Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

બાળકીને ઢોર માર મારતી માતાનો વિડિયો વાઇરલ, પતિ અને પત્નીની ધરપકડ

કઠુઆ તા. ૧૮: જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં એક બાળકીનો વિડિયો સોશ્યલ મીડિયા ઉપર વાઇરલ થયો છે. વિડિયોમાં નાની બાળકીને ઢોરમાર મારવામાં આવી રહ્યો છે. માનવામાં આવી રહ્યું છેકે બાળકીને પોતાની માતા જ ઢોર માર મારી રહી હતી. બાળકી રડતાં રડતાં માતાને આજીજી કરી રહી હતી. પરંતુ તેની માતા બાળકીને મારતી જ રહી હતી.

વિડિયોમાં બાળકીની માતા તેને ઢસડે છે અને બાળકીની પીઠ પર પંચ મારી રહી હતી. આ સમયે બાળકી રડતાં-રડતાં રહેમની ભીખ માગી રહી હતી, પરંતુ પથ્થરદિલની માતા બાળકીને માર મારતી રહી હતી. માતાએ બાળકીને વાળથી પકડીને જમીન પર પણ પછાડી હતી.

દરમ્યાન બાળકીએ પોતાના પિતાને પણ રડતાં-રડતાં છોડાવવાની અપીલ કરી હતી, પરંતુ પિતા બહાર ઊભો-ઊભો માર મારવનો વિડિયો ઉતારી રહ્યો હતો. માતા એટલી નિર્દયી બની ગઇ હતી કે બાજુમાં પડેલા ચંપલથી બાળકીને ફરી મારવાનું શરૂ કરી દીધું હતું.

આ ઘટનાનો વિડિયો સોશ્યલ મિડિયા પર ભારે વાઇરલ થયો હતો. આ વિડિયો વિશે પોલીસને જાણ થતાં પોલીસ હરકતમાં આવી અને કેસ દાખલ કર્યો હતો. ત્યારબાદ બાળકીનાં માતા-પિતાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરવાનું શરૂ કર્યું હતું.

(10:56 am IST)