Gujarati News

Gujarati News

News of Saturday, 19th January 2019

એન્જીનીયરીંગ કોલેજોના વળતા પાણીઃ ૨૦૨૦થી નહિ ખૂલે નવી કોલેજો

પ્રતિષ્ઠીત ગણાતો એન્જીનીયરીંગનો અભ્યાસક્રમ હાલ ખરાબ સમયના દોરમાં ચાલે છેઃ કોલેજોમાં ભણવા માટે છાત્રો નથી મળતા અને બીજી તરફ જે છાત્રોના હાથમાં ડીગ્રી છે તેમને નોકરી નથી મળતીઃ એન્જીનીયરીંગ રેગ્યુલેટર એઆઈસીટીઈ પણ પરેશાનઃ સરકારે નિમેલી કમીટીનો રીપોર્ટ સ્વીકાર્યોઃ નવી કોલેજો નહીં ખૂલેઃ હાલની કોલેજોની દર બે વર્ષે સમીક્ષા

નવી દિલ્હી, તા. ૧૯ :. પ્રતિષ્ઠીત ગણાતો એન્જીનીયરીંગનો અભ્યાસ આજકાલ ખરાબ દોરમાંથી પસાર થઈ રહ્યો છે. એન્જીનીયરીંગ કોલેજોમાં ભણવા માટે વિદ્યાર્થીઓ નથી મળતા તો બીજી તરફ જે વિદ્યાર્થીઓ પાસે હાથમાં ડીગ્રી છે તેઓને નોકરી નથી મળતી. એન્જીનીયરીંગ લઈને ઓછો થતો રસ અને વિદ્યાર્થીઓને નોકરીમાં મળતી મુશ્કેલીઓથી ખુદ ઓલ ઈન્ડીયન કાઉન્સીલ ફોર ટેકનીકલ એજ્યુકેશન એટલે કે એઆઈસીટીઈ પણ પરેશાન છે. આ સંસ્થા દેશમાં એન્જીનીયરીંગ એજ્યુકેશન માટે નવી કોલેજ ખોલવા, તેના નિયમો નક્કી કરવા અને પાઠયક્રમ નક્કી કરવાનું કામ કરે છે. તેણે હવે એક નિર્ણય લીધો છે કે ૨૦૨૦થી કોઈ નવી એન્જીનીયરીંગ કોલેજોને માન્યતા ન આપવી. ઈન્ડીયન એકસપ્રેસના અહેવાલ મુજબ કેન્દ્ર સરકારની એક ખાસ કમીટીએ એઆઈસીટીઈને આ મામલે ભલામણ કરી હતી કે આગામી વર્ષથી નવી એન્જીનીયરીંગ કોલેજોને માન્યતા આપવામાં ન આવે તે પછી એઆઈસીટીઈએ આ નિર્ણય લીધો છે. એઆઈસીટીઈના ચેરમેન અનિલ શસ્ત્રબુદ્ધે એ જણાવ્યુ છે કે, સમીતી દ્વારા કરવામાં આવેલી ભલામણોને અમે સ્વીકારી છે. એન્જીનીયરીંગમાં અભ્યાસની કવોલીટી સુધારવા અને કોલેજોમાં ઘટતા એડમીશનને જોતા એક ખાસ સમીતી બનાવવામાં આવી હતી. આઈઆઈટી હૈદરાબાદના પૂર્વ અધ્યક્ષ બી.વી.આર. મોહન રેડ્ડીને આ સમિતીના પ્રમુખ બનાવાયા હતા. આ સમીતીએ બે ભલામણો કરી હતી. જેમાં નવી એન્જીનીયરીંગ સંસ્થાઓને માન્યતા ન આપવા અને દર બે વર્ષે સંસ્થાઓની સ્થિતિની સમીક્ષા કરવા જણાવાયુ હતું.

અત્રે નોંધનીય છે કે, છેલ્લા કેટલાક વર્ષોમાં દેશની એન્જીનીયરીંગ કોલેજોમાં મોટી સંખ્યામાં બેઠકો ખાલી રહી છે. ૨૦૧૬-૧૭માં ૫૧ ટકા બેઠકો ખાલી રહી હતી. જ્યારે એન્જીનીયરીંગની શાખાઓમાં આ આંકડો ૬૦ ટકાથી વધુ જણાવાયો છે. દેશમાં અત્યારે ૩૨૯૭ એન્જીનીયરીંગ કોલેજો છે. જેમા બીઈ/બીટેકની લગભગ ૧૫.૫ લાખ બેઠકો છે.

માર્કેટમાં એન્જીનીયરોની ડીમાન્ડ ઓછી છે અને પાસ થયેલા છાત્રોની સંખ્યા વધુ છે. સીવીલ અને કોમ્પ્યુટર સાયન્સ જેવા વિદ્યાર્થીઓની હાલત પણ ખરાબ છે. એ જોઈને કમીટીએ પોતાનો રીપોર્ટ સોંપ્યો હતો.(૨-૬)

 

(10:40 am IST)