Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

ન્યુઝીલેન્ડે 165 રનનો ટાર્ગેટ રાખ્યો : ગુપ્ટીલ અને ચૈપમેનએ ફિફટી ફટકારી : ભૂવી-અશ્વિનની 2-2 વિકેટ

ગુપ્ટીલે 4 છગ્ગા અને 3 ચોગ્ગા સાથે 42 બોલમાં 70 રન ઝૂડ્યા : ચૈપમેને 50 બોલમાં 63 રન ફટકાર્યા

જયપુર :ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે આજ થી T20I સિરીઝની શરુઆત થઇ છે. જયપુરના સવાઇ માનસિંહ સ્ટેડિયમ ખાતે સિરીઝની પ્રથમ મેચ રમાઇ રહી છે. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને ફિલ્ડીંગ પસંદ કરી હતી. આમ કિવી ટીમે ટોસ હારીને બેટીંગની શરુઆત કરી હતી. ન્યુઝીલેન્ડની ટીમની ઓપનીંગ જોડી તૂટ્યા બાદ પણ માર્ટિન ગુપ્ટીલ અને માર્ક ચૈપમેને અર્ધશતક નોંધાવી સાથે 109 રનની ભાગીદારી રમત રમી હતી. કિવી ટીમે 20 ઓવરના અંતે 6 વિકેટે 164 રનનો સ્કોર કર્યો હતો.

માર્ટિન ગુપ્ટીલ અને ડેરિલ મિશેલની જોડી પ્રથમ ઓવરમાં જ તૂટી ગઇ હતી. મિશેલ ભૂવનેશ્વરના બોલને સમજવામાં થાપ ખાઇ જતા ક્લીન બોલ્ડ થયો હતો. તે ગોલ્ડન ડક વિકેટ ગુમાવી બેઠો હતો. જોકે બાદમાં ચૈપમેન અને ગુપ્ટિલે રમતને સંભાળી હતી. બંને એ શરુઆતમાં સુરક્ષીત અને બાદમાં મક્કમતા પૂર્ણ રમત રમી હતી. બંને એ રમતના બાકીની 10 ઓવરમાં રનની ગતીને તેજ બનાવી હતી

ગુપ્ટીલે 70 રનની શાનદાર ઇનીંગ રમી હતી. તેણે 4 છગ્ગા અને 3 ચોગ્ગા વડે 42 બોલમાં આ ઇનીંગ રમી હતી. ચૈપમેને 50 બોલમાં 63 રન નોંધાવ્યા હતા. તેણે 2 છગ્ગા અને 6 ચોગ્ગા નોંધાવ્યા હતા. આમ કિવી ટીમે ગુપ્ટીલ અને ચૈપમેનના અર્ધશતકના બળે જ ભારત સામે પડકારજનક સ્કોર ખડકી શકી હતી. ગ્લેન ફિલીપ અશ્વિન બોલ પર શૂન્યમાં જ ક્લીન બોલ્ડ વિકેટ ગુમાવી હતી. ટીમ શિફર્ટે 12 રન અને રચિન રવિન્દ્ર એ 7 રન નોંધાવ્યા હતા.

રવિચંદ્રન અશ્વિને શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. તેણે 2 મહત્વની વિકેટ ઝડપી ને કિવી ટીમને નિયંત્રણમાં રાખવા માટે પ્રયાસ કર્યો હતો. તેણે 23 રન આપ્યા હતા. ભૂવનેશ્વર કુમારે 4 ઓવરમાં 24 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. તેણે ઓપનીંગ જોડીને પ્રથમ ઓવરમાં જ તોડી દીધી હતી. દિપક ચાહરે 4 ઓવરમાં 42 રન લુટાવ્યા હતા અને બદલામાં એક વિકેટ મેળવી હતી. સિરાજે એક વિકેટ ઝડપી હતી. અક્ષર પટેલે 4 ઓવરમાં 31 રન આપ્યા હતા. પરંતુ તેને વિકેટ મળી શકી નહોતી

(12:00 am IST)