Gujarati News

Gujarati News

News of Saturday, 18th January 2020

કેરળના રાજ્યપાલ આરીફ મોહમ્મ્દ ખાનને સીપીએમએ આપી સલાહ : કહ્યું બંધારણ મુજબ કામ કરો :ખળભળાટ

કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા માર્ક્સવાદીએ પોતાના મુખપત્રનાં માધ્યમથી નિશાન સાધ્યું

નવી દિલ્હી : કેરળનાં રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન પોતાના નિવેદનોથી હંમેશા ચર્ચામાં આવ્યા છે ત્યારે કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા માર્ક્સવાદીએ પોતાના મુખપત્રનાં માધ્યમથી નિશાન સાધ્યું છે અને મુખપત્રમાં, રાજ્યપાલને સલાહ આપવામાં આવી હતી કે, તેમણે બંધારણ મુજબ કામ કરવું જોઈએ, વ્યક્તિગત ધોરણે નહીં. સીપીએમનાં આ લેખને લઈને હવે રાજકીય ખળભળાટ મચી ગયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે નાગરિકતા સુધારણા અધિનિયમ (સીએએ) અને એનઆરસી અંગેનાં અનેક નિવેદનોને લીધે રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન વિરોધીઓનાં નિશાના પર આવતા રહ્યા છે. કેરળ સરકારે રાજ્યમાં સીએએ લાગુ કરવાની ના પાડી દીધી છે. આ દરમિયાન સીપીએમ પણ તેમના મુખપત્ર દ્વારા રાજ્યપાલ પર નિશાન સાધ્યું છે

 સીપીએમે લખ્યું છે કે, રાજ્ય સરકાર દરરોજની ગતિવિધિઓ વિશે રાજ્યપાલને માહિતી આપે, સંવિધાનમાં આવી જોગવાઈ ઉપલબ્ધ નથી. આર્ટિકલ 167 બતાવે છે કે કઇ સ્થિતિમાં મુખ્યમંત્રી રાજ્યપાલને માહિતી આપશે. આ સિવાય કોઈપણ રાજ્યનાં મુખ્યમંત્રી માત્ર રાજ્યપાલને કેબિનેટનાં નિર્ણયોની જાણકારી આપવા માટે બંધાયેલા છે.

સીપીએમનું મુખપત્ર આગળ જણાવે છે કે, સુપ્રીમ કોર્ટમાં દાખલ અરજીઓ પર સુનાવણી દરમિયાન આર્ટિકલ 167 ની પણ ચર્ચા કરવામાં આવી હતી. જણાવી દઇએ કે, કેરળ સરકાર અને રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન સીએએ અને એનઆરસીને લઈને સામ-સામે છે. કેરળ વિધાનસભાએ તાજેતરમાં જ સીએએ વિરુદ્ધ એક ઠરાવ પસાર કર્યો હતો જેને રાજ્યપાલ દ્વારા નામંજૂર કરવામાં આવ્યો હતો. રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને કહ્યું કે હવે તે કાયદો બની ગયો છે.

(12:35 am IST)