Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

ડ્રેગનનો ભુટાનમાં પગપેસારો : ૧ વર્ષમાં ઉભા કર્યા ૪ ગામ

ભારત માટે ચિંતાની બાબત : ભુટાનની સરહદોની સુરક્ષા એક સીમિત સશસ્ત્ર દળ કરે છે

નવી દિલ્હી તા. ૧૮ : ભારત - ચીન સરહદી વિવાદ વચ્ચે ડોકલામ પાસે ચીન દ્વારા છેલ્લા ૧ વર્ષમાં ૪ ગામમાં ઉભા કરવાનો મામલો સામે આવ્યો છે. ભૂટાન અને ચીન વચ્ચે વિવાદીત સ્થળે આ ગામ વસાવવામાં આવ્યા છે.

ચીની સૈન્ય વિકાસ પર એક ગ્લોબલ રીસર્ચર દ્વારા ટવીટ કરાયેલ નવી તસ્વીરોમાં ભૂટાની વિસ્તારોમાં ચીન ગામોનું નિર્માણ દેખાઇ રહ્યું છે. આ વિસ્તાર ડોકલામની પાસે ભૂટાન અને ચીન વચ્ચે વિવાદીત ભૂમિ પર આવેલો છે, જ્યાં ૨૦૨૦ અને ૨૦૨૧ વચ્ચેના સમયમાં નિર્માણ ગતિવિધિઓ જોવા મળી હતી. હવે લગભગ ૧૦૦ ચોરસ કિમીના વિસ્તારમાં કેટલાય નવા ગામો ફેલાયેલા જોવા મળી રહ્યા છે. ચીન દ્વારા લેવાયેલ આ પગલું ભારત માટે વિશેષ રૂપે ચિંતાજનક છે, કેમકે ભુટાનની સરહદોની સુરક્ષા માટે ભારત ત્યાં એક સીમિત સશસ્ત્ર દળ રાખે છે.

ચીન - ભારત સરહદ પર ચીની સૈન્ય વિકાસ પર મુખ્ય ગ્લોબલ રિસર્ચરોમાંથી એક @detresfa એ પોતાના ટવીટમાં લખ્યું છે, 'ડોકલામ પાસે ભૂટાન અને ચીન વચ્ચેની વિવાદીત ભૂમિ ૨૦૨૦-૨૧ વચ્ચે નિર્માણ ગતિવિધિ દર્શાવે છે. લગભગ ૧૦૦ ચોરસ કીલોમીટર વિસ્તારમાં નવા ગામો ફેલાઇ ગયા છે. શું આ એક નવી સમજૂતિ અથવા ચીનના ક્ષેત્રીય દાવાઓને લાગુ કરવાનો ભાગ છે ?'

ગામોનું નિર્માણ મે ૨૦૨૦ અને નવેમ્બર ૨૦૨૧ વચ્ચે કરાયું હતું અને એ ભૂટાન અને ચીન વચ્ચે થયેલ એક સમજૂતિ દરમિયાન થયું હતું. ભારતે થ્રી સ્ટેપ રોડમેપ પર કડક પ્રતિક્રિયા આપતા કહ્યું 'અમે આજે ભૂટાન અને ચીન વચ્ચે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે.'

ભુટાન ઉપરાંત અરૂણાચલ નજીક વિવાદીત વિસ્તારમાં ચીને ૧૦૦ ઘરો સાથેનું ગામ ઉભુ કર્યાના અહેવાલો મળ્યા હતા ભારતને આ મંજુર નથી.

(10:08 am IST)