Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

પ્રદૂષણ બાદથી દિલ્હીમાં પાણી પ્રશ્ને હોબાળો શરૂ

કેન્દ્રના રિપોર્ટને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો પડકાર

નવી દિલ્હી, તા.૧૮ : દિલ્હીમાં પ્રદૂષણ અને ઓડ ઇવન બાદ હવે પાણીને લઇને રાજકીય ઘમસાણની શરૂઆત થઇ ચુકી છે. દિલ્હીના પાણીને કેન્દ્રીયમંત્રી રામવિલાસ પાસવાને સૌથી ખરાબ તરીકે ગણાવ્યા બાદ આને લઇને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ વળતા પ્રહાર કર્યા છે. પાસવાને દિલ્હીના પાણીને પીવાલાયક નહીં હોવાનું કહીને વિવાદ જગાવ્યો છે. મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યું છે કે, દિલ્હીના પાણીની ગુણવત્તા ખુબ શાનદાર છે. કેજરીવાલે પાણી ઉપર રાજનીતિ કરવાને લઇને મોદી સરકારને પડકાર ફેંક્યો છે. મુખ્યમંત્રીનું કહેવું છે કે, હાલમાં ઓડ ઇવનને વધારવાની કોઇ જરૂર દેખાઈ રહી નથી. કેજરીવાલે એવી સ્પષ્ટતા પણ કરી છે કે, હવે દિલ્હીમાં ઓડ ઇવનને વધારવામાં આવશે નહીં. મુખ્યમંત્રીનું કહેવું છે કે, આસમાન હવે સ્પષ્ટ થઇ ચુક્યું છે જેથી આની જરૂર દેખાઈ રહી નથી. કેજરીવાલનું કહેવું છે કે, કેન્દ્ર સરકાર દ્વારા જારી રિપોર્ટ ખોટા પ્રચાર કરવાના હથિયાર તરીકે છે. પાણીને લઇને રાજનીતિ થઇ રહી છે. ૧૧ જગ્યાના સેમ્પલના આધાર પર કોઇ શહેરને પાણીને ખરાબ તરીકે ગણી શકાય નહીં. એમ કહેવામાં આવી રહ્યું નથી કે ક્યાંથી સેમ્પલ લેવામાં આવ્યા છે. જળ બોર્ડના રિપોર્ટમાં બે ટકાથી પણ ઓછા સેમ્પલ ફેઇલ થયા છે. સરકારના સર્વેના આધાર પર સ્વચ્છ પાણીને લઇને ૨૧ શહેરોના રેંકિંગ જારી કરાયા છે.

(7:31 pm IST)