના વેકસીનના ૨૦ લાખ ડોઝ બાંગ્લાદેશને ભેટ સ્વરૂપે આપશે તેવી જાહેરાત થઇ છે access_time 12:26 am IST

  • ફેરવેલ સ્પીચમાં પત્નીએ ડોનાલ્ડ ટ્રમ્પને અરીસો બતાવ્યોઃ હિંસાને કદી યોગ્ય ગણી ન શકાયઃ હિંસાની ટીકા કરી access_time 4:08 pm IST

  • કોરોના રસીનો જાદુ કે બાયડનના આગમનના પડઘા પડ્યા ? અમેરિકામાં કોરોના કેસમાં ધરખમ ઘટાડો, ૨૪ કલાકમાં દોઢ લાખ કેસ નોંધાયા, ૧૩૯૩ મૃત્યુ : ભારતમાં અભૂતપૂર્વ કોરોના કેસ ઘટી ગયા: ચોવીસ કલાકમાં માત્ર દસ હજાર નવા કેસ અને ૧૩૭ ના મોત: ઈંગ્લેન્ડમાં પણ ઘટાડો નોંધાયો, આજે સવાર સુધીમાં ૩૭ હજાર નવા કેસો: બ્રાઝિલમાં ૨૪ હજાર, રશિયામાં ૨૨ હજાર, જર્મનીમાં અને ઈટાલીમાં ૮ હજાર નવા કેસ થયા છ: ચીનમાં રોજ એકસો ઉપર નવા કેસો, આજે સવારે ૧૧૮ કેસ નોંધાયા: હોંગકોંગમાં ૧૦૭ અને ઓસ્ટ્રેલિયમાં ૧૩ નવા કેસ નોંધાયા access_time 10:30 am IST