Gujarati News

Gujarati News

News of Sunday, 19th January 2020

યુ.એસ.માં ગુજરાતી સમાજ ઓફ ટેમ્પાના ઉપક્રમે ઉજવાય ગયેલો પતંગોત્સવઃ બહોળી સંખ્યામાં સભ્યોએ ભાગ લીધોઃ તલના લાડુ,ઉંધીયુ, જલેબી સ્વાદિષ્ટ વ્યંજનોઃ ડીજેના તાલે ગુજરાતીઓ ધુમ્યાઃ પવન અનુકુળ રહેતા પતંગ રસીયાઓને મોજ

ભાવિક મોદી દ્વારા ટેમ્પાઃ યુ.એસ.મા ગુજરાતી સમાજ ઓફ ટેમ્પા (જીએસટીબી)ના ઉપક્રમે તાજેતરમાં જાન્યુઆરી માસની ૧૨ તારીખ રવિવારના રોજ ફલોરીડા સ્ટેટ ફેર ગ્રાઉન્ડ ખાતે પતંગોત્સવ ઉજવાય ગયો જેમાં બહોળી સંખ્યામાં સંસ્થાના સભ્યોેેએ ભાગ લીધો હતો.

આ પ્રસંગે પૂજારી રાજનભાઇ ભટ્ટે ઉત્તરાયણ પર્વ વિષે સમજાવતા જણાવ્યું હતુ કે પૃથ્વી જયારે દક્ષિણથી ઉત્તર તરફ ગતિ કરે છે તે દિવસ ઉત્તરાયણ કહેવાય છે. જયારે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે તે દિવસ મકરસંક્રાતિ કહેવાય છે. રાજનભાઇએ સૂર્યનારયણની વિશેષ પૂજા કરાવી હતી. વધુમાં આ દિવસે ગંગા સ્નાન અને દાનનું અનેરૃં મહત્વ છે તેવું જણાવ્યું હતું.

બપોરના બાર વાગ્યા આસપાસ આકાશ રંગબેરંગી પતંગોથી શોભી ઉઠયું હતું. પવન અનુકુલ રહેતા પતંગ રસીયાઓને મજા પડી ગઇ હતી અને કાયપો છે, લપેટની કીકીયારીઓથી વાતાવરણ ગુંજી ઉઠયું હતું. જીએસટીબી દ્વારા નજીવા દરે પતંગ અને માંજો ઉપલબ્ધ કરાવવામાં આવ્યો હતો. આ તકે ઊંધિયું, જલેબી, પુરી, કઢી, પુલાવ, તીલના લાડુ વિગેરે સહીત સ્વાદિષ્ટ ભોજન પીરસવામાં આવ્યું હતું. ડીજે પ્રેમ દ્વારા ઉત્કૃષ્ટ સંગીત આપવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ટીવી એશિયા અને સ્થાનિક મીડીયા હાજર રહ્યા હતા. મીડીયા સાથેની વાતચીતમાં સંસ્થાના પ્રમુખ કેવલ બ્રહ્મભટ્ટે સૌને મકરસંક્રાતિની શુભેચ્છાઓ પાઠવી હતી અને બહોળી સંખ્યામાં સભ્યોની હાજરીને લઇને ખુશી વ્યકત કરતા કાર્યક્રમને સફળ ગણાવી કાર્યકારી સમિતિ અને સ્વયંસેવકોનો મહેનત બીરદાવી હતી. ચાર વાગ્યા આસપાસ કાર્યક્રમ પૂરો થતા દિવસ ભરની અનેરી યાદી સાથે સો છૂટા પડ્યા હતા.

(8:56 pm IST)