Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

અયોધ્‍યા પર નિર્ણય આપનાર બેંચમાં સામેલ જસ્‍ટિસ અબ્‍દુલ નઝીર પર ખતરોઃ કેન્‍દ્રએ Z શ્રેણીની સુરક્ષા પ્રદાન કરી

જસ્‍ટિસ અબ્‍દુલ નઝીર ત્રિપલ તલાક માટે રચાયેલી બેંચના સભ્‍ય પણ હતા

નવી દિલ્‍હી, તા.૧૮: અયોધ્‍યા વિવાદાસ્‍પદ જમીન પર નિર્ણય આપનાર બેંચમાં સામેલ જસ્‍ટિસ એસ અબ્‍દુલ નઝીર અને તેમના પરિવારને ઝેડ શ્રેણીની સુરક્ષા પ્રદાન કરવાનો નિર્ણય લેવામાં આવ્‍યો છે. ગુપ્ત એજન્‍સીઓએ એફપીઆઇ અને અન્‍ય સંગઠનોથી તેમને ખતરો હોવાનો ખુલાસો કર્યો છે.

કેન્‍દ્ર સરકારના નિર્ણય પછી કેન્‍દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સ અને સ્‍થાનિક પોલીસને જસ્‍ટિસ નઝીર અને તેમના પરિવારને સુરક્ષા આપવા માટે નિર્દેશ આપવામાં આવ્‍યા હતા. આ પહેલા સરકારે ૯ નવેમ્‍બરે થનારા નિર્ણય પહેલા CJI ગોગોઇને ઝેડ પ્‍લસ સુરક્ષા પ્રદાન કરી હતી.

અધિકારીઓ મુજબ સુરક્ષા દળો અને સ્‍થાનિક પોલીસ દેશના અન્‍ય ભાગોમાં એફપીઆઇ તરફથી ખતરો હોવાથી જસ્‍ટિસ નઝીર અને તેમના પરિવારને તત્‍કાળ સુરક્ષા પ્રદાન કરશે. આ દરમિયાન જસ્‍ટિસ નઝીર જયારે પણ બેંગ્‍લુરુ, મેંગ્‍લુરુ અને રાજયના કોઇપણ હિસ્‍સાની મુલાકાતે જાય તો તેમને ઝેડ શ્રેણી સુરક્ષા પ્રદાન કરવામાં આવે. ઝેડ શ્રેણી સુરક્ષામાં અર્ધસૈનિક દળ અને પોલીસના ૨૨ જવાનો તૈનાત કરવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટની બેંચે અયોધ્‍યા વિવાદાસ્‍પદ જમીન મામલે નિર્ણય આપ્‍યો હતો જેમાં જસ્‍ટિસ નઝીર સામેલ હતા. આ સિવાય તેઓ ત્રિપલ તલાક માટે રચવામાં આવેલી પાંચ સભ્‍યોની બેંચના સભ્‍ય પણ હતા.

જસ્‍ટિસ નઝીરને ૧૭ ફેબ્રુઆરી ૨૦૧૭માં સુપ્રીમ કોર્ટના જજ નિમણૂક કરવામાં આવ્‍યા હતા.

 

(10:45 am IST)