Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

લગ્નના બંધનથી મુકત થશે નુસરત જહાં: કોર્ટે નિખિલ જૈનથી અલગ થવાની આપી મંજૂરી

લાંબા સમયથી નુસરત જહાં અને નિખિલ જૈનના લગ્ન ચર્ચાનો વિષય બન્યો હતો : તુર્કીમાં થયેલા લગ્નને ભારતીય કાયદા હેઠળ માન્ય ના રાખતાં કોર્ટે નિર્ણય આપ્યો

કોલકાતા, તા.૧૮: પશ્યિમ બંગાળની અભિનેત્રી અને ટીએમસીની સાંસદ નુસરત જહાં નિખિલ જૈન સાથ પોતાના લગ્નને લઇને લાંબા સમયથી ચર્ચાનો વિષય બની રહી છે. પરંતુ હવે નુસરત જહાં પતિ નિખિલ જૈનથી અલગ થવાનો રસ્તો સાફ થઇ ગયો છે. કોલકાતાની એક કોર્ટે નુસરત જહાંને નિખિલ જૈનથી અલગ થવાની મંજૂરી આપી દીધી છે. કોર્ટે બુધવારે એના નિર્ણયમાં જણાવ્યું કે, બંને લોકોના લગ્ન તુર્કીમાં થયા અને આંતરજાતીય લગ્નની ભારતમાં નોંધણી કરવામાં આવી નથી. આ કારણોસર આ લગ્નને ભારતીય કાયદા મુજબ માન્ય ગણાશે નહીં. ભાજપ શરુઆતથી જ નુસરત જહાંના લગ્નના વિવાદાસ્પદ મુદ્દાને લઇને એમની લોકસભાના સભ્યપદને રદ કરવાની માંગ કરી રહ્યું છે. નુસરત જહાં સત્ત્।ાધીશ પાર્ટી ટીએમસીમાં બસીરહાટ સીટથી સાંસદ છે.

નુસરત જહાં અને નિખિલ જૈને તુર્કીમાં વર્ષ ૨૦૧૯માં લગ્ન કર્યા હતા. તેમના આ લગ્ન ટર્કિશ મેરેજ રેગ્યુલેશન મુજબ થયા હતા અને ભારતમાં તેમના લગ્નની નોંધણી કરવામાં આવી નહોતી. નિખિલ જૈન સાથે લગ્નના વધતા જતાં વિવાદ પર નુસરત જહાંએ પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે, એમના લગ્ન તુર્કીમાં થયા હતા, જે ભારતમાં માન્ય નથી. સાંસદે એવા આરોપ લગાવ્યા હતા કે, એના દ્યરેણાં અને અન્ય વસ્તુઓ નિખિલ જૈને દબાણપૂર્વક રાખી લીધા છે. નિખિલ જૈન પણ પોતાના બેન્ક એકાઉન્ટમાંથી બીજા ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવાના આરોપ પણ નુસરત જહાં લગાવી ચૂકી છે.

બીજી તરફ નિખિલ જૈને દાવો કર્યો હતો કે, તુર્કીમાં થયેલા લગ્નને ભારતમાં કાયદા હેઠળ નોંધણી કરવા માટે પત્ની નુસરતને અનેક વાર જણાવ્યું હતું પરંતુ એ આ મુદ્દાને ટાળતી રહી હતી. નિખિલે નુસરત જહાં દ્વારા લગાવેલા બધા આરોપોને ફગાવી દીધા હતા.

લગ્ન જીવનના ભંગાણ વચ્ચે નુસરત જહાંએ ગયા સપ્ટેમ્બરમાં પુત્રને જન્મ આપ્યો હતો. બાળકના જન્મ પ્રમાણપત્રની માહિતી બહાર આવતાં ખુલાસો થયો હતો કે, બાળકના પિતાનું નામ યીશાન જે દાસગુપ્તા છે. જે દેબાશીષ દાસગુપ્તા એકટર યશ દાસગુપ્તાનું અસલી નામ છે. નુસરત જહાં જયારે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઇ ત્યારે દાસગુપ્તા સાથે જોવા મળ્યા હતા.

(4:01 pm IST)