Gujarati News

Gujarati News

News of Sunday, 18th November 2018

ઓછા સમયમાં યુદ્ધ જીતવા સંયુક્ત યોજના ખુબ જરૂરી

ત્રણેય સેનાઓની સંયુક્ત યોજના પર કામ જરૂરી : ચીને બે વર્ષ પહેલા આ મોડલ પર કામ શરૂ કર્યું : ધનોવા

નવી દિલ્હી, તા. ૧૮ : હવાઈદળના વડા બીએસ ધનોવાએ આજે કહ્યું હતું કે, ઓછા સમયમાં યુદ્ધ જીતવા માટે ત્રણેય સેનાઓની સંયુક્ત યોજના ખુબ જરૂરી છે. તેમણે કહ્યું હતું કે, એરફોર્સ, નેવી અને આર્મી વચ્ચે સંકલનની દ્રષ્ટિએ કામ કરવાને વધુ મહત્વ અપાય તે જરૂરી છે. ત્રણેય સેનાઓ વચ્ચે સંયુક્ત યોજના માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવાની જરૂર છે જેથી કોઇપણ યુદ્ધની સ્થિતિમાં ઓછામાં ઓછા સમયમાં આ યુદ્ધ જીતી શકાય.

ધનોવાએ કહ્યું હતું કે, સેનાના ત્રણેય હિસ્સાને સુરક્ષાને લઇને કોઇપણ પડકારોને પહોંચી વળવા સંકલન સાથે આગળ વધવાની જરૂર છે. એરફોર્સ જોઇન્ટ પ્લાનિંગના સમર્થનમાં છે. દેશો દ્વારા એકબીજા ઉપર ઝીંકવામાં આવી રહેલા જુદા જુદા પ્રકારના ખતરાની પરિસ્થિતિમાં સેનાના કોઇપણ હિસ્સા દ્વારા એકલા દમ ઉપર કોઇ યુદ્ધ જીતી શકાય નહીં. એરચીફ માર્શલે કહ્યું હતું કે, સેનાના ત્રણેય હિસ્સા સંયુક્ત યોજનાને પ્રોત્સાહન આપે તે જરૂરી છે. સરકાર અને સેનાના ત્રણેય અંગો વચ્ચે ચર્ચા થતી રહી છે કે, ભારતને યુદ્ધ ક્ષેત્ર કમાન્ડ માટે મોડલ અપનાવવાની જરૂર છે જેમાં ત્રણેય સેવાઓની શ્રમ શક્તિ અને સંકલન સાધીને આગળ વધવાની જરૂર છે. અમેરિકા અને અન્ય પશ્ચિમી દેશોમાં આ પ્રકારનું મોડલ જોવા મળે છે. સંરક્ષણ સંસ્થામાં ઓછામાં ઓછા બે યુદ્ધ ક્ષેત્ર સ્થાપિત કરવાની ચર્ચા હતી. પાકિસ્તાનને પહોંચી વળવા માટે એક પશ્ચિમ ક્ષેત્રમાં અને ચીનને પહોંચી વળવા માટે એક પૂર્વીય ક્ષેત્રમાં યુદ્ધ ક્ષેત્ર કમાન્ડ સ્થાપિત કરવાની જરૂર છે. અલબત્ત સરકાર સામે કોઇપણ પ્રકારનો ગંભીર ખતરો નથી. આ વર્ષે એપ્રિલ મહિનામાં સરકારે વિચારણા કરવા માટે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોભાલના નેતૃત્વમાં એક સંરક્ષણ યોજના સમિતિ બનાવી હતી. વાયુસેના અધ્યક્ષે કહ્યું હતું કે, અમને જે જરૂર છે તે સંયુક્ત યોજના માટે સંસ્થાગત માળખાની છે.

(9:37 pm IST)