Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

ચેનલ્સ પરની ડિબેટસ વધુ પ્રદૂષણ ફેલાવે છેઃ સુપ્રીમ કોર્ટ

દિલ્હીમાં હવાના પ્રદૂષણ પરની અરજીની સુનાવણી દરમ્યાન અદાલતે ટીવી ન્યુઝ ચેનલ્સ પર થતી ડિબેટ્સ તેમ જ સાથે સરકારી અધિકારીઓની ઝાટકણી કાઢી હતી

નવી દિલ્હી, તા.૧૮: સુપ્રીમ કોર્ટે દિલ્હીમાં હવાના પ્રદૂષણ બાબતે સુનાવણી દરમ્યાન અયોગ્ય કવરેજ બદલ ટીવી ન્યુઝ ચેનલ્સ તેમ જ નિષ્ક્રિયતા બદલ સરકારી અધિકારીઓની ટીકા કરી હતી. બ્યુરોક્રસીની ઝાટકણી કાઢી ચીફ જસ્ટિસ એન. વી. રમન્નાની અધ્યક્ષતાવાળી બેન્ચે જણાવ્યું હતું કે 'એક જજ તરીકે આટલા સમયગાળામાં મેં જોયું છે કે બ્યુરોક્રસી નિષ્ક્રિય થઈ ગઈ છે. તેઓ કોઈ નિર્ણય લેવા ઇચ્છતા નથી. કેવી રીતે કારને રોકવી, વેહિકલને જપ્ત કરવું, કેવી રીતે આગને અટકાવવી એ બધું જ આ કોર્ટ દ્વારા કરાવવું પડે છે. બધું જ અમારે કરવું પડે છે. અધિકારીઓનું આવું વલણ છે.'

પર્યારણવીદ આદિત્ય દુબે અને કાયદાના સ્ટુડન્ટ અમન બંકા દ્વારા હવાના પ્રદૂષણ બાબતે દાખલ કરવામાં આવેલી એક અરજીની સુનાવણી દરમ્યાન સુપ્રીમે આમ જણાવ્યું હતું.

સુપ્રીમ કોર્ટે દિલ્હીમાં પ્રદૂષણના કવરેજ બદલ ન્યુઝ ચેનલ્સની આકરી ટીકા કરી હતી. અદાલતે જણાવ્યું હતું કે બીજા કોઈ પણ સોર્સ કરતાં ટીવી ન્યુઝ ચેનલ્સ પરની ડિબેટ્સ વધુ પ્રદૂષણ ફેલાવે છે. અદાલતમાં આપવામાં આવતાં સ્ટેટમેન્ટ્સને એના સંદર્ભને ધ્યાનમાં લીધા વિના લેવામાં આવે છે અને પેનલમાં બેસેલા લગભગ દરેકનો પોતાનો એજન્ડા હોય છે. બેન્ચે જણાવ્યું હતું કે 'તમે કોઈ ઇશ્યુનો ઉપયોગ કરવા ઇચ્છો છો, અમે ઓબ્ઝર્વ કરીએ એમ કરો છો અને એને વિવાદાસ્પદ બનાવો છે અને એ પછી માત્ર એકબીજા પર દોષારોપણ થાય છે. ટીવી પરની ડિબેટ્સ બીજા કશા કરતાં પણ વધારે પ્રદૂષણ ફેલાવે છે. તેઓ સમજતા નથી કે શું બની રહ્યું છે અને ઇશ્યુ શું છે. દરેકનો પોતાનો એજન્ડા હોય છે. અમે કન્ટ્રોલ ના કરી શકીએ. અમે સોલ્યુશન શોધવા પર ફોકસ કરીએ છીએ.'

દિલ્હી સરકારે સ્કૂલ્સ અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓને બંધ કરવાનો, આવશ્યક ચીજવસ્તુઓ સિવાયના બહારનાં વેહિકલ્સની એન્ટ્રી પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો છે. પર્યાવરણ પ્રધાન ગોપાલ રાયે ગઈ કાલે આ જાહેરાત કરી હતી. દિલ્હી સરકારના એમ્પ્લોઇઝ માટે રવિવાર સુધી વર્ક ફ્રોમ હોમ તેમ જ બાંધકામ અને ડિમોલિશન એકિટવિટીઝ પરના પ્રતિબંધને એકસટેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમને મજબૂત કરવા માટે એક હજાર પ્રાઇવેટ સીએનજી બસીસને પણ હાયર કરવામાં આવશે.

દિલ્હી અને એની બાજુમાં આવેલા નેશનલ કેપિટલ રીજન (એનસીઆર)માં વાયુ પ્રદૂષણના વધી રહેલા પ્રમાણને ધ્યાનમાં રાખતાં હરિયાણા સરકારે આવતા અઠવાડિયાથી એના ચાર જિલ્લાઓ ગુરુગ્રામ, ફરીદાબાદ, સોનીપત અને ઝજ્જરમાં ઓડ-ઈવનનો નિયમ લાગુ કરવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત રાજય સરકારે ભિવાની, ચરખી, ફરીદાબાદ, ગુરુગ્રામ, ઝજ્જર, જીંદ, કરનાલ, નૂહ, મહેન્દ્રગઢ, સોનીપત, રોહતક, રેવાડી અને પલવલ સહિત કુલ ૧૪ જિલ્લાઓમાં કર્મચારીઓ માટે વર્ક ફ્રોમ હોમનો વિકલ્પ ૨૨ નવેમ્બર સુધી લંબાવવાનો નિર્ણય લીધો છે. 

વર્ષ ૧૯૭૯ની બીજી ગેસોલીન કટોકટીના સમયે અમેરિકા દ્વારા લાગુ કરાયેલી રેશનિંગ સિસ્ટમ પરથી પ્રેરિત થઈ ભારતમાં સૌપ્રથમ દિલ્હીની અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની આપ પાર્ટી દ્વારા ઓડ-ઈવન ટ્રાફિક નિયમ લાગુ કરવામાં આવ્યો હતો.

(3:31 pm IST)