Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

પરમાણુ સક્ષમ શાહીન-૧નું પાકિસ્તાન દ્વારા પરીક્ષણ થયું

૬૫૦ કિલોમીટર સુધી ત્રાટકવામાં મિસાઇલ સક્ષમ : બે દિવસ પહેલા ભારતના અગ્નિ-૨ બેલાસ્ટિક મિસાઇલ પરીક્ષણ બાદ પાકિસ્તાને પણ શાહીન-૧નું કરેલું પરીક્ષણ

ઇસ્લામાબાદ, તા. ૧૮ : પાકિસ્તને આજે જમીનથી જમીન પર પ્રહાર કરનાર શાહીન-૧ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું હતું. પરમાણુ હથિયારોને લઇને ત્રાટકવામાં સક્ષમ આ મિસાઇલની ક્ષમતા ૬૫૦ કિલોમીટરની રહેલી છે. પાકિસ્તાની સેનાના પ્રવક્તા મેજર જનરલ આશીફ ગફુરે ટ્વિટ કરીને કહ્યું છે કે, આ મિસાઇલનું પરીક્ષણ પાકિસ્તાની સેનાના સ્ટ્રેટેજીક ફોર્સ કમાન્ડ દ્વારા કરવામાં આવ્યું હતું. આ મિસાઇલ હત્ફ-૪ મિસાઇલના નામથી પણ ઓળખવામાં આવે છે. ગફુરે મિસાઇલનો એક વિડિયો પણ જારી કર્યો છે અને કહ્યું છે કે, આ મિસાઇલ પરીક્ષણનો ઉદ્દેશ્ય પાકિસ્તાની સેનાના કમાન્ડની ઓપરેશન તૈયારીઓને ચકાસવાનો રહેલો છે. આના મારફતે પાકિસ્તાનની વિશ્વસનીય લઘુત્તમ પ્રતિરોધ ક્ષમતાની ચકાસણી કરવામાં આવી છે. પાકિસ્તાનની આ મિસાઇલની હદમાં ભારતના લગભગ તમામ વિસ્તાર આવી શકે છે. આ મિસાઇલનું પરીક્ષણ ક્યાં કરવામાં આવ્યું છે તે સંદર્ભમાં હજુ સુધી કોઇપણ પ્રકારની માહિતી આપવામાં આવી નથી.

                     આ પહેલા પાકિસ્તાને ઓગસ્ટ મહિનામાં ગજનવી મિસાઇલનું પરીક્ષણ કર્યું હતું. બે દિવસ પહેલા જ ભારતે ૨૦૦૦ કિલોમીટર સુધી ત્રાટકવામાં સક્ષમ અગ્નિ-૨ બેલાસ્ટિક મિસાઇલનું પરીક્ષણ કર્યું હતું. પરમાણુ હથિયારો લઇ જવામાં સક્ષમ આ મિસાઇલ પરીક્ષણ રાત્રિના સમયગાળા દરમિયાન કરવામાં આવ્યું હતું. આ મિસાઇલનું ગયા વર્ષે પણ પરીક્ષણ કરવામાં આવ્યું હતું પરંતુ પ્રથમ વખત રાત્રિ ગાળા દરમિયાન મિસાઇલ પરીક્ષણ કરવામાં આવ્યું છે. ન્યુક્લિયર હથિયારોને લઇ જવામાં સક્ષમ આ મિસાઇલની રેંજને જરૂર મુજબ ૩૦૦૦ કિલોમીટર સુધી વધારી શકાય છે.ભારતે પ્રથમ વખત રાત્રિ ગાળામાં મિસાઇલનું પરીક્ષણ કરીને પોતાની કુશળતાને દર્શાવી હતી.

(7:33 pm IST)