Gujarati News

Gujarati News

News of Sunday, 19th January 2020

ઉદ્ધવ ઠાકરેની વિનંતીને માન આપીને બેમુદતી શિરડી બંધનું એલાન મધરાતથી પાછું ખેંચાયું

આવતીકાલથી શહેરમાં જનજીવન રાબેતા મુજબ થઇ જશે

શિર્ડી: આધ્યાત્મિક સંત સાઈબાબાનાં જન્મસ્થાન અંગે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કરેલા નિવેદનના વિરોધમાં મહારાષ્ટ્રના એહમદનગર જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ શિર્ડી શહેરમાં શનિવાર મધરાતથી 'બેમુદત શિર્ડી બંધ'નો આરંભ કરાયો હતો પરંતુ એલાન કરનાર શિર્ડી ગ્રામ સભાએ બંધને પાછો ખેંચી લીધો છે. ઉદ્ધવ ઠાકરેની વિનંતીને માન આપીને બંધને આજે રવિવાર મધરાતથી પાછો ખેંચી લેવામાં આવશે. આવતીકાલથી શહેરમાં જનજીવન રાબેતા મુજબનું થઈ જશે.

સાઈબાબાનું જન્મસ્થાન પરભણી જિલ્લાના પાથરી ગામના વિકાસ માટે મહારાષ્ટ્ર સરકાર તરફથી રૂ. 100 કરોડની સહાયતાની ઉદ્ધવ ઠાકરેએ જાહેરાત કરતાં શિર્ડી નગરનાં રહેવાસીઓ નારાજ થયા હતા અને શિર્ડી બંધનું એલાન કર્યું હતું. જો કે આ બંધ દરમિયાન સાઈબાબાનાં દર્શન ઉપર કોઈ પ્રકારનો પ્રતિબંધ મૂકાયો નહોતો. મંદિર ખુલ્લું જ છે અને શ્રદ્ધાળુઓને દર્શન કરવા મળી રહ્યાં છે.

(8:38 pm IST)