Gujarati News

Gujarati News

News of Sunday, 19th January 2020

ઇરાન-અમેરિકા વચ્ચે વાકયુધ્‍ધ બંધ થવાનું નામ લેતુ નથી : ઇરાન સામે ટ્રમ્‍પનો ગુસ્‍સો ચરમસીમાએ પહોંચ્‍યુ : મર્યાદામાં રહેવાની ગર્ભીત ચીમકી

ન્યુયોર્ક: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાનના સુપ્રીમ નેતા આયાતોલ્લાહ ખામૈનીને જીભ સંભાળીને બોલવા ચેતવણી આપી છે. ટ્રમ્પે કહ્યું કે ઇરાનના સર્વોચ્ચ નેતા કહેવાનારા નેતા હવે કાંઈ વધુ સર્વોચ્ચ નથી રહ્યા. તેમની પાસે અમેરિકા અને યુરોપ વિષે કહેવાને બકવાસ વાતો સિવાય કાંઈ નથી. તેમનું અર્થતંત્ર તબાહ થઈ ચૂક્યું છે અને લોકો પરેશાન છે. તેમણે સમજીવિચારીને શબ્દોનો ઉપયોગ કરવો જોઈએ. હકીકતે ખામૈનીએ તાજેતરમાં એક નિવેદન આપતાં અમેરિકી નેતાઓને જોકર કહ્યા હતા. તેમણે એમ પણ કહ્યું હતું કે અમરિકી છાવણીઓ પર સ્ટ્રાઇક કરીને એક ઘમંડી અને આક્રમક તાકાતને તમાચો માર્યો છે.

સુપ્રીમ લીડર ખામૈનીએ ઇરાનની જનતાને ધાર્મિક ઉપદેશ આપતાં અમેરિકા વિરુદ્ધ આ વાતો કરી હતી. ઇરાની સૈન્યની વિશેષ ટુકડી કુદ્સ ફોર્સના જનરલ કાસિમ સુલેમાનીના મૃત્યુ પછી અમેરિકામાં ફેલાયેલી તંગદિલી વિષે બોલી રહ્યા હતા.

અમેરિકા પર કટાક્ષ કરતાં ખામૈનીએ કહ્યું હતું કે, 'અમેરિકી જોકર જૂઠ્ઠુ બોલે છે તેઓ ઇરાની લોકો સાથે ઊભા છે. તમે ઇરાન સાથે હોત તો ઝેરી ખંજરથી તેમના હૃદય પર વાર ના કરત. તમે અત્યારસુધી નિષ્ફળ રહ્યા છો અને આગળ પર પણ નિષ્ફળ રહેશો. જનરલ કાસિમ સમગ્ર પ્રદેશ માટે આતંકવાદ વિરુદ્ધના કમાન્ડર હતા. અમેરિકાએ તે શક્તિશાળી કમાન્ડરની હત્યા કરી નાખી. તેમણે યુદ્ધક્ષેત્રમાં જનરલ સુલેમાનીનો સામનો નથી કર્યો. આપણે વળતો જવાબ આપીને અમેરિકી ઇજ્જતને નુકસાન પહોંચાડયું છે.'

ટ્રમ્પે વળતી ટ્વિટ કરીને કહ્યું હતું કે,' ઇરાનના શાનદાર લોકો, કે જે અમેરિકાને પ્રેમ કરે છે, તેમને એવી સરકાર મળવી જોઈએ કે જે તેમને મારવાને બદલે તેમની માગણીઓનું સન્માન કરે. ઇરાનને તબાહી તરફ દોરી જવાને બદલે ત્યાંના નેતાઓ આતંક છોડીને ઇરાનને મહાન બતાવવાની દિશામાં કામ કરવું જોઈએ.'

(11:51 am IST)