Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

સંતશાહીના સેવકરૂપે સર્જાયેલ રાજયતંત્રથી માંડીને પશ્ચિમ પ્રેરિત આત્મઘાતી પદ્ધતિ તરફની વિનાશયાત્રા

આર્યજીવન વ્યવસ્થામાં રાજવીઓનું ગૌરવવંતુ સ્થાન

ભારતના રાજા - મહારાજાઓ જગતની સૌથી પ્રાચીન અને ઉચ્ચ સંસ્કૃતિશીલ મહાઆર્ય પ્રજાનું એક ગૌરવરૂપ અંગ હતા, ને છે. હિંદ અથવા ભારતની મહાઆર્ય સંસ્કૃતિ અને ધર્મોની રક્ષાની જવાબદારી વર્તમાન રાજા - મહારાજાઓના પૂર્વજોએ સંભાળી હતી. પ્રજાનો તેમના ઉપર વિશ્વાસ હતો. તે જવાબદારી રાજા - મહારાજાઓએ પોતાના જાનના ભોગે પણ અદા કરી હતી. જેને પરિણામે આજે કરોડો વર્ષો બાદ પ્રજા હજુ પણ સંસ્કૃતિ અને ધર્મના સદ્દગુણોનો આસ્વાદ લઈ શકે છે. ભાડુતી લશ્કરને બદલે શુદ્ધ વીર્યવાન રાજાઓની અનેક રાણીઓથી જન્મેલા રાજય કુટુંબના વૃષભ સ્કંધ, ખાનદાન અને ખમીરવાળા રાજકુમારો ધર્મ અને સંસ્કૃતિ ખાતર પોતાના જાનનો ભોગ આપવામાં લેશ પણ અચકાયા નથી.

ભારતની આધ્યાત્મિક સંસ્કૃતિના - રાજયતંત્ર, સમાજતંત્ર, આર્થિકતંત્ર, વ્યાપારતંત્ર, કુટુંબજીવન, પૌરવાસ તરીકેનું નાગરીક જીવન અને વ્યકિતગત જીવન વગેરે અંગો છે, અને દરેક અંગની રચના અને બંધારણીય તંત્ર માનવ જાતના આધ્યાત્મિક વિકાસને જ અનુસરતુ, અને તેની ખાતર જ તે સર્વ અંગોનું અસ્તિત્વ નીપજાવવામાં આવ્યુ હતું.

આજે મુળથી પરિવર્તન કરી તે જ બધા અંગોને આંતરરાષ્ટ્રીય સ્વાર્થો અને આદર્શોના અંગભૂત બનાવવાનો વિશાળ કાર્યક્રમ હાથ ધરાયો છે. તે કાર્યક્રમની સફળતામાં રાજાઓ પણ એક આડખીલીરૂપ હોવાથી આંતરરાષ્ટ્રીય મુત્સદીઓએ રાજાઓને વહીવટમાંથી ખસેડવાની યુકિત કરી છે અને તેનો અમલ દેશમાં લોકશાહી ઉત્પન્ન કરી તે મારફત કર્યો છે.

ધર્મગુરૂઓ પ્રજાના માર્ગદર્શક હતા. બ્રાહ્મણો નિષ્ણાંત અમલદારો હતા. રાજાઓ પ્રજાને રાજયકીય સગવડ પૂરી પાડતા હતા. વેપારીઓ સર્વોપરી અર્થતંત્રના નિયામક હતા. કૌટુંબિક આગેવાનો રૂધીરની વૈજ્ઞાનિક આનુવાંશિક શુદ્ધિના રક્ષકો હતા. જ્ઞાતિના આગેવાનો સામાજીક પવિત્રતાના ચોકિયાત હતા. પટેલો અને શેઠો, તથા નગરશેઠો મહાપ્રજાની મહાજન સંસ્થાના આગેવાનો હોવા ઉપરાંત સંતોના માર્ગદર્શન મુજબ સ્થાનિક સંઘોના પ્રતિનિધિઓ હતા. આ જ કારણે રાજકુમારોના લગ્ન પ્રસંગે અને રાજયારોહણ મહોત્સવ પ્રસંગે તેમનું પહેલુ તિલક નગરશેઠને હાથે કરવાનો રિવાજ ચાલ્યો આવે છે. પટેલો મહાજન સંસ્થાના ગ્રામ્ય વિભાગના અધિકારીઓ હતા.

અને એ બધુ વિદેશી અમલદારોએ ચૂંથી નાખવાના પ્રયત્નો કરવા છતાં હજુ આજે પણ ઘણે અંશે વિદ્યમાન છે, અને પોતાની હિતસ્વિતા બતાવી રહેલ છે. આ રીતે વારસાથી જવાબદારી ઉપાડતા આવેલા સ્થાપિત હિતોના આગેવાનોના હાર્દિક ભોગોને આધારે આર્યમહાપ્રજા આજ સુધી ઐતિહાસિક અનેક ઉલટસુલટ પ્રસંગોમાંથી પસાર થતી આવી છે અને આજ સુધી પોતાનું વ્યકિતત્વ ટકાવી રહી છે.

ધર્મગુરૂઓ, રાજાઓ વગેરેનું સમૂહતંત્ર ભારતીય સંસ્કૃતિ અને ધર્મભાવનાઓ, તથા તેના ટકાવના મહત્વના પ્રતિકો, ધાર્મિક તથા વિશુદ્ધ સામાજીક હિતો જાળવવાને બંધાયેલુ છે, અને તે માટે પ્રજાનો તેઓના ઉપર વિશ્વાસ હતો ને છે. એ રીતે રાજા - મહારાજાઓ પણ વંશવારસીથી જવાબદારીથી બંધાયેલા હતા ને છે.

બ્રિટીશોએ ૩૫૦ વર્ષોના વહીવટના પરિણામે શિક્ષણ આપીને એક એવી દેશી ફોજ ઉપજાવી લીધી છે કે જેનું લક્ષ્ય હંમેશા આંતરરાષ્ટ્રીય મીઠી વાતો તરફ અને હિન્દની પ્રજાના મુળભુત હિતકારક પ્રતિકોના વિરોધમાં જ રમતુ હોય છે, અને તેના ક્ષણિક તથા કલ્પીત લાભોથી રાચતુ હોય છે. તેના વિનાશક તત્વ તરફ તેમનું લક્ષ્ય જતુ જ નથી. આંતરરાષ્ટ્રીય મુત્સદીઓ દરેક બાબતમાં એ વર્ગનો કાયમ ઉપયોગ કરે છે અને દરેક બાબતમાં તેમને આગળ રાખે છે. આ વર્ગને પાછળથી આંતરરાષ્ટ્રીય સ્વાર્થી યોજનાઓ મારફત વિદેશીઓનો ટેકો છે. અર્થાત્ એ વર્ગનો તેઓ સ્વયં, અને ભારતની પ્રજા તથા તેના આગેવાનો જોઈ ન શકે તેવી ખૂબીથી ઉપયોગ કરવામાં આવ્યો છે. આ તદ્દન વાસ્તવિક સત્ય છે. વચલા કાળમાં તે વર્ગના કેટલાકોને અમલદારો અને કેટલાકોને દેશના સંચાલકો બનાવાતા રહ્યા છે. આ વર્ગમાં મુખ્ય વકીલ વર્ગ હતો. આવા વકીલ વર્ગ અને તેમના કેટલાક અનુયાયીઓની બ્રિટીશ અમલદારોના ટેકાથી ચાલેલી હિલચાલોથી ડરી જઈ, અને તે હિલચાલને પોતાની વિરૂદ્ધની પ્રજાકીય હિલચાલ હોવાનુ ભ્રમણાથી માની લઈ, ડરકણ માણસ જેમ 'જાું ભેગુ પેતીયું ફેંકી દે' તેમ રાજવીઓ આર્ય રાજયતંત્રનો મહાન ભાર ફગાવી દઈને હાથ જોડીને બેસી ગયા. ત્રીજી પેઢીએ આવેલી આ માનસિક નબળાઈ હતી. જેના કારણે તેઓ વિદેશીઓની સ્વાર્થી જાળમાં ફસાઈ ગયા. આર્ય મહાપ્રજા ઉપર આફતના અસાધારણ વાદળા ઘેરાવાની ભૂમિકાઓ રચાઇ ગઈ.

અહિં પ્રશ્ન એ થાય છે કે ભારતના પ્રજાકીય હિત ધરાવતા સબળ અને લાગતાવળગતા ધર્મગુરૂઓ, પ્રજાના આગેવાનો વગેરેની રીતસરની સંમતિ વિના, સંમતિ લેવાનો પ્રયત્ન કર્યા વિના, રાજયો છોડી દેવામાં ભારતની આર્ય પ્રજાના વિશ્વાસના ભંગના આરોપમાંથી રાજા મહારાજાઓથી શી રીતે બચી શકાય તેમ છે?

રાજાઓના અધિકારનું વિસર્જન એ ભારતની મહાઆર્ય પ્રજાના તમામ સ્થાપિત હિતોના પ્રતિકોના વિસર્જનનો પાયો છે. આ રીતે મહાપ્રજાનું રક્ષણ કરનાર કરોડો વર્ષોના તંત્રને જોખમ પહોંચાડીને ભારતની મહાપ્રજાને યુરોપના આગેવાનોએ માત્ર વાવંટોળ જેવા ઉભા કરેલા જુદા જુદા વાદોના દાવાનળમાં હોમી દીધી છે. પ્રજાને મહા વડવાનળના ચક્રમાં ફસાવી દીધી છે. તેથી બહારની પ્રજાઓના ધાડેધાડા અહિં ઉતરી આવશે, અને તેમ થવાથી દેશનો ઉદય તો અમેરીકાની જેમ આસમાને પહોંચશે, પરંતુ અમેરીકા વગેરે દેશોની મુળ પ્રજાઓની જેમ જ હિન્દુ, મુસલમાન, પર્વતીય પ્રદેશોની પ્રજાના વિનાશના કાર્યક્રમમાં પણ ખૂબ પ્રગતિ આવશે.

રાજવીઓ બુદ્ધિમતી મહાઆર્ય પ્રજાના સંતાનો હતા, છતા તેમને આપવામાં આવેલી વધુ પડતી સુખ સગવડો, માનપાન અને ચાંદ, પદવીઓની હારમાળાઓથી તેઓ મલકાઈ જતા હતા. પરંતુ ત્યારે જ આજનું પરિણામ નિપજાવનારી સુરંગો તેમના સિંહાસનોની નીચે જ ગોઠવાતી જતી હતી. તે સુરંગ ફોડવાનું મજબૂત યંત્ર રિયાસતી ખાતુ પણ સંપૂર્ણ તૈયાર જ હતું. પરંતુ તેના ઉદ્દઘાટનની ક્રિયાનંુ ગૌરવભર્યુ માન ભડવીર સરદાર શ્રી વલ્લભભાઈ પટેલના ભાગ્યમાં લખાયુ હતું અને દેશ દેશાવરોમાં તેમના એ કાર્યનો યશ ગગનચુંબી બનાવવાનો હતો.

ભારતની પ્રજા સાચા રક્ષક બળોનું ચૂંટણી પ્રથા દ્વારા આ દેશના સંતોએ તમારા ઉપર સંસ્કૃતિની, ધર્મની, પ્રજાના રક્ષણની જે જવાબદારી મૂકી હતી, તે જવાબદારીના ભંગ માટે તમારી સામે ન્યાયસરના પગલા ભરી જવાબ કેમ ન માંગવો? રાજવીઓને આવો ધારદાર પ્રશ્ન પૂછી શકાય?

(આ પ્રશ્નનો ઉદ્દેશ દોષારોપણનો નથી, તેમના દૈવી કર્તવ્ય તરફ પાછા વળવાની પ્રેરણા કરવાનો છે!)

ભારત દેશને બીજા ટાપુઓની માફક શ્વેત પ્રજાઓની કાયમી વસવાટ માટેનું સંસ્થાન બનાવા માટે અને તેને અનુકુળ અત્રે ધરમૂળથી પલટો કરી નાખવા માટે હજુ પણ જે કંઈ સ્થાપિત હિતોના તત્વો અહિં જીવતા જાગતા છે. તેનુ વિસર્જન કરવા માટે વિદેશી શાસકો ભારતમાં વ્યાપક ચંૂટણી કરાવવાની ગોઠવણો કરતા ગયા છે. અર્થાત્ જેને આશરે ભારતની મહાપ્રજા આજ સુધી પોતાનું વ્યકિતત્વ અને અસ્તિત્વ ટકાવી રહી હતી, તે હિતોનું જુદા જુદા બહાના હેઠળ તેમને નબળા પાડીને વિસર્જન કરવાની તૈયારી હાલ ચાલે છે.

તે માટે સંસ્થાન નીતિને વેગ આપી શકે તેવો ભારતમાંથી જ શિક્ષણ આપીને એક વર્ગ તેઓએ ૩૫૦ વર્ષોના મહાપ્રયાસોને પરિણામે મેળવી લીધેલો છે. તેમની મારફત પોતાના આદર્શોને હિંદમાં વિકસાવવાની આંતરીક ગોઠવણો કરી લીધી છે અને તેને અનુકુળ આંતરરાષ્ટ્રીય નવી નવી હિલચાલો પણ ઘણા વખત પહેલા ગોઠવી રાખેલી છે. તેના એક પછી એક કાર્યક્રમો હવે બહાર આવતા જાય છે અને તેમાં ભારતની નવી સરકારનો સહયોગ લેવાતો જાય છે. તે કાર્યક્રમોનો જેમ જેમ અમલ થતો જાય, તેમ તેમ દેશનો ઉદય વધવા છતા, પ્રજાનું એક પ્રકારનંુ બળ તૂટતુ જાય છે અને આ દરેક સાણસારૂપી કાર્યક્રમોનો સૌથી મોટામાં મોટો આર્થિક સાણસો છે. જે વિદેશીઓએ પોતાના હાથમાં રાખ્યો છે. જેને માટે ભારત સર્વથા સ્વાશ્રયી અને સ્વતંત્ર હતુ. તે આજે બરાબર વિદેશી સાણસામાં ગોઠવાઇ ગયુ છે.

દેશ - દેશની પ્રજાઓને પોતાનો બચાવ કરતા આર્થિક સહાય, લશ્કરી બળ, લશ્કરી સામગ્રી, દેશના તમામ જીવનતત્વોને ચલાવનારા નિષ્ણાંતો પૂરા પાડી આપવાથી, તે તે દેશોની પ્રજા પણ બરાબર હાથમાં રહે, અને છતા પેલી જુદી જ જાતની સત્તાના હાથમાં તેને જવા દઇ, અને છેવટે તે સત્તા ઉપર પણ વિજય પ્રાપ્ત કર્યા પછી તો તે દેશ પણ પોતાનો જ ગણાય.

દરમિયાન કોઈપણ પરંપરાગત રાજય - બંધારણ, રાજાઓ, ધર્મગુરૂઓ, સાંસ્કૃતિક તત્વો જગતમાં લગભગ રહેવા પામ્યા ન હોય (સિવાય કે ઈંગ્લેન્ડના રાજા અને પોપ ધર્મગુરૂ). સર્વત્ર એક કોર્ટ, એક ન્યાય, એક સમાજરચના, એક ભાષા, એક વેશ, એક રંગ ગોઠવાઈ જાય. પછી આવી કોરી ભૂમિમાં ફરીથી સામ્રાજ્ય સ્થાપિત થયા પછી વિશ્વશાંતિના કાર્યક્રમ તરીકે જે કંઈ નવુ કરવુ હોય તે થઈ શકે. કેમ કે જૂનું બધુ નાશ પામી ચૂકયુ હોય.

આલેખન : સ્વ. પં. પ્રભુદાસ બેચરદાસ પારેખ

મહાન આર્ષદૃષ્ટા, ૧-૧-૧૯૫૧, સંદર્ભ વિનિયોગ સમાચાર

(11:35 am IST)