Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

દરેક વિષય પર ચર્ચા માટે સરકાર તૈયાર

સંસદ પરિસરમાં પીએમ મોદીનું સંબોધન દેશની એકતા, અખંડતા અને વિવિધતા સાથે જોડાયેલ

નવી દિલ્હી, તા.૧૮: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સંસદના શિયાળુસત્ર પહેલાં આશા વ્યકત કરી કે પાછલા સત્રની જેમ આ સત્રમાં પણ તમામ સભ્યોનો સકારાત્મક અને સક્રિય સહયોગ મળશે. સંસદ પરિસરમાં મીડિયા સાથે વાત કરતાં પીએમ મોદીએ કહ્યું કે ૨૦૧૯નું આ છેલ્લું સંસદ સત્ર છે. રાજયસભાનું ૨૫૦મું સત્ર છે. આ સત્ર દરમ્યાન ૨૬ તારીખના રોજ આપણો સંવિધાન દિવસ છે, આપણા સંવિધાનના ૭૦ વર્ષ થઇ રહ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે સરકાર દરેક વિષય પર ચર્ચા માટે તૈયાર છે.

પીએમ મોદીએ કહ્યું કે સંવિધાન દેશની એકતા, અખંડતા અને વિવિધતા સાથે જોડાયેલ છે. પાછલા દિવસોમાં તમામ પક્ષના નેતાઓને મળવાનો મોકો મળ્યો છે, જેમકે પાછલી વખત તમામ પક્ષોના સહયોગના લીધે ચાલી હતી એવું જ આ વખતે પણ થવાની આશા છે. દેશવાસીઓ માટે એક જાગૃતિની તક બની શકે છે.

પીએમ મોદીએ કહ્યું કે સરકાર તમામ મુદ્દા પર ખુલીને ચર્ચા ઇચ્છે છે, વાદ હોય, વિવાદ હોય કે તેની સાથે જ ગૃહની ચર્ચાને સમૃદ્ઘ બનાવા યોગદાન આપો. દરેક સફળતા આખા ગૃહની છે અને તમામ સાંસદ તેના હકદાર છે. આ વખતે પણ સકારાત્મક અને સક્રિય સહયોગની આશા છે. આશા કરું છું કે દેશની વિકાસ યાત્રાને, દેશને ગતિ આપવામાં સફળ રહેશે. તમામ સાંસદોને શુભકામનાઓ આપતા તમામને ધન્યવાદ.

આની પહેલાં સત્રની શરૂઆત પહેલાં રવિવારના રોજ સર્વદલીય બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સ્પષ્ટતા કરી હતી કે નિયમોની અંતર્ગત ગૃહમાં કોઇપણ મુદ્દા પર ચર્ચા માટે તૈયાર છે.

સંસદનું આ સત્ર ૧૮મી નવેમ્બરથી ૧૩મી ડિસેમ્બર સુધી ચાલશે, જેમાં ૨૮ બેઠકો થશે. સંસદમાં ૪૩ બિલ પેન્ડિંગ છે, ૧૨ બિલોને ગૃહ સમક્ષ મૂકવાના છે જો કે તે ચોમાસુ સત્રવાળા બિલ જ છે.

શકયતા છે કે સરકાર આ સત્રમાં રામમંદિર નિર્માણ માટે ટ્રસ્ટ બનાવનાર બિલ પણ લાવી શકે છે આ સિવાય નાગરિક સંશોધન બિલ પણ આ સત્રમાં સરકાર લાવશે. પરંતુ વિપક્ષ સરકારને દ્યેરવાની પૂરી તૈયારી કરી ચૂકયું છે. પછી તે અર્થતંત્રનો મુદ્દો હોય કે પછી ખેડૂતોની સમસ્યા.

(1:39 pm IST)