Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

કેજરીવાલને ફટકોઃ ‘આપ’ના ર૦ ધારાસભ્યોનું સભ્ય પદ રદ્દ

લાભના પદનો મામલોઃ ચૂંટણી પંચે લીધો આકરો નિર્ણયઃ નિર્ણયની અમલવારી માટે રાષ્ટ્રપતિને મોકલ્યો પ્રસ્તાવઃ આપના ર૦ ધારાસભ્યો અયોગ્ય જાહેર થતા ખળભળાટઃ અગાઉ ચૂંટણી પંચે શોકોઝ પાઠવી હતીઃ કેજરીવાલ સરકારે ધારાસભ્યોને સંસદીય સચિવ તરીકે નિમણુંક આપી હતી

નવી દિલ્હી તા.૧૯ : દિલ્હીની કેજરીવાલ સરકારના આજે ચૂંટણીપંચે જારદાર ફટકો પહોંચાડયો છે. ચૂંટણીપંચે લાભના પદના મામલામાં આમ આદમી પાર્ટીના ર૦ ધારાસભ્યોને અયોગ્ય (ડિસ્કવોલીફાઇ) જાહેર કર્યા છે. પંચે રિપોર્ટ બનાવીને રાષ્ટ્રપતિ પાસે અંતિમ મહોર માટે તે મોકલી દીધેલ છે.

 

આમ આદમી પાર્ટીના ર૦ ધારાસભ્યોને ઓફિસ ઓફ પ્રોફીટ (લાભના પદ)ના મામલામાં આજે ચૂંટણી પંચે પોતાનો ફેંસલો સંભળાવ્યો છે. મળતા અહેવાલો મુજબ ચૂંટણી પંચે રાષ્ટ્રપતિ પાસે આ ધારાસભ્યોનું સભ્યપદ રદ કરવાની ભલામણ આપી છે. ચૂંટણી પંચે ર૧ ધારાસભ્યોને નોટીસ જારી કરી હતી. એક ધારાસભ્ય જર્નેલસિંહે પંજાબથી ચૂંટણી લડવા માટે દિલ્હી વિધાનસભામાંથી રાજીનામુ આપ્યુ હતુ. જેને કારણે આ કેસ ર૦ ધારાસભ્યો સામે બનવા પામ્યો હતો. અત્રે એ નોંધનીય છે કે અરવિંદ કેજરીવાલ સરકારે આ ધારાસભ્યોને સંસદીય સચિવ બનાવ્યા હતા. દિલ્હી હાઇકોર્ટે જ ૮ સપ્ટેમ્બર ર૦૧૬ના રોજ ર૧ ધારાસભ્યોની સંસદીય સચિવ તરીકેની નિમણુંકને રદ કરી હતી.

 

ચૂંટણી પંચે અગાઉ કહ્ના હતુ કે, આ ધારાસભ્યો પાસે ૧૩ માર્ચ ર૦૧પથી ૮ સપ્ટેમ્બર ર૦૧૬ વચ્ચે સ્પષ્ટ રીતે સંસદીય સચિવ પદ પ્રાપ્ત હતુ. કાયદા અનુસાર દિલ્હીમાં કોઇપણ ધારાસભ્ય રહેતા લાભનુ પદ લઇ શકે નહી. દિલ્હી વિધાનસભામાં ૭૦માંથી ૬૭ બેઠક પર આપના ધારાસભ્યો ચુંટાયા હતા. ૧૩મી માર્ચ ર૦૧પના રોજ સરકારે પોતાના ર૧ ધારાસભ્યોને સંસદીય સચિવ બનાવ્યા હતા.

રાષ્ટ્રીય મુકિત મોરચાના પ્રમુખ રવિન્દ્રકુમારે દિલ્હી હાઇકોર્ટમાં આ નિમણુંક વિરૂધ્ધ અરજી દાખલ કરી હતી. તેમણે કહ્ના હતુ કે, આ નિમણુંક ગેરકાનૂની છે. મુખ્યમંત્રી પાસે આવી નિમણુંકનો અધિકાર નથી. આ નિમણુંક પર વિવાદ વધતા દિલ્હી સરકારે ર૩ જુન ર૦૧પના રોજ દિલ્હી વિધાનસભામાં ઓફિસ ઓફ પ્રોફીટ એકટમાં સુધારાનો ખરડો લાવી તેને ચર્ચા વગર પાસ કર્યો હતો. તે પછી આ બીલ લેફ. જનરલને મોકલાયુ હતુ. જેમણે રાષ્ટ્રપતિને મોકલ્યુ હતુ. રાષ્ટ્રપતિએ ચૂંટણી પંચ પાસે સલાહ માંગી હતી.

લાભના પદનો હવાલો આપી આ મામલામાં સભ્યોનું સભ્ય પદ રદ કરવાની માંગણી થઇ હતી. હવે આ મામલો રાષ્ટ્રપતિ પાસે ગયો છે. (૩-૧૭)

(3:34 pm IST)