Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મહાન દેશભકત, માત્ર ભારતનું જ વિચારે છેઃ નેતન્યાહુ

અમારી વચ્ચે સંપ છેઃ ઇઝરાયલ પાકિસ્તાનનું દુશ્મન નથી

મુંબઈ તા. ૧૯ : ઈઝરાઈલના PM વેંજામિન નેતન્યાહુએ LoC પર સંયુકત રાષ્ટ્ર દ્વારા જાહેર આતંકીઓ સામે ભારતના એકશનમાં સાથ આપવાની સહમતિ દર્શાવી છે. એક ઈન્ટવ્યુમાં નેતન્યાહુએ PM મોદીને મહાન દેશભકત ગણાવ્યા છે અને સાથે કહ્યું કે PM મોદી એ જ કરે છે જે ભારત માટે સારું હોય.

ઈન્ટવ્યુરમાં જયારે નેતન્યાહુને સવાલ કરવામાં આવ્યો કે સરહદ પર હાલ આતંકીઓ સામે ભારત કાર્યવાહી કરી રહ્યું છે તેને ઈઝરાઈલ સમર્થન કરશે તો તેમણે કહ્યું, 'અમારી વચ્ચે સંપ છે, આ સિવાય મને નથી લાગતું કે આગળ કશું કહેવાની જરુર છે.' જોકે, તેમણે એ વાત પણ કરી કે ભારત-ઈઝરાઈલની ભાગીદારી કોઈ ખાસ દેશની વિરુદ્ઘમાં નથી.

નેતન્યાહુએ આગળ જણાવ્યું કે, 'ઈઝરાઈલ પાકિસ્તાનનું દુશ્મન નથી અને પાકિસ્તાન અમારું દુશ્મન ન હોવું જોઈએ.' નેતન્યાહુને પૂછવામાં આવ્યું કે ભારતમાં ઘણાં લોકો ઈઝરાઈલ સાથેના સંબંધની વિરુદ્ઘમાં છે કે તેમને આ સંબંધ સામે વાંધો છે. રણનીતિ અને વ્યૂહાત્મક રીતે તેઓ આવા લોકોને કઈ રીતે વિશ્વાસ અપાવશે, તો તેમણે જણાવ્યું કે, 'સૌથી પહેલા હું એ કહેવા માગું છું કે વડાપ્રધાન મોદી મોટા દેશભકત છે અને જે દેશના હિતમાં હોય છે, તેઓ તે જ કરે છે. જયારે તેઓ આતંકવાદ સામે ભારતીય સુરક્ષા, દૂધ ઉત્પાદનમાં વૃદ્ઘિ અને શાકભાજીમાં નફા વિશે વિચારે છે ત્યારે તેઓ માત્ર એવું નથી વિચારતા કે ઈઝરાઈલ માટે શું સારું છે, પણ વિચારે છે કે દેશ માટે શું સારું છે અને મને લાગે છે કે આ સાચી વિચારશરણી છે.'

જયારે નેતન્યાહુને પેલેસ્ટાઈન મુદ્દા પર સવાલ કરવામાં આવ્યો તો તેમણે કહ્યું, 'ઈઝરાઈલ એક પરફેકટ દેશ હોવાનો દાવો નથી કરતું. હું એવા દેશને નથી જાણતો જયાં તકલીફો ન હોય. પાણ અમારા પાડોશીઓ સામે શાંતિનો હાથ આગળ કર્યો છે. એ દુર્ભાગ્યપૂર્ણ છે કે પેલેસ્ટાઈન પક્ષ તરફથી કોઈ પરસ્પર પ્રતિક્રિયા નથી દેખાઈ.' નેતન્યા હુએ એ પણ કહ્યું કે, મોટાભાગના આરબ દેશો હવે ઈઝરાઈલને પોતાના દુશ્મન તરીકે નહીં પણ કટ્ટરવાદની વિરુદ્ઘમાં તેમની લડાઈને મહત્વના સહયોગી તરીકે જુએ છે.

નેતન્યાહુએ ભારત અને ઈઝરાઈલના સંબંધોને સભ્યતાઓ અને લોકતંત્ર વચ્ચેની ભાગીદારી ગણાવી. નેતન્યાહુએ કહ્યું, 'હું ગુજરાતના એક એકસલેન્સ સેન્ટરમાં હતો, જયાં ભારતીય ખેડૂતો ઈઝરાઈલ ખેતીની રીતો દર્શાવવામાં આવી રહી છે. ૫ ખેડૂતોએ મને કહ્યું કે શાકભાજી ઉગાવવાથી તેમની આવકમાં ૪થી ૫ ગણી મદદ મળી છે. મે કહ્યું, આ અદ્ભૂત છે. જો અમે અન્યને જોઈએ, તો તેનો મતલબ એ થયો કે મોટી સંખ્યામાં ભારતીયો જીવનસ્તરને ઉપર લાવ્યા છે.'

(10:58 am IST)