Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

જિજ્ઞેશ મેવાણીની નવી માગઃ દરેક દલિતને આપો ૫ એકર જમીન

૧૦૦માંથી ૭૦ દલિતો પાસે જમીન નથી

હૈદરાબાદ તા. ૧૯ :  દલિત નેતા અને વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ફરી એકવખત દલિતોના પક્ષમાં અવાજ બુલંદ કર્યો છે. જિગ્નેશે કહ્યું કે, ૭૦ ટકા દલિતો પાસે પોતાની જમીનો નથી, એટલે દરેક દલિતને ૫ એકર જમીન આપવી જોઈએ. મેવાણીએ ગુરુવારે હૈદરાબાદમાં કહ્યું કે, તે વિચારોથી સક્ષમ લોકોની સાથે દેશમાં દલિતોના ઉત્થાન માટે યોજના બનાવી રહ્યા છે.

મીડિયા રિપોર્ટસ મુજબ, જિગ્નેશ હૈદરાબાદની જેલમાં બંધ દલિત નેતા મંડા કૃષ્ણ મડીગાને મળવા પહોંચ્યા હતા. મડીગા સાથે મુલાકાત બાદ જિગ્નેશે પત્રકારોને કહ્યું કે, જમીન એક મોટો મુદ્દો છે, દરેક દલિતને ૫ એકર જમીન આપવી જોઈએ. તેમણે કહ્યું કે, ૧૦૦માંથી ૭૦ દલિતો પાસે જમીન નથી. મડીગા અનામત પોરાતા સમિતિના સંસ્થાપક મડીગાને અનુસૂચિત જાતિ વર્ગીકરણ માટે ચલાવાયેલા એક પ્રદર્શનમાં જેલ થઈ હતી.

જિગ્નેશ મેવાણીએ કહ્યું કે, 'આવનારા દિવસોમાં, હું કૃષ્ણ મડીગા અને અન્ય દલિતો, પ્રગતિશીલ અને સમાન વિચારવાળા સમૂહની સાથે દલિતોના ઉત્થાન માટે એક વ્યાપક ગઠબંધન શરૂ કરવા ઈચ્છું છું.' મેવાણીએ હૈદરાબાદ યુનિવર્સિટીના વિદ્યાર્થી રોહિત વેમુલાની મોતને 'સંસ્થાગત હત્યા' જણાવી. તેમણે કહ્યું કે, વેમુલા આજે જીવતો હોત અને તેની સાથે મડીગાને મળવા જાત. રોહતિ વેમુલાએ ૧૬ જાન્યુઆરી ૨૦૧૬માં યુનિવર્સિટી પરિસરના એક રૂમમાં આત્મહત્યા કરી લીધી હતી.

મેવાણીએ તેલંગાણા સરકારને અપીલ કરી કે, મડીગાને મુકત કરી દેવામાં આવે અને તેમની ધરપકડને તેના મૌલિક અધિકારોનું હનન માનવામાં આવે. તેમણે કહ્યું કે, 'હું રાજય સરકાર (તેલંગાણા) અને પોલીસને તેમની (મડીગા)ની મુકિત માટે અપીલ કરું છું. તેઓ પોતાના સમુદાયના મૌલિક અધિકારો માટે લડી રહ્યા છે. વ્યકિતગત સ્વતંત્રતાને આ રીતે ઓછી ન કરવી જોઈએ.'

(11:12 am IST)