Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

કર્ણાટકમાં રસીકરણ બાદ હેલ્થ વર્કરનું મોત

સ્વાસ્થ્ય વિભાગનો ખુલાસો આ માટે રસી જવાબદાર નથી : ૪૩ વર્ષના હેલ્થ વર્કરનું રસી લગાવ્યા બાદ મોત : મોતનું કારણ હાર્ટ અટેકના કારણે : પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઇ રહી છે

નવી દિલ્હી,તા. ૧૯: દેશભરમાં ૧૬ જાન્યુઆરીથી કોરોના વાયરસને હરાવવા માટે રસીકરણ ચાલી રહ્યું છે. રસી લગાવ્યા બાદ અનેક જગ્યાએ સાઈડ ઈફેકટ્સ હોવાના સમાચાર આવી રહ્યા છે. આ દરમિયાન કર્ણાટકના બલ્લારી જિલ્લામાં રસી લગાવ્યા બાદ એક હેલ્થ વર્કરનું મોત થયાનો મામલો સામે આવ્યો છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાનુંસાર ૪૩ વર્ષના હેલ્થ વર્કરને શનિવારે બપોરે ૧ વાગે રસી લગાવવામાં આવી હતી. જે બાદ તે બિલકુલ ઠીક હતો. તેનામાં કોઈ સાઈડ ઈફેકટ દેખાયા નહોંતા. સોમવારે રાતે તેનું મોત થયું છે. જો કે સરકાર અથવા રાજયના સ્વાસ્થ્ય અને ચિકિત્સા શિક્ષા મંત્રી ડો. સુધાકરના જણાવ્યાનુંસાર મોતનું કારણ રસી નથી.

મીડિયા રિપોર્ટના જણાવ્યાનુંસાર હેલ્થ વર્કર નાગારાજુ સંડૂર જનરલ હોસ્પિટલનો કર્મચારી હતો. સોમવારે બપોરે તેને છાતીમાં દુઃખાવો અને શ્વાસમાં સમસ્યા બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન તેનું મોત  નિપજયુ હતુ. લાશને પોસ્ટમોર્ટમ માટે વિજયનગર ઈન્સ્ટીટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ મોકલવામાં આવ્યો હતો. વિમ્સના શરુઆતના રિપોર્ટ અનુસાર હેલ્થ વર્કર શુગર અને હાઈ બ્લડ પ્રેસર સહિત બીજી બિમારીઓ પણ હતી.

આ વિશે વિમ્સના ડાયરેકટર ડો. બી દેવાનંદે જણાવ્યું કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું કારણ સ્પષ્ટ થશે. શરુઆતના રિપોર્ટમાં મોત રસીના કારણે નહીં બલ્કે કાર્ડિયોપલ્મનરી ફેલ થવાના કારણે થયું છે. રસીકરણ બાદની પ્રતિકુળ પરિસ્થિતિઓ સાથે જોડાયેલી કમિટીના જણાવ્યાનું સાર હેલ્થ વર્કરના મોતનું કારણ હાર્ટ અટેક છે. હાલમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે 'આ પહેલા ઉત્ત્।ર પ્રદેશના મુરાદાબાદમાં કોરોની રસી લગાવ્યા બાદ હોસ્પિટલમાં વોર્ડ બોયનું મોત થયું હતુ.  પરિવારે આરોપ લગાવ્યો હતો કે રસી લગાવ્યા બાદ તેની તબિયત ખરાબ થઈ હતી. જે બાદ તેનું મોત થયુ હતુ.  પરંતુ સમાચાર મળ્યા હતા કે મહિપાલ નામના વોર્ડ બોયનું મોત હાર્ટ એટેલથી થયુ હતુ.  ૩ ડોકટરોની પેનલે મહિપાલના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કર્યુ હતુ.  ૧૬ જાન્યુઆરીએ તેને કોવિશીલ્ડ રસી આપવામાં આવી હતી અને બીજા દિવસે ૧૭ જાન્યુઆરીએ તેનું અચાનક મોત થયું હતુ. વોર્ડ બોયનું મોત થતાં હોસ્પિટલના સીએમઓએ કહ્યું છે કે મોતનું કારણ હાર્ટ એટેક છે. મુરાદાબાદ જિલ્લા હોસ્પિટલમાં તૈનાત ૪૮ વર્ષના વોર્ડ બોય મહિપાલની કોરોના રસી લગાવ્યા બાદ તબિયત ખરાબ થઈ હતી. એ બાદ તેને હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. પરંતુ તેનો જીવ બચાવી શકાયો નહોંતો.'

નોંધનીય છે કે અત્યાર સુધી ૪૪૭ લોકોમાં રસીના સાઈડ ઈફેકટ્સ જોવા મળ્યા છે. આ અંગે રવિવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે એક સંવાદદાતા સમ્મેલન કરી જાણકારી આપી હતી. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ ડોકટર મનોહર અગનાનીએ જણાવ્યું કે મોટાભાગના મામલામાં આની આડઅસર સામાન્ય છે. જો કોઈને હોસ્પિટલમાં દાખલ કરવા પડે તેને સિરીયસ ગણી એએફઆઈમાં દાખલ કરવામાં આવશે.

(11:00 am IST)