Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

અયોધ્‍યામાં હશે વિશ્વની સૌથી ઊંચી શ્રીરામની મૂર્તિ

અયોધ્‍યામાં શ્રીરામ મંદિરના નિર્માણની ઘડી હવે આવી ગઈ છે, જેને લઈને દેશમાં જ નહીં પરંતુ સમગ્ર દુનિયામાં રામભક્‍તોમાં ગજબનો ઉત્‍સાહ છેઃ એવું પણ કહેવાઈ રહ્યું છે કે આ વખતે રામ નવમીના દિવસે રામલલા ટેન્‍ટમાંથી નીકળીને સોનાના ગર્ભગૃહમાં વિરાજમાન થઈ જશે : શહેરનો એવો કાયાકલ્‍પ થશે કે દુનિયા જોતી રહેશે

અયોધ્‍યા, તા.૧૮: અયોધ્‍યામાં શ્રીરામ મંદિરના નિર્માણની દ્યડી હવે આવી ગઈ છે. જેને લઈને દેશમાં જ નહીં પરંતુ સમગ્ર દુનિયામાં રામભક્‍તોમાં ગજબનો ઉત્‍સાહ છે. એવું પણ કહેવાઈ રહ્યું છે કે આ વખતે રામ નવમીના દિવસે રામલલા ટેન્‍ટમાંથી નીકળીને સોનાના ગર્ભગૃહમાં વિરાજમાન થઈ જશે. સ્‍પષ્ટ છે કે રામલલાનો વનવાસ ખતમ થતા જ રામનગરીના પણ સુવર્ણ દિવસો આવવાના છે. જો કે ગઈ કાલ સુધી કોઈ પણ સંજોગોમાં સુપ્રીમ કોર્ટનો ચુકાદો માથે ચઢાવવાના દાવા કરનારામાંથી કેટલાક હવે તે જ ચુકાદા પર સવાલ ઉઠાવવા માંડ્‍યા છે. શરિયતનો હવાલો આપવામાં આવી રહ્યો છે. સુપ્રીમ કોર્ટે મસ્‍જિદ માટે જે ૫ એકર જમીન આપવાની વાત કરી છે તેને લેવાનો ઈન્‍કાર થઈ રહ્યો છે.

રામલલાને રામનવમી પર સોનાના ગર્ભગૃહમાં લઈ જવાની તૈયારી થઈ રહી છે. અયોધ્‍યામાં ભવ્‍ય રામ મંદિર માટે એક બાજુ કેન્‍દ્ર સરકાર ટ્રસ્‍ટ બનાવવાની તૈયારી  કરી રહી છે તો સાધુ સંતોએ રામ મંદિર માટે શુભ મુહૂર્તની પણ જાહેરાત કરી દીધી છે. અયોધ્‍યાના સાધુ સંતોનું કહેવું છે કે ૨૫ માર્ચ હિન્‍દુ નવ વર્ષ કે પછી ૨ એપ્રિલ ચૈત્ર રામનવમી રામ મંદિરના શિલાન્‍યાસ માટે શુભ દિવસ છે.

અયોધ્‍યામાં અદભૂત, અલૌકિક અને અવિસ્‍મરણીય રામ મંદિર!

રામલલાના મુખ્‍ય પૂજારી આચાર્ય સત્‍યેન્‍દ્ર દાસનું કહેવું છે કે છેલ્લા ૩ દાયકાથી તમે અને અમે  રામ મંદિરના આ મોડલને જોતા આવ્‍યાં છીએ. હવે આ મોડલ તે જગ્‍યા પર મંદિરનું સ્‍વરૂપ ધારણ કરશે જે જગ્‍યા પર મર્યાદા પૂરુષોત્તમ શ્રીરામનો જન્‍મ થયો હતો.

અયોધ્‍યામાં પ્રસ્‍તાવિત રામ મંદિરની લંબાઈ ૨૬૮ ફૂટ હશે. આ મંદિરની પહોળાઈ ૧૪૦ ફૂટ હશે જયારે ઊંચાઈ ૧૨૮ ફૂટ હશે. શ્રીરામ મંદિર બે માળનું હશે જેના પહેલા માળે ૧૦૬ સ્‍તંભ હશે. જયારે બીજા માળ ઉપર પણ ૧૦૬ સ્‍તંભ હશે. મંદિરમાં ત્રણ મંડપ રહેશે. સિંહ મંડપ, રંગ મંડપ અને કોળી મંડપ. ગર્ભગૃહની ચારે બાજુ એક પરિક્રમા માર્ગ બનાવવામાં આવશે જેની પહોળાઈ ૧૦ ફૂટ હશે. આ મંદિરના ગ્રાઉન્‍ડ ફ્‌લોર પર રામલલા બિરાજમાન થશે. જયારે પછીના માળે રામ દરબાર એટલે કે શ્રીરામ માતા સીતા લક્ષમણ અને હનુમાનજીની મૂર્તિ સ્‍થાપિત થશે.

૧. અયોધ્‍યામાં દુનિયાની સૌથી ઊંચી શ્રીરામની મૂર્તિ (૨૫૧ મીટર) સ્‍થાપિત થશે

૨. આગામી વર્ષે દુનિયાના સૌથી ભવ્‍ય મંદિરની તૈયારી

૩. અયોધ્‍યામાં ક્રૂઝ ચલાવવાની તૈયારી, જળમાર્ગનું કામ શરૂ

૪. અયોધ્‍યામાં ૧૦ શ્રીરામ દ્વાર બનાવવામાં આવશે.

૫. અયોધ્‍યામાં એપ્રિલ સુધી એરપોર્ટ નિર્માણની તૈયારી

૬. અયોધ્‍યામાં મે ૨૦૨૦ સુધીમાં ફલાઈટની તૈયારી

૭. અયોધ્‍યામાં ૧૦૦ કરોડના ખર્ચે મંદિર જેવું રેલવે સ્‍ટેશન

૮. ડિસેમ્‍બર ૨૦૧૯થી અયોધ્‍યામાં ફાઈવ સ્‍ટાર હોટલ્‍સનું નિર્માણ શરૂ

૯. અયોધ્‍યામાં ભગવાન શ્રીરામ સંબંધિત તમામ કૂંડનું પુર્નનિર્માણ થશે.

૧૦. અયોધ્‍યામાં તીર્થ વિકાસ પરિષદની રચના થશે.

અયોધ્‍યામાં ફક્‍ત રામ મંદિરનું ભવ્‍ય નિર્માણ નહીં થાય પરંતુ સમગ્ર અયોધ્‍યાના કાયાકલ્‍પની તૈયારી થઈ રહી છે. અદભૂત અને આધુનિક અયોધ્‍યા બનાવવાની તૈયારી પ્રશાસન અને સરકાર તરફથી શરૂ થઈ ગઈ છે. વર્લ્‍ડ ક્‍લાસ અયોધ્‍યા માટે બ્‍લ્‍યુ પ્રિન્‍ટ તૈયાર થઈ ગઈ છે. અયોધ્‍યામાં ભવ્‍ય મંદિરની સાથે સાથે સરયુ નદીમાં ક્રૂઝ ચલાવવાની તૈયારી થઈ છે. ઈન્‍ટરનેશનલ એરપોર્ટ, વર્લ્‍ડ ક્‍લાસ રેલવે સ્‍ટેશન અને બસ સ્‍ટેન્‍ડ, પાંચ પ્રમુખ શહેરોની ધાર્મિક સર્કિટ અને દેશનું સૌથી મોટું ધાર્મિક સ્‍થળ હશે. રામ મંદિરના નિર્માણથી અયોધ્‍યા સંપૂર્ણ રીતે બદલાઈ જશે. અયોધ્‍યાની અર્થવ્‍યવસ્‍થા બદલાઈ જશે.

 

(10:44 am IST)