Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

આશા અને અપેક્ષા વચ્ચે સંસદનું શિયાળુ સત્ર વિધિવતરીતે શરૂ થયું

લોકસભા અને રાજ્યસભામાં અરૂણ જેટલી, સુષ્મા સ્વરાજ, રામ જેઠમલાણીને શ્રદ્ધાંજલિ : દિલ્હી ભાજપના સાંસદ મનોજ તિવારી સાયકલ લઇ સંસદ ભવનમાં પહોંચ્યા આજથી સંવેદનશીલ અને મહત્વપૂર્ણ મુદ્દાઓ છવાઈ જાય તેવી પ્રબળ શક્યતા

નવીદિલ્હી, તા. ૧૮ : અનેક પ્રકારની અપેક્ષાઓ, ઉત્સુકતા અને આશા વચ્ચે સંસદનુ શિયાળુ સત્ર આજે શરૂ થયુ હતુ. સત્રના પ્રથમ દિવસે લોકસભા સ્પીકર ઓમ બિરલાએ પૂર્વ પ્રધાનો અને તાજેતરના સમયમાં અવસાન પામેલા અરૂણ જેટલી, સુષ્મા સ્વરાજ અને રામ જેઠમલાણીને શ્રદ્ધાંજલિ આપી હતી. બીજી બાજુ રાજ્યસભામાં કાર્યવાહી શરૂ થતાની સાથે જ  જેટલી, સુષ્મા સ્વરાજ, સુખદેવ સિંહ રામ જેઠમલાણી, ગુદુદાસ ગુપ્તાને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. પ્રથમ દિવસે કેટલાક સાંસદો જુદા જુદા અંદાજમાં સંસદમાં પહોંચ્યા હતા જેના ભાગરુપે દિલ્હી ભાજપના સાંસદ મનોજ તિવારી સાયકલ લઇને સંસદ પહોંચ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર પ્રચંડ બહુમતિ સાથે બીજી વખત સત્તામાં આવ્યા બાદ આ બીજુ સંસદ સત્ર છે. પ્રથમ સત્ર ખુબ જ ફળદાયી રહ્યું હતું જેમાં ત્રિપલ તલાક, નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સીને વધુ સત્તાઓ આપવા સંબંધિત બિલ પાસ કરવામાં આવ્યા હતા.

                  ઉપરાંત જમ્મુ કાશ્મીરને ખાસ દરજ્જો આપતી કલમ ૩૭૦ની નાબૂદી પણ કરવામાં આવી હતી. આ વખતે જટિલ સિટિઝનશીપ સુધારા બિલ પાસ કરવા માટે સરકાર તૈયાર છે. ભાજપના ચાવીરુપ મુદ્દા તરીકે આને જોવામાં આવે છે. જુદા જુદા પડોશી દેશોમાંથી આવેલા બિન મુસ્લિમ શરણાર્થીઓને નાગરિકતા આપવાની આમા યોજના રહેલી છે. સરકારે અગાઉની અવધિમાં આ બિલ રજૂ કર્યું હતું પરંતુ વિરોધ પક્ષો તરફથી જોરદાર વિરોધ પ્રદર્શનના કારણે આ બિલ પાસ થયુ ન હતુ.  પ્રથમ સત્રમાં બંને ગૃહોમાં ચાવીરુપ ખરડા પાસ કરવામાં આવ્યા હતા જેમાં એક ત્રિપલ તલાકની પ્રથાને લઇને બિલ અને અન્ય નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સીને વધુ સત્તાઓ આપવા સાથે સંબંધિત બિલ રહ્યું હતું. બંને ગૃહોમાં પ્રથમ સત્ર દરમિયાન જમ્મુ કાશ્મીરને ખાસ દરજ્જો આપનાર કલમ ૩૭૦ની નાબૂદીનું બિલ પણ પાસ કરવામાં આવ્યું હતું. સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ લોકસભામાં રજૂ કરવા માટે ૨૨ બિલ લિસ્ટ કરવામાં આવ્યા છે.

                આની સાથે સાથે સ્ટેન્ડિંગ કમિટી અને રાજ્યસભામાં રજૂ કરવાની પણ તૈયારી કરવામાં આવી છે. સંસદમાં વિપક્ષી દળો કાશ્મીરની સ્થિતીને લઇને સરકારને ઘેરવાના મુડમાં દેખાઇ રહ્યા છે.વિપક્ષી દળો જમ્મુ કાશ્મીરને ખાસ દરજ્જો આપતી કલમ ૩૭૦ની નાબુદી બાદથી ત્યાં ઉભી થયેલી સ્થિતી પર ચર્ચા કરવા માટે માંગ કરી શકે છે. આની સાથે  અર્થવ્યવસ્થાનો મુદ્દો પણ છવાયેલો રહે તેવી શક્યતા છે. રિઝનલ કોમ્પ્રેહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશીપને લઇને ભારતના વલણનો મુદ્દો પણ સત્ર દરમિયાન ચમકી શકે છે. સંસદના શિયાળુ સત્રની શરૂઆત  કરવામાં આવ્યા બાદ ડિસેમ્બરના અંત સુધી સત્ર ચાલનાર છે. નાગરિક સુધારા બિલ હેઠળ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી આવેલા શરણાર્થી  લોકોને નાગરિકતા આપવામાં આવી શકે છે. નાગરિક સુધારા બિલ હેઠળ હિન્દુ શિખ, ખ્રિસ્તી, બૌદ્ધ અને પારસી શરણાર્થી જે પાકિસ્તાન, બાગ્લાદેશ, અને અફઘાનિસ્તાનમાંથી આવ્યા છે અને જે લોકો છ વર્ષ કરતા વધારે સમયથી રહે છે તે તમામ લોકોને નાગરિકતા આપવા માટેની યોજના તૈયાર કરવામાં આવી ચુકી છે.

(7:22 pm IST)