Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

બોન્ડ, ગોલ્ડ અને શેરની માફક ક્રિપ્ટોકરન્સીને એસેટ કલાસનો દરજ્જો મળે તેવી સંભાવના

ઈ-કોમર્સની શ્રેણીમાં સામેલ થઈ શકે છે ક્રિપ્ટો એક્ષચેન્જઃ ક્રિપ્ટોકરન્સીમાં સતત રોકાણ વધી રહ્યુ છે

નવી દિલ્હી, તા. ૧૮ :. સરકાર ક્રિપ્ટોકરન્સી એક્ષચેન્જને ઈ-કોમર્સ પ્લેટફોર્મના રૂપમાં વર્ગીકૃત કરવા ઉપર વિચાર કરી રહી છે. સાથોસાથ આના ઉપર જીએસટી અંતર્ગત ટેકસ એટ સોર્સ (ટીસીએસ) લગાવી શકાય છે કે નહિ ? તેના ઉપર પણ નજર દોડાવી રહી છે.

સરકાર જો ક્રિપ્ટોકરન્સીને રેગ્યુલેટ કરવાનો ફેંસલો લેશે તો વર્ચ્યુલ કરન્સીની લેવડદેવડ ઉપર નિયંત્રણ રાખી શકે છે. અહેવાલ મુજબ સરકાર ક્રિપ્ટોકરન્સીને કરન્સીનો દરજ્જો નહિ આપે, પરંતુ તેને ગોલ્ડ, બોન્ડ અને શેરની માફક એસેટ કલાસ અંતર્ગત રાખી શકે છે. ક્રિપ્ટોકરન્સીને રેગ્યુલેટ કરવાનો ખાસ ફેંસલો શિયાળુ સત્ર દરમિયાન સરકાર લઈ શકે છે. રીપોર્ટ મુજબ નાણા મંત્રાલય, સૂચના પ્રસારણ મંત્રાલય અને કાનૂન મંત્રાલયે આ માટેની રૂપરેખા તૈયાર કરી લીધી છે.

નાણા મંત્રાલયમાં ક્રિપ્ટોકરન્સીના ખરીદ-વેચાણ, વિનીમય, હસ્તાંતરણ, આપુરતી અને સ્ટોક ઉપર ૧૮ ટકા જીએસટી લગાવવા સંબંધે ચર્ચા થઈ છે. જેની વસુલી રોકાણકારો પાસેથી કરવામાં આવશે.

એક્ષચેન્જોને ૩ શ્રેણીમાં વહેંચવાનો પ્રસ્તાવ છે. જે સુવિધા, બ્રોકરેજ અને ટ્રેડીંગ પ્લેટફોર્મના રૂપમાં કામ કરશે. બ્રોકરેજ ખરીદ અને વેચાણની સેવા આપશે. ટ્રેડીંગ પ્લેટફોર્મ કારોબાર માટે ઈન્ટરફેસ પુરો પાડશે. તેને જીએસટી પ્રણાલી અંતર્ગત નોંધણી કરાવવી પડશે અથવા પોતાના પ્લેટફોર્મ મારફતે ક્રિપ્ટોકરન્સી ખરીદવા અને વેચવાવાળા પાસેથી ટીસીએસ વસુલવો પડી શકે છે. ઉલ્લેખનીય છે કે ક્રિપ્ટોકરન્સીમાં સતત રોકાણ વધી રહ્યુ છે. ૧૦.૫ કરોડ ભારતીય નાગરિકો અત્યાર સુધીમાં રોકાણ કરી ચૂકયા છે. ૭.૯ ટકા ભારતીય પાસે કોઈને કોઈ રીતે ક્રિપ્ટોકરન્સી મોજુદ છે.

(12:19 pm IST)