Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

ભારત પાકની સરહદ પર તીડના ટોળાનું જોર વધ્યુ

અત્યાર સુધીમાં સૌથી મોટુ કમઠાણ : યુએનએ પણ ચિંતા વ્યકત કરી : ગભરાઇ ગયેલા પાકિસ્તાને ભારત સાથેની બેઠક રદ કરી નાખી : વિમાન મારફત તીડ નાશક દવાનો છંટકાવ શરૂ કરાયો : ભારતમાં મૈલાથીન પેસ્ટીસાઇડનો છાંટકાવ સતત ચાલુ : ઇથોપિયામાં પણ મુશ્કેલી : યમન, સાઉદી અરબ, સોમાલીયા સહીતના દેશોમાં પણ તીડ દેખાયા

જોધપુર તા. ૧૮ : ભારત અને પાકિસ્તાનની સરહદ પર ફરી તીડના ટોળે ટોળા ઉતરી આવતા બન્ને દેશો સજાગ થઇ ગયા છે. પાકિસ્તાને તો તેના અંદરના ભાગે વિમાન મારફત તીડ નાશક દવાઓનો છંટકાવ શરૂ કરી દીધો છે.

પાકિસ્તાનના હિસ્સામાં રહેલા તીડ ભરતમાં ઘુસે તે પહેલા જ ખાત્મો બોલાવી દેવા ભારતે પણ પ્રાથમિક પગલાઓ શરૂ કરી દીધા છે.

અત્યાર સુધીમાં તીડનો આ સૌથી મોટો હુમલો ગણાવાય રહ્યો હોય યુએનએ પણ ચિંતા વ્યકત કરી છે. સંયુકત રાષ્ટ્ર સંઘ એવં કૃષિ સંગઠન (એફએઓ) એ પરિસ્થિતીને પારખીને એક જ મહીનામાં બીજુ બુલેટીન બહાર પાડવાની જરૂર પડી હતી.

આ દરમિયાન પાકિસ્તાન અને ભારતના તીડ નિયંત્રણ અધિકારઓએ ખોખરાપારમાં ૨૧ નવેમ્બરે એક બેઠક બોલાવી હતી. પરંતુ તીડના હુમલાથી ગભરાઇ ગયેલા પાકિસ્તાને આ બેઠક હાલ રદ કરી દીધી છે. સંભવત ડીસેમ્બરના પહેલા અઠવાડીયામાં બેઠક યોજાય તેવી સંભાવનાઓ વ્યકત થઇ છે.

ભારતના બાડમેર બોર્ડર પર પરિસ્થિત થોડી વધુ ચિંતાજનક છે. તીડ રાજસ્થાનમાં પ્રવેશી કચ્છ તરફ પગપેસારો કરે તેવી ગણત્રીઓ ધ્યાને લઇ બચાવ કામગીર શરૂ કરી દેવામાં આવી છે. કચ્છના રણમાં તીડના ટોળા જોવા મળી રહ્યા છે.

બાડમેરની તારબંધી અંદર તીડ પ્રવેશી રહ્યા છે. એલ.ડબલ્યુ.ઓ.ના અધિકારીઓ તેમજ બી.એસ.એફ. દ્વારા તાલમેલ સાધીને  તીડની ઉત્પતીને ટાળવા સઘન પ્રયાસો ચાલી રહ્યા છે.

અત્યાર સુધીમાં બે લાખ તેર હજાર લીટર મૈલાથીન પેસ્ટીસાઇડ નો છંટકાવ કરાયો છે. ૨૧ મે થી અત્યાર સુધીમાં ૩ લાખ હેકટર ક્ષેત્રમાં તીડ નિયંત્રણ અભિયાન આદરાયુ છે. જો કે આ સ્થિતી જોઇને ઇથોપીયા પણ ચિંતીત છે. ઉત્તર આફ્રીકના આ દેશમાં પણ તીડ જોવા મળી રહ્યા છે. ખાસ કરીને વરસાદ ખુબ પડવાથી ઉભા પાકને તીડના નિશાનાથી કેમ બચાવવો ? તે અંગે પ્રયાસો થઇ રહ્યા છે. યમન, ઓમાન, સોમાલીયા, અલ્જીરીયા, લીબીયા, નાઇજર, મોરકકો, ઇરાન અને મોરીટઆનામાં પણ કેટલાક વિસ્તારોમાં તીડ ઉતરી આવ્યા છે.

(1:41 pm IST)