Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

ગૃહમાં હાજરીની ફારુક અબ્દુલ્લાને મંજુરી આપવા માટે માંગ

લોકસભામાં ફારુક અબ્દુલ્લાનો મુદ્દો વિરોધ પક્ષોએ ઉઠાવ્યો : ગાંધી પરિવાર અને મનમોહનસિંહની સુરક્ષાને ખેંચવાનો મુદ્દો પણ છવાઈ ગયો : પ્રથમ દિવસે જ કોંગ્રેસના પ્રહારો

નવીદિલ્હી, તા. ૧૮ : લોકસભાના વર્તમાન સાંસદ ફારુક અબ્દુલ્લાની અટકાયતના મુદ્દે સરકાર ઉપર આકરા પ્રહાર કરીને વિપક્ષી સભ્યોએ આજે નેશનલ કોન્ફરન્સના નેતાની અટકાયતને ગેરકાયદે ગણાવી હતી. સાથે સાથે માંગ કરી હતી કે, ફારુક અબ્દુલ્લાને ગૃહમાં હાજરી આપવા માટે મંજુરી મળવી જોઇએ. શિયાળુ સત્ર શરૂ થયા બાદ આજે લોકસભામાં ફારુક અબ્દુલ્લાનો મામલો ચમક્યો હતો.  વિપક્ષી નેતાઓએ જમ્મુ કાશ્મીરની મુલાકાત લેવા મંજુરી નહીં આપવાના સાંસદોના મુદ્દાને પણ ઉઠાવ્યો હતો. જમ્મુ કાશ્મીરને ખાસ દરજ્જો આપનાર કલમ ૩૭૦ની નાબૂદી બાદ સાંસદોને જમ્મુ કાશ્મીર જવાની મંજુરી મળી રહી નથી જ્યારે યુરોપના સંસદ સભ્યોને તક આપવામાં આવી છે. કોંગ્રેસના નેતા અધિરરંજન ચૌધરીએ આ મુદ્દો ઉઠાવ્યો હતો અને પીયુ પ્રતિનિધિમંડળને ભાડાના ટટ્ટુ તરીકે ગણાવીને વિરોધ કર્યો હતો. ચૌધરીએ કહ્યું હતું કે, અમારા નેતા રાહુલ ગાંધીને જમ્મુ કાશ્મીર જવાની મંજુરી આપવામાં આવી ન હતી.

                   કેટલાક સાંસદોને પણ પરત મોકલવામાં આવ્યા હતા જ્યારે યુરોપના સાંસદોને તક આપવામાં આવી હતી. આ બાબત તમામ સાંસદોના અપમાન તરીકે છે. આ સંદર્ભમાં શાસક પક્ષે જવાબ આપવો જોઇએ. અબ્દુલ્લાની અટકાયત અંગે તેમણે કહ્યું હતું કે, છેલ્લા ૧૦૬ દિવસથી ફારુક અબ્દુલ્લા અટકાયત હેઠળ છે અને ગૃહમાં હાજરી આપવાનો તેમનો બંધારણીય અધિકાર રહેલો છે.

                   શૂન્ય કલાક દરમિયાન આ મુદ્દો ઉઠાવતા ચૌધરીએ કહ્યું હતું કે, જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રીને લોકસભાની કાર્યવાહીમાં હાજરી નહીં આપીને અત્યાચાર કરવામાં આવી રહ્યો છે. સ્પીકરે કહ્યું હતું કે, જ્યારે ગૃહમંત્રી અમિત શાહ દ્વારા અગાઉના સત્રમાં ગૃહમાં માહિતી આપી હતી ત્યારે અબ્દુલ્લા અટકાયત હેઠળ ન હતા. ડીએમકેના નેતા ટીઆર બાલુ દ્વારા આ મામલામાં બિરલાની દરમિયાનગીરીની માંગ કરી હતી. મનમોહનસિંહ અને ગાંધી પરિવારની એસપીજી સુરક્ષાને પરત ખેંચી લેવાનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો.

(7:27 pm IST)