Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

વાહ ભૈ વાહ... આધારની જેમ હવે જમીનનો પણ યુઆઇડી નંબર

જમીનના દસ્તાવેજમાં છેડછાડ કે કોઇપણ પ્રકારના ગોટાળા - કૌભાંડ રોકવા ગોઠવાઇ રહી છે મજબૂત વ્યવસ્થા : જમીનના દરેક ટુકડાને મળશે પોતાની ઓળખ : આ વર્ષના અંત સુધીમાં બધા રાજ્યોમાં આ વ્યવસ્થા લાગુ થઇ જશે : ૧૯ રાજ્યોમાં પાઇલોટ પ્રોજેકટ સફળ રહ્યો : ૧૩ રાજ્યોના ૭ લાખ વિસ્તારોમાં યુઆઇડી જારી થયા

નવી દિલ્હી તા. ૧૮ : જમીનના દસ્તાવેજમાં છેડછાડ અથવા કોઇપણ પ્રકારના ગોટાળાઓ રોકવાના નક્કર ઉપાયો કરાઇ રહ્યા છે. જમીન દસ્તાવેજને ડીજીટલ કરવાની સાથે જ તેને ઓનલાઇન કરી દેવાયા છે. આધાર નંબરની જેમ બધા જમીન માલિકોને ખાસ ભૂખંડ ઓળખ નંબર (યુએલપીઆઇએન) આપવામાં આવશે, જે બધી બેંકો અને સરકારી સંસ્થાઓ માટે પણ ઓનલાઇન ઉપલબ્ધ રહેશે. આનાથી જમીનના એક જ ટુકડાને કેટલાય લોકોના નામે બેનામી કરવાનું અથવા એક જ જમીન પર ઘણી બેંકો પાસેથી લોન લેવાનું અઘરૃં બનશે.

ગયા અઠવાડીયે કેન્દ્રીય ભૂસંસાધન મંત્રાલયના રાષ્ટ્રીય સંમેલનમાં બધા રાજ્યોના રેવન્યુ મીનીસ્ટરોની ઉપસ્થિતિમાં જમીન દસ્તાવેજને પૂર્ણપણે પારદર્શી અને ત્રુટીરહિત બનાવવા પર વિચાર કરાયો. આ વર્ષના અંત સુધીમાં આ વ્યવસ્થાને બધા રાજ્યોમાં લાગુ કરી દેવાશે. યુએલપીઆઇએન જાહેર થવાથી વિવાદની ગુંજાશ નહીં રહે.

ઓળખ નંબર અક્ષાંસ અને રેખાંશના આધાર પર બનાવવામાં આવશે. પહેલા તો ગામને યુનિટ ગણીને બધા પ્રકારની રજીસ્ટ્રીમાં દોહરાવાતો હતો. ચૌદહી અનુસાર, ઘરનો રેકોર્ડ તૈયાર કરાતો હતો જેના પર વિવાદ ઉભા થતા રહેતા હોય છે. યુએલપીઆઇએનથી આવી ગરબડો બંધ થશે અને કેસો ઘટશે. ડીજીટલ ઇન્ડીયા લેન્ડ રેકોર્ડ મોડર્નાઇઝેશન પ્રોગ્રામની શરૂઆત આમતો ૨૦૦૮માં થઇ હતી પણ ૨૦૧૬માં ડીજીટલ અભિયાન પછી તેને ગતિ મળી હતી.

દેશના ૧૩ રાજ્યોમાં ૭ લાખ ભૂખંડોને યુનિક આઇડી નંબર આપી દેવાયા છે. ૧૯ રાજ્યોમાં તેનો પાયલોટ પ્રોજેકટ સફળતા પૂર્વક થઇ ચૂકયો છે. આ અંગે પત્રકારો સાથેની વાતચીતમાં કેન્દ્રીય ભૂમિ સંસાધન અને ગ્રામીણ વિકાસ મંત્રી ગિરિરાજસિંહે કહ્યું, 'ખાસ ઓળખ નંબર મળવાથી અચલ સંપત્તિ અને જમીનોમાં થતી છેતરપિંડી ઓછી થશે. બેનામી લેવડ દેવડ રોકાશે. યુએલપીઆઇએન વગર જમીનનું રજીસ્ટ્રેશન કરવું કે કરાવવું શકય નહીં બને. જમીનો પર લોન લેવા માટે કોઇ ખોટું નહીં કરી શકે.'

કોમ્પ્યુટરાઇઝેશનનું કામ લગભગ પુરૃં

જમીનના દસ્તાવેજોનું કોમ્પ્યુટરાઇઝેશનનું કામ ૯૪ ટકા જેટલું પુરૃં થઇ ગયું છે. દેશની કુલ ૫૨૨૦ રજીસ્ટ્રી ઓફિસોમાંથી ૪૮૮૩ને ઓનલાઇન પણ કરી દેવાઇ છે. ભૂમિ સંસાધન મંત્રાલયના આંકડાઓ અનુસાર, દેશના કુલ ૬.૫૬ લાખ ગામોમાંથી ૬.૦૮ લાખ ગામોના જમીન રેકોર્ડને ડીજીટલ કરીને વેબ પોર્ટલ પર મુકી દેવાયો છે. જે સામાન્ય લોકો માટે પણ ઉપલબ્ધ કરી દેવાયો છે.

ખોટા ધક્કા નહીં થાય : ગિરિરાજસિંહ

કેન્દ્રીય પ્રધાન ગિરિરાજસિંહે જણાવ્યું કે, પહેલા જમીનની વિગતો મેળવવા માટે રેવન્યુ ઓફિસના ધક્કા ખાવા પડતા હતા. દસ્તાવેજની કોપી મેળવવા માટે બીનજરૂરી પૈસા પણ ખર્ચવા પડતા હતા. જૂના રેકોર્ડ કાઢવા વધારે મુશ્કેલ હતા પણ હવે એવું નહીં થાય. શહેરોમાં રહેતા એવા લોકોને સુવિધા મળશે જેમની ગામડામાં જમીન છે. તેમના માટે રેકોર્ડ જોવા મોટા પડકારરૂપ હતા. હવે ઓનલાઇન રેકોર્ડસ સહેલાઇથી પ્રીન્ટ કરી શકાય છે.

(10:49 am IST)