Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

મોદી-નેતન્યાહુનો રોડ-શો બંધ બુલેટ પ્રુફ કારમાં યોજાવા સાથે, ગુજરાતના તમામ અફસરો હથિયાર વગર કેમ જોડાયેલઃ ભીતરની કથા

ઇઝરાયેલના વડાપ્રધાનની સુરક્ષા માટે જાસુસી સંસ્થા 'મોસાદ'ની ગાઇડલાઇન મુજબ જ પાલન થયું :ઇઝરાયેલના વડાના તથા ભારતના પીએમના એસપીજી સ્ટાફ પાસે જ ફકત હથીયાર રાખવાની પરવાનગી હતી

રાજકોટ, તા., ૧૯: તાજેતરમાં ભારત અને ગુજરાતની મુલાકાતે આવેલ ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહુ અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનાં અમદાવાદમાં યોજાયેલ 'રોડ-શો' દરમ્યાન સુરક્ષાના જડબેસલાક નિયમો અને બંદોબસ્ત સ્કીમ ઉકત બંન્ને મહાનુભાવો ખુલ્લી જીપમાં રોડ શો કરવાના હોવાથી તૈયાર થયેલ. પરંતુ ઇઝરાયેલના વડાપ્રધાન માથે પણ જોખમ તોળાતું હોવાથી ઇઝરાયેલની જાસુસી સંસ્થા અને ચુનંદા પોલીસ ઓફીસરે ૧૦ દિ' અગાઉ જ તમામ રૂટનું નિરીક્ષણ કરી ઝીણવટભરી વિગતો મેળવી ગુજરાત પોલીસ દ્વારા તૈયાર થયેલ બંદોબસ્તમાં કેટલાક ધરમૂળથી સુધારા સુચવ્યા હતાં તેવું પોલીસ સુત્રો જણાવે છે.

નરેન્દ્રભાઇ માફક બેન્જામીન નેતન્યાહુ માથે પણ જે ભય ઝળુંબી રહયો છે તે ધ્યાને લઇ ઇઝરાયલની જાસુસી મુજબ ભારત અને ઇઝરાયલના વડાપ્રધાનનાં રોડ-શો દરમ્યાન જે ખુલ્લી જીપ નક્કી કરવામાં આવી હતી. તે જીપ કે ખુલ્લી કારને બદલે બંધ 'બુલેટકાર' માં બેસીને 'રોડ-શો' કરવા સ્પષ્ટ જણાવેલ અને ઇઝરાયેલના તંત્રના સુચન મુજબ બંધ બુલેટકારનો ગુજરાત સરકારે બંદોબસ્ત કરેલ. આ માટે લોકો ભલે નિરાશ થાય પણ ઇઝરાયેલ તંત્ર આવી બાબતે બાંધછોડ કરવાના મતનું કયારેય પણ હોતું નથી.

બીજી મહત્વની એક વાત હતી કે ઇઝરાયેલના સલામતી સ્ટાફના કાફલા અને ભારતનાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની અંગત સુરક્ષાદળ એસપીજી (સ્પેશ્યલ પ્રોટેકશન ગ્રુપ) સિવાય બંદોબસ્તમાં સામેલ ગુજરાતભરનાં તમામ પોલીસ ઓફીસરો કોઇ જાતનાં હથીયારો પોતાની પાસે ન રાખે તેવો આગ્રહ રાખેલ અને તે મુજબ અમલ થયેલ. બંદોબસ્તમાં જોડાયેલ તમામ પોલીસ અધિકારી સ્ટાફ પાસે માત્ર લાકડી જ હતી. ઉકત બાબતે એક સિનીયર કક્ષાનાં ગુજરાત પોલીસ તંત્રના આઇપીએસ દ્વારા એવું જણાવાયું હતું કે વીવીઆઇપી બંદોબસ્તમાં લોંગ ડીસ્ટન્સના હથીયારો રાખવાનું ટાળવામાં આવે છે.

અત્રે એ યાદ રહે કે સ્વ. રાજીવ ગાંધીને શ્રીલંકામાં સલામતી આપતા સમયે તેમાં સામેલ એક સ્ટાફે હુમલો કરવાનો પ્રયાસ કરેલ.

જાણકાર સુત્રોનું માનીએ તો ત્યાર બાદ કોઇ રાષ્ટ્રનાં વડાપ્રધાને જયારે સલામતી સ્ટાફ દ્વારા સલામી આપવામાં આવે છે ત્યારે ઘણા સંવેદનશીલ સ્થળોએ આ બંદુક ખાલી રાખવામાં આવતી હોય છે. ઇઝરાયેલની જાસુસી સંસ્થા 'મોસાદ' વિશ્વની શ્રેષ્ઠ જાસુસી સંસ્થાઓમાં પ્રથમ ક્રમે છે. ભુતકાળમાં સ્વ.મનમોહનસિંઘના સરકાર વખતે પણ બોંબ બ્લાસ્ટ એનઆઇએ વિ. કેન્દ્ર એજન્સી સાથે ઇઝરાયેલથી મોસાદની ટુકડી આવેલ.

ઇઝરાયેલ જાસુસી સંસ્થા દ્વારા એક ઘટના સમયે પોતાના નાગરીકો પર હુમલો કરનાર તમામ આતંકવાદીઓને એનકેન પ્રકારે ઓળખી કાઢી તે તમામને વીણી-વીણીનેખત્મ કરી દીધા હતા.

ભુતકાળમાં દુશ્મન દેશના એરબેઝનાં ભુક્કા, દુશ્મન દેશ જે વિમાન આધારે શેખી કરતુ હતું તેવા આખે આખા વિમાન પણ ઇઝરાયેલની જાસુસી સંસ્થા મોસાદે ઉઠાવી લીધેલ. આમ ઇઝરાયેલ સુરક્ષા મામલે કોઇ બાંધછોડ કરતું નથી તે ગુજરાતમા વધુ એક વખત સાબીત થયું.

(3:26 pm IST)