Gujarati News

Gujarati News

News of Sunday, 19th January 2020

છ વર્ષોમાં ૨૮૩૮ પાકિસ્તાની લોકોને દેશની નાગરિકતા મળી

નાગરિક સુધારા કાનૂનને લઇ વિરોધ વચ્ચે દાવો : નાણામંત્રી નિર્મલા સીતારામને રજૂ કરેલા તમામ આંકડા : ૧૯૬૪થી ૨૦૦૮ વચ્ચે ચાર લાખ તમિળ લોકોને દેશની નાગરિકતા

ચેન્નાઈ, તા. ૧૯ : કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને આજે નાગરિક સુધારા કાનૂન ૨૦૧૯ સામે ચાલી રહેલા રાષ્ટ્રવ્યાપી વિરોધ પ્રદર્શન વચ્ચે કહ્યું હતું કે, પાકિસ્તાનમાંથી આવેલા ૨૮૩૮ જેટલા લોકોને છેલ્લા છ વર્ષના ગાળામાં નાગરિકતા આપવામાં આવી ચુકી છે. ચેન્નાઈમાં પ્રોગ્રામ ઓન સિટિઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટ પર વાત કરતા સીતારામને આ મુજબની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, છેલ્લા છ વર્ષના ગાળામાં ૨૮૩૮ પાકિસ્તાની શરણાર્થી, ૯૩૪ અફઘાન શરણાર્થી અને ૧૭૨ બાંગ્લાદેશી શરણાર્થીઓને ભારતની નાગરિકતા આપવામાં આવી ચુકી છે. તેમણે ઉમેર્યું હતું કે, ૨૦૧૪ સુધી પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી આવેલા ૫૬૬ મુસ્લિમોને ભારતની નાગરિકતા આપવામાં આવી હતી જ્યારે ૨૦૧૬-૧૮ના ગાળામાં મોદી શાસન હેઠળ ૧૫૯૫ પાકિસ્તાની શરણાર્થી અને ૩૯૧ અફઘાન મુસ્લિમોને ભારતની નાગરિકતા આપવામાં આવી છે. પ્રધાને એમ પણ કહ્યું હતું કે, ૨૦૧૬માં આજ ગાળા દરમિયાન અદનાન સામીને પણ ભારતની નાગરિકતા આપવામાં આવી હતી જે એક ખુબ શાનદાર દાખલા તરીકે છે.

          સીતીરામને વિરોધ પ્રદર્શન વચ્ચે કહ્યું હતું કે, હજુ પણ મોટી સંખ્યામાં લોકો એવા છે જે અત્યાચારનો શિકાર થઇ રહ્યા છે. જો તેમના કેમ્પોમાં જવાશે તો ખબર પડશે કે કેટલો આઘાત લાગે છે. શ્રીલંકન શરણાર્થીઓના મામલામાં પણ સ્થિતિ આવી જ બનેલી છે. આ લોકો સતત કેમ્પોમાં રહી રહ્યા છે. મૂળભૂત સુવિધાઓથી તેમને વંચિત રાખવામાં આવી રહ્યા છે. ભાજપના નેતાએ કહ્યું હતું કે, સરકાર કોઇની પણ નાગરિકતા આંચકી રહી નથી બલ્કે નાગરિક સુધારા કાનૂન મારફતે નાગરિકતા આપવાની સાથે સાથે તેમના જીવન ધોરણને સુધારવાના પ્રયાસો થઇ રહ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે, નેશનલ પોપ્યુલેશન રજિસ્ટ્રાર અથવા એનપીઆરને દરેક ૧૦ વર્ષમાં અપડેટ કરવામાં આવે છે. એનઆરસી સાથે તેને કોઇપણ પ્રકારના લેવા દેવા નથી. કેટલાક લોકો બિનજરૂરીરીતે હોબાળો મચાવી રહ્યા છે જે યોગ્ય નથી. કોઇપણ આધાર વગર લોકોને ગેરમાર્ગે દોરવાના પ્રયાસ થઇ રહ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી અને અન્ય કેટલાક પક્ષો લોકોને ગેરમાર્ગે દોરવામાં લાગેલા છે જેના લીધે હિંસાઓ પણ થઇ છે. તમામ વાસ્તવિકતા સમજીને આ મામલામાં નિવેદન કરવા જોઇએ. સીતારામનના કહેવા મુજબ વડાપ્રધાન મોદી પોતે કહી ચુક્યા છે કે, આ કાનૂન નાગરિકતા આપવા માટે છે.

નાગરિકતાના આંકડા

ચેન્નાઈ, તા. ૧૯ : કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને આજે નાગરિક સુધારા કાનૂન ૨૦૧૯ સામે ચાલી રહેલા રાષ્ટ્રવ્યાપી વિરોધ પ્રદર્શન વચ્ચે કહ્યું હતું કે, પાકિસ્તાનમાંથી આવેલા ૨૮૩૮ જેટલા લોકોને છેલ્લા છ વર્ષના ગાળામાં નાગરિકતા આપવામાં આવી ચુકી છે. છેલ્લા છ વર્ષના ગાળામાં મોટી સંખ્યામાં નાગરિકોને ભારતની નાગરિકતા આપવામાં આવી છે. બિનજરૂરી વિરોધ કરીને લોકોને ગેરમાર્ગે દોરવાના પ્રયાસ થઇ રહ્યા છે. છ વર્ષમાં મોદી શાસન હેઠળ કયા દેશના કેટલા નાગરિકોને નાગરિકતા અપાઈ તે નીચે મુજબ છે.

દેશ

ભારતની નાગરિકતા

પાકિસ્તાન

૨૮૩૮

અફઘાનિસ્તાન

૯૧૪

બાંગ્લાદેશી

૧૭૨

(8:04 pm IST)