Gujarati News

Gujarati News

News of Saturday, 19th January 2019

ખેડૂતો - ગરીબોને રાહત ૧ લાખ કરોડમાં પડશે

ખેડૂતો - ગરીબોને રાજી કરવા વગર વ્યાજની લોન, પ્રતિ હેકટર કેશ ટ્રાન્સફર, ગરીબોને ન્યુનત્તમ આવક જેવી યોજનાઓથી અર્થતંત્ર ઉપર આવશે જંગી બોજોઃ વ્યાજમુકત લોનનો રૂ. ૧૨૦૦૦ કરોડનો બોજો પડે : અન્ય અલગ અલગ સ્કીમોનો રૂ. ૪૦,૦૦૦ કરોડનો બોજો પડશે

નવી દિલ્હી તા. ૧૯ : લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકાર લોકોને આકર્ષવા માટે મોટી જાહેરાતોને લીલી ઝંડી આપી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ વખતે ખેડૂત અને ગરીબ સામાન્ય માણસ મોદી સરકારની પ્રાથમિકતામાં છે. કેટલાએ મીડિયા હાઉસોએ સૂત્રોના હવાલે કહ્યું છે કે, મોદી સરકાર આ વર્ગને ખુશ કરવા માટે વગર વ્યાજે લોન, પ્રતિ હેકટરના હિસાબે ડાયરેકટ કેશ ટ્રાંસફર, ગરીબોના ખાતામાં ન્યૂનત્તમ પૈસા મોકલવા જેવી સંબંધી યોજનાઓ લાગુ કરી શકે છે. એકસપર્ટનું કહેવું છે કે, જો આવું થયું તો, દેશની અર્થવ્યવસ્થા પર ૧ લાખ કરોડનો બોજો વધી શકે છે.

રોયટર્સે સૂત્રોના હવાલે જણાવ્યું કે, જો સરકાર વ્યાજ મુકત લોન આપે છે તો તેના ઉપર ૧૨૦૦૦ કરોડનો બોજો પડશે. જોકે, આટલા પૈસાથી કઈ નહી થાય.

સરકારે આ સિવાય ૪૦૦૦૦ કરોડ રૂપિયા અલગ-અલગ સ્કીમો માટે પણ ખર્ચ કરવા પડશે. સાથે, પ્રાઈવેટ અને કોમર્શિયલ ટેકસમાં કટોતી પણ સરકારના ખજાનાને નુકશાન પહોંચાડી શકે છે. આનાથી સરકાર પર લગભગ ૨૫૦૦૦ કરોડના રાજસ્વમાં ઘટાડો થશે.

સરકાર ખેડૂતોના ખાતામાં પ્રતિ હેકટરના હિસાબે ૨૦૦૦-૪૦૦૦ રૂપિયા મોકલવાની સ્કિમ શરૂ કરી શકે છે. આ સ્કીમ ખુબ ખર્ચાળ છે, પરંતુ ઘણી ફાયદાકારક સાબિત થઈ શકે છે.

ભારતીય જનતા પાર્ટી ગત વર્ષે પાંચ રાજયોમાં થયેલી વિધાનસભા ચૂંટણીમાં ત્રણ મહત્વના રાજયમાં હારી ચુકી છે. આની પાછલનું સૌથી મોટુ કારણ ખેડૂતોનો ગુસ્સો હતો, કારણ કે, સરકાર ખેડૂતને ખર્ચના હિસાબે પાકની કિંમત આપી શકી ન હતી.

મોદી સરકારે નાના વેપારીઓને જીએસટીમાંથી મુકત કરી દીધા છે. સરકાર માને છે કે, આ કારણથી લોકોની આવક વધશે અને તે વ્યકિતગત રીતે ટેકસની ચુકવણી કરશે.

સામાન્ય વર્ગના નબળા લોકોને ૧૦ ટકા આરક્ષણ આપ્યા બાદ સરકાર કોલેજોમાં બેઠકોની સંખ્યા પણ વધારવા જઈ રહી છે. જોકે, મોદી સરકારની આ પહેલને વિપક્ષી દળો ચૂંટણી સ્ટંટ બતાવી રહ્યા છે.(૨૧.૭)

(10:43 am IST)