Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

કાલે અમેરિકાના નવા રાષ્‍ટ્રપતિ શપથ લેશેઃ વોશિંગ્‍ટનમાં હાઈએલર્ટ

અમેરિકાના ૪૬માં રાષ્‍ટ્રપતિ તરીકે જો બિડેન શપથગ્રહણ કરશેઃ સાથે ઉપરાષ્‍ટ્રપતિ તરીકે કમલા હેરિસ પણ શપથ લેશેઃ ટ્રમ્‍પ હાજર નહિ રહે : શપથગ્રહણ સંદર્ભે લોખંડી સુરક્ષાવ્‍યવસ્‍થાઃ ૨૫૦૦૦ જેટલા જવાનો તૈનાતઃ સંસદ આસપાસના વિસ્‍તારોમાં લોકો માટે બંધ કરાયા

વોશિંગ્‍ટન, તા. ૧૯ :. અમેરિકાની રાષ્‍ટ્રપતિની ચૂંટણીમાં ભારે બહુમતીથી વિજેતા બનનાર જો બિડેન આવતીકાલે અમેરિકાના નવા રાષ્‍ટ્રપતિ તરીકે શપથગ્રહણ કરવા જઈ રહ્યા છે. તેઓ અમેરિકાના ૪૬માં રાષ્‍ટ્રપતિ બનશે. તેમની સાથે ઉપરાષ્‍ટ્રપતિ કમલા હેરિસ પણ શપથગ્રહણ કરશે. શપથગ્રહણ અત્‍યંત સુરક્ષા ચિંતાઓ વચ્‍ચે યોજાઈ રહ્યો છે. પૂર્વ રાષ્‍ટ્રપતિ ટ્રમ્‍પ હાજર નથી રહેવાના. સ્‍થાનિક સમય મુજબ સવારે ૧૦ વાગ્‍યે સમારોહ શરૂ થશે. તે પછી રાષ્‍ટ્રપતિનું ઉદઘાટન સંબોધન થશે. તેઓ આવતા ૪ વર્ષ માટેનું વિઝન જણાવશે. આ સમારોહનું અનેક ટીવી દ્વારા જીવંત પ્રસારણ પણ કરવામાં આવશે. વોશિંગ્‍ટનનો સમય ભારતના સ્‍ટાન્‍ડર્ડ સમયથી ૧૦.૩૦ કલાક આગળ છે.

અમેરિકાના રાષ્‍ટ્રપતિ અને ઉપરાષ્‍ટ્રપતિના શપથગ્રહણ સમારોહમાં ટ્રમ્‍પના સાથીદારો ઉપદ્રવ મચાવે તેવી આશંકાના પગલે વોશિંગ્‍ટન ડીસી છાવણીમાં તબદીલ કરી દેવામાં આવ્‍યુ છે. ચારેતરફ ચૂસ્‍ત સુરક્ષાવ્‍યવસ્‍થા ગોઠવી દેવામાં આવી છે. પોલીસ અને સુરક્ષા એજન્‍સીઓના કર્મચારીઓ સાથે ૨૫૦૦૦ જવાનો તૈનાત કરાયા છે. અમેરિકી સંસદ ભવનની આસપાસના વિસ્‍તારો લોકો માટે બંધ કરવામાં આવ્‍યા છે તથા એ સ્‍થળે ૮ ફુટ ઉંચા અવરોધો મુકી દેવામાં આવ્‍યા છે.

યુનાઈટેડ સ્‍ટેટ માર્શલ સર્વિસે વોશિંગ્‍ટન ડીસીમાં ૪૦૦૦ અધિકારીઓ તૈનાત કરવાનો નિર્ણય લીધો છે. તો મેજેસ્‍ટીક નેશનલ મોલ જ્‍યાં શપથગ્રહણ વખતે હજારો લોકો હાજર હોય છે તે બંધ કરી દેવાયેલ છે. કોઈપણ પરિસ્‍થિતિને પહોંચી વળવા સુરક્ષા જવાનો સજ્જ છે.

રાષ્‍ટ્રપતિ ટ્રમ્‍પ આજે લગભગ ૧૦૦ લોકોની સજા માફ કરે તેવી શકયતા છે. કમલા હેરિસ આજે સેનેટથી રાજીનામુ આપશે.

શપથગ્રહણ બાદ અમેરિકાની લાંબા સમયથી ચાલી આવતી પરંપરા અનુસાર પાસ ઈન રીવ્‍યુઝ યોજાશે. જેમા અમેરિકી મિલ્‍ટ્રી પોતાના નવા કમાન્‍ડર ઈન ચીફને બધા પાવર્સ ટ્રાન્‍સફર કરશે. આ ઈવેન્‍ટમાં નવા રાષ્‍ટ્રપતિ અને તેમની પત્‍નિ અને નવા ઉપરાષ્‍ટ્રપતિ અને તેમના પતિ પણ સામેલ થશે. બિડેનને વ્‍હાઈટ હાઉસ માટે પ્રેસિડેન્‍સીયલ એસ્‍કોટ આપવામાં આવશે. સમારોહ પરેડ સાથે સમાપ્‍ત થશે. પરેડમાં અમેરિકાના વિવિધ સમુદાયના લોકો પરફોર્મ્‍સ કરશે જેનુ ટીવી પર પ્રસારણ થશે.

(10:19 am IST)