Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

મોડી રાત્રે સ્થળે પહોંચતી ટ્રેનોનું ભાડુ ઘટાડવા ભલામણ

તહેવારો દરમિયાન ટ્રેનોનું ભાડુ વધારવા અને સીઝન ન હોય ત્યારે ઘટાડવા પણ સુચનઃ એરલાઇન્સની જેમ ધીમેધીમે ટીકીટના ભાવ વધારવા જણાવાયુઃ આગળની બેઠક, કોર્નર, બારીની સીટ માટે વધુ ભાવ લેવા પણ સુચન

નવી દિલ્હી તા.૧૯ : ફલેકસી ફેયરની સમીક્ષા માટે બનેલી કમીટીની ભલામણોનો સ્વીકાર કરવામાં આવશે તો આવતા દિવસોમાં એવી ટ્રેનોમાં મુસાફરી કરવાનુ સસ્તુ થઇ જશે જે મોડીરાત્રે પોતાના ડેસ્ટીનેશન ઉપર પહોંચતી હશે. આ પ્રકારે જો તહેવારો દરમિયાન ભીડભાડની સીઝન હોય તો તે વખતે ભાડામાં વધારો અને જયારે ભીડભાડની સીઝન ન હોય તો રેલ્વે ટીકીટ સસ્તી પણ મળી શકે છે.

ગયા વર્ષે ડિસેમ્બરમાં ભારતીય રેલ્વેએ આ સમિતિની રચના કરી હતી અને હાલમાં જ કમીટીએ પોતાનો રિપોર્ટ રેલ્વેને સોપ્યો છે. પહેલા કયાસ લગાડવામાં આવતા હતા કે ફલેકસી ફેયરને સમાપ્ત કરી દેવાશે પરંતુ કમીટીએ આવી કોઇ ભલામણ કરી નથી.

પોતાના રિપોર્ટમાં કમીટીએ કહ્યુ છે કે જો ચાર્ટ બન્યા બાદ પણ ટ્રેનમાં બેઠકો ખાલી રહે તો રેલ્વે એ સીટ પર ડિસ્કાઉન્ટ આપી શકે છે જેનાથી ટ્રેનની બેઠકો ખાલી ન રહે અને રેલ્વેને આવક થાય.

ઇન્ડિયન રેલ્વેના સુત્રોના કહેવા મુજબ કમીટીએ જે ભલામણો કરી છે તે અનુસાર રેલ્વે પણ એરલાઇન્સની જેમ ધીમેધીમે ટીકીટના ભાવ વધારશે. અત્યારે રેલ્વેની પ્રિમિયમ ટ્રેનોમાં પ૦ ટકાની ટીકીટ તો બેઇઝ ફેરથી મળી જાય છે પરંતુ તે પછી દર ૧૦ ટકા બેઠક પર ૧૦ ટકા ભાડુ વધી જાય છે.

કમીટીએ એવુ પણ કહ્યુ છે કે રેલ્વે પ્રિમિયમ ટ્રેનોને પણ એરલાઇન્સની જેમ વેચે એટલે કે આગળની સીટ, કોર્નર અને બારી પાસેની બેઠક માટે વધુ ચાર્જ લાગુ કરવામાં આવે. આ સિવાય લોઅર બર્થ માટે વધુ ભાડુ લઇ શકાય છે. જો કે વડીલો અને ગર્ભવતી મહિલાઓને બાકાત રખાશે. હાલ રેલ્વે આ ભલામણો ઉપર વિચાર કરે છે અને તે પછી નિર્ણય લેવાશે. (૩-૪)

(10:05 am IST)