Gujarati News

Gujarati News

News of Saturday, 19th January 2019

સરકારે રાફેલ ૪૧ ટકા મોંઘા ભાવે ખરીદ્યાઃ 'ધ હિન્દુ'નો ધડાકો

રાફેલ વિમાન સોદાનો મામલો સરકારનો પીછો છોડતો નથીઃ સુપ્રિમે કલીનચીટ આપી છતા ખરીદીનો મામલો ધગધગે છેઃ એનડીએ સરકારે યુપીએની તુલનામાં મોંઘા ભાવે વિમાન ખરીદ્યાનો ધ હિન્દુનો સનસનીખેજ રીપોર્ટઃ રીપોર્ટમાં ખળભળાટ મચાવે તેવી વિગતોઃ રાફેલ વિમાન સોદામાં કિંમતો કેવી રીતે અને શા માટે વધારી દેવામાં આવી તેવી સ્ફોટક વિગતો છેઃ સરકારે રીપોર્ટને નકારી કાઢયો

નવી દિલ્હી, તા. ૧૯ :. લાગે છે કે રાફેલ સોદો સરકારનો પીછો છોડવાનો નથી. આ મામલામાં દેશની સર્વોચ્ચ અદાલતે ભલે કલીનચીટ આપી દીધી હોય પરંતુ વિપક્ષ આ મામલે સરકારને સતત ઘેરી રહ્યુ છે. આ દરમિયાન એક એવો રીપોર્ટ આવ્યો છે કે, મોદી સરકારે યુપીએ સરકારના મુકાબલે રાફેલનો સોદો ૪૧ ટકા ઉંચા ભાવે કર્યો છે. હિન્દુ અખબારે ચોંકાવનારો રીપોર્ટ બહાર પાડતા ખળભળાટ મચી ગયો છે. કોંગ્રેસે નવેસરથી પ્રહારો કર્યા છે જ્યારે સરકાર આ આરોપોને નકારી રહી છે. ધ હિન્દુ અખબારે કેટલાક દસ્તાવેજી આધાર પર અહેવાલ પ્રગટ કર્યો છે અને કહ્યુ છે કે રાફેલની કિંમત કઈ રીતે અને કેવી રીતે વધી ગઈ ? સરકારે ફ્રાન્સ સાથે ફકત ૩૬ લડાકુ વિમાનનો સોદો કર્યો હતો જ્યારે પ્રસ્તાવીત સંખ્યા ૧૨૬ની હતી, પરંતુ સરકારે વિમાનોની સંખ્યાને ઘટાડી પ્રતિ વિમાનની કિંમત ૪૧ ટકા વધારી દીધી. એનો અર્થ એ થયો કે દરેક વિમાન હવે ૪૧ ટકા વધુ ભાવે મળે છે.

ધ હિન્દુ અખબારમાં એન.રામનો રીપોર્ટ જણાવે છે કે પીએમ મોદીએ ૧૦ એપ્રિલ ૨૦૧૫ના રોજ પેરીસમાં ૩૬ રાફેલ વિમાન ખરીદવાની ડીલ કરી હતી, જ્યારે વાયુદળ આવા ૧૨૬ વિમાન ઈચ્છતુ હતું. રીપોર્ટ અનુસાર ભાવમાં વધારાનું મુખ્ય કારણ હતુ ભારત દ્વારા વિમાનમાં ખાસ પ્રકારની કેટલીક જરૂરીયાતો પુરી કરવાની માંગ હતી. આ કારણથી આ વિમાનની કિંમત ૪૧.૪૨ ટકા વધી ગઈ હતી. જો કે આ મુદ્દે વિપક્ષ સાથે સરકારનો ઝઘડો ત્યારે થયો કે જ્યારે સરકારે ખરીદીનો આંકડો આપવાનો ઈન્કાર કર્યો હતો.

ધ હિન્દુના અહેવાલ અનુસાર રાફેલ સોદામાં કિંમત કેવી રીતે અને શા માટે વધારી દેવામાં આવી ? લેખ અનુસાર ૨૦૦૭મા યુપીએ સરકારે એલ૧વેન્ડર એમએસ દસોલ્ટને ૧૨૬ રાફેલ બનાવવાનો કોન્ટ્રાકટ આપ્યો હતો. જેમાં ૧૮ વિમાન ઉડાન ભરવાની ક્ષમતાવાળા હતા અને બાકીના ૧૦૮નુ નિર્માણ હિન્દુસ્તાન એરોનોટીકસ લિ.મા તૈયાર થવાના હતા. આ દરમિયાન દસોલ્ટે કોઈ વધારાની સુરક્ષા ઉપકરણ વગરના વિમાનની કિંમત ૭૯.૩ મિલીયન યુરો (લગભગ ૬.૪૩ અબજ રૂ.) નક્કી કર્યા હતા. ૨૦૧૧ સુધી એક વિમાનની કિંમતમાં ૧૦૦.૮૫ મીલીયન યુરો એટલે કે લગભગ ૮.૧૨ અબજ રૂપિયાનો વધારો કરી દેવામાં આવ્યો હતો. જો કે જ્યારે એનડીએ સરકારની સાથે ૨૦૧૬માં સોદાને લઈને વાતચીત આગળ વધી ત્યારે દસોલ્ટે તેની કિંમતોમાં ૯ ટકાનું ડીસ્કાઉન્ટ કર્યુ હતુ ત્યારે એનડીએની સરકારે ફ્રાન્સ સાથે એક સંધી કરી અને ૩૬ વિમાનો માટે પ્રતિ વિમાનની કિંમતમાં ૯૧.૭૫ મિલીયન યુરો એટલે કે લગભગ ૭.૪૪ અબજ રૂપિયાનો ઘટાડો થયો.

જો કે કિંમતના સંદર્ભે બાબત અહીં પુરી થતી નથી. આનાથી હટીને વાયુદળે ૧૩ નવા ફીચર જોડવા કહ્યુ હતુ અને ભારતની ડીમાન્ડ મુજબ ૧.૪ બીલીયન યુરો એટલે કે ૧.૧૩ ખરબ રૂપિયા નક્કી કર્યા હતા. અનેક ભાવતાલ બાદ નવા ઉપકરણો સાથે વિમાનની કિંમત ૧.૪થી ઘટાડીને ૧.૩ બીલીયન યુરો એટલે કે લગભગ ૧.૦૫ ખરબ રૂપિયા નક્કી કરવામાં આવ્યા હતા. આનો મતલબ ૩૬ વિમાનો પર લાગવાના વધારાના સુરક્ષા ઉપકરણોની કોસ્ટ એક વિમાન પર જ્યાં ૨૦૦૭માં ૧૧.૧૧ મીલીયન યુરો લગભગ ૯૦.૧૫ કરોડ રૂપિયા હતા તે ૨૦૧૬માં વધીને ૩૬.૧૧ મીલીયન યુરો એટલે કે ૨.૯૩ અબજ રૂપિયા થઈ ગયા. જો કે સોદા માટે ૯ સુરક્ષા અધિકારીઓમાંથી ત્રણે આની વધારાની કિંમતનો વિરોધ કર્યો હતો.

હિન્દુનો રીપોર્ટ ચોંકાવનારો છે. યુપીએ સરકારે ૨૦૦૭માં ટેન્ડર નિકાળ્યુ તો દસોલ્ટની ઓફર સૌથી સારી હતી. દર વર્ષે કોસ્ટ વધવાની ફોર્મ્યુલાથી ૨૦૧૧માં બોલી ખોલવામાં આવી તો ભાવ ૧૦ કરોડ યુરો થઈ ગયો હતો. પૂર્વ નાણામંત્રી ચિદમ્બરમનું કહેવુ છે કે આ રીપોર્ટથી સ્પષ્ટ થાય છે કે મોદી સરકારે રાફેલનું વિમાન ખરીદવામાં ૪૦ ટકાથી વધુ રકમ ચૂકવી છે.

(10:39 am IST)