Gujarati News

Gujarati News

News of Sunday, 19th January 2020

કેરળમાં કોમી એકતાનું ઉદાહરણ :હિન્દુ રિવાજ મુજબ મસ્જિદમાં યોજાયા યુવક-યુવતીના લગ્ન

મસ્જિદ કમિટીએ કરાવ્યા ધામધૂમથી લગ્ન : મુખ્યમંત્રીએ પણ નોંધ લીધી

કેરળમાં સામાજિક એકતાનો અનોખો કિસ્સો નોંધાયો છે કેરળમાં  હિન્દુ યુવક યુવતીએ મસ્જિદમાં લગ્ન કર્યા હતા. જેને લઈને ચારે તરફ આ દંપત્તીની ચર્ચા થઈ રહી છે આ ઘટનાની કેરળના મુખ્યમંત્રીએ પણ નોંધ લીધી હતી અને કહ્યું હતું કે કેરળ એક છે અને એક રહેશે

   આ ઘટના કેરળના અલપ્પુઆની છે. જ્યાં ચેરુવલી મુસ્લીમ જમાત મસ્જિદે ધામધુમથી યુવક-યુવતીના લગ્નનું આયોજન કર્યું હતું..અને હિન્દુ રીત રિવાજ પ્રમાણે દંપતીને પ્રભૂતામાં પગલાં પડાવ્યા હતા. એટલું જ નહીં મસ્જિદમાં શાકાહારી ભોજનનું પણ આયોજન કરાયું હતું.

  મસ્જિદમાં હિન્દુ રિવાજ પ્રમાણે લગ્ન કર્યાની જાણ થતાં કેરળના મુખ્યમંત્રી પીનરઈ વિજયને ફેસબૂક પોસ્ટ દ્વારા દંપતીને શુભકામના આપી હતી..પીનરઈ વિજયને લખ્યું પોસ્ટમાં લખ્યું છે કે, કેરળમાં હંમેશા સાંપ્રદાયિક સૌહાર્દના શાનદાર ઉદાહરણો રજૂ કર્યા છે. આ લગ્ન ત્યારે થયા છે જ્યારે ધર્મના નામે લોકોના ભાગલાં પડી રહ્યા છે. કેરળ એક છે અને એક રહેશે.

 અત્રે ઉલ્લેખનીય છે કે, યુવતીના પિતાના મોત બાદ તેનો પરિવાર આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યું હતું. જેથી તેની માતાએ મસ્જિત કમિટી પાસે મદદ માગી હતી. ત્યારબાદ મસ્જિદ કમિટીએ ન ફક્ત આ યુવક-યુવતીના લગ્ન કરાવ્યા પરંતુ દુલ્હનને 10 સોનાના સિક્કા અને બે લાખ રૂપિયા પણ ભેટમાં આપ્યા.

(11:06 pm IST)