Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

હવાલદારે ચાલતી મોટર સાઇકલ પર નિસરણીની ટોચે રહીને ચાર કલાકથી વધુ સમય સુધી સવારી કરી

ભોપાલ તા. ૧૮: ભારતીય લશ્કરના હવાલદારે શુક્રવારે ચાલતી મોટર સાઇકલ પર મુકાયેલી સીડીની ટોચ પર ચાર કલાક કરતાં વધુ સમય બેસીને ૧ર૮ કિલોમીટરનું અંતર કાપવાનો વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. જોકે તેનો આ પ્રયાસ હજી સુધી રેકોર્ડ-બુકમાં નોંધાયો નથી. ભારતીય લશ્કરના કોર્પ ઓફ સિગ્નલ્સની 'જાંબાઝ' મોટર સાઇકલ ડિસ્પ્લે ટીમ સાથે જોડાયેલા હવાલદાર સંગ્રામ કેસરી જેનાએ મધ્ય પ્રદેશના જબલપુર શહેરમાં ટ્રેઇનિંગ સેન્ટરમાં આ કરતબના પ્રયાસ કર્યો હતો.

૩૩ વર્ષનો હવાલદાર સંગ્રામે મોટર સાઇકલ પર મુકાયેલી ૧૧ ફીટ ઉંચી સીડીની ટોચ પર ઊંધા બેસીને આ સાહસ કર્યું હતું. તેનું કહેવું છે કે હું દરરોજ કલાકેક પ્રેકટિસ કરતો હતો અને ઘણી વાર પડયો પણ છું. જોકે મારા પરિવાર અને જાંબાઝની મારી ટીમે મને સતત પ્રયાસ કરવાનું જોમ પૂરૃં પાડયું હતું.

ભારતીય લશ્કર હવાલદાર સંગ્રામનો આ પ્રયાસ સત્તાવાર રીતે રેકોર્ડમાં નોંધાવવા માટે સર્ટિફાઇડ રેકોર્ડ લિમકા બુક ઓફ રેકોર્ડ્સ, એશિયા બુક ઓફ રેકોર્ડ્સને મોકલશે. હવાલદાર સંગ્રામના આ પ્રયાસ વખતે મધ્ય પ્રદેશ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સંજય યાદવ અને સુજોય પોલ, લેફટેનન્ટ જનરલ રાજીવ સભરવાલ અને લશ્કરના ટોચના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(3:34 pm IST)