Gujarati News

Gujarati News

News of Sunday, 19th January 2020

જોરદાર વિરોધ પ્રદર્શન વચ્ચે ઉદ્ધવ ઠાકરેની આજે મિટિંગ

જન્મસ્થળને લઇને નિવેદનથી ઉદ્ધવ ઠાકરે ફસાયા : મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે બેકફુટ ઉપર : નિવેદન પરત ખેંચવાનું દબાણ

મુંબઈ, તા. ૧૯ : સાંઇબાબાના જન્મ સ્થળને લઇને કરવામાં આવેલા નિવેદનથી મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. આજે જોરદાર વિરોધ અને બંધ બાદ ઉદ્ધવ ઠાકરે દ્વારા આવતીકાલે સોમવારના દિવસે આ વિવાદ પર ચર્ચા કરવા માટે મુંબઈમાં સચિવાલય ખાતે બેઠક બોલાવવામાં આવી છે. શિરડી સાંઇ મંદિર સાથે જોડાયેલા લોકો અને અહેમદનગર જિલ્લાના અધિકારીઓ આમા હાજરી આપી શકે છે. ૧૯મી સદીના સંત સાંઇબાબાના સમર્થકોમાં જોરદાર આક્રોશની સ્થિતિ જોવા મળી રહી છે. સાંઇબાબાના ભક્તોનું કહેવું છે કે, ઉદ્ધવ ઠાકરેએ પોતાનું નિવેદન પરત લેવું જોઇએ. વિવાદના લીધે ઉદ્ધવ ઠાકરે બેકફુટ પર નજરે પડી રહ્યા છે. બંધ છતાં મંદિરમાં શ્રદ્ધાળુઓ જોવા મળ્યા હતા. સાંઇ ભક્તોએ રેલી યોજી હતી અને ઉદ્ધવનો વિરોધ કરવામાં આવ્યો હતો. આજે સવારે ઠાકરેના નિવેદનના વિરોધમાં મોટી સંખ્યામાં લોકો મંદિર સંકુલની પાસે રેલી યોજીને સરકાર પર દબાણ વધાર્યું હતું. રેલીમાં સામેલ થયેલા સ્થાનિક ભાજપ નેતા સચિન તાંબે પાટિલે કહ્યું હતું કે, સાંઇ ભક્તો દ્વારા રેલી યોજવામાં આવી છે. સાંઇ બાબા મંદિર સંકુલમાં પૂર્ણરીતે ચક્કર લગાવ્યા બાદ રેલીની પૂર્ણાહૂતિ થઇ હતી. ઉદ્ધવ ઠાકરેને લઇને હજુ આક્રોશ વધે તેવી શક્યતા છે. શિરડી સાંઇબાબા સંસ્થા ટ્રસ્ટના સીઈઓ મુગલીકરે કહ્યું છે કે, સાંઈ મંદિર આવનાર ભક્તો માટે ભોજન અને પ્રસાદની વ્યવસ્થા યથાવતરીતે રાખવામાં આવી છે. ઉદ્ધવ ઠાકરે દ્વારા આવતીકાલે બોલાવવામાં આવેલી બેઠકમાં તમામ સંબંધિત મુદ્દા પર ચર્ચા કરાશે.

(7:57 pm IST)